ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું નામ અદ્વિતીય સ્થાન ધરાવે છે. તેમની ઐતિહાસિક નવલકથાઓએ ગુજરાતી વાચકોને માત્ર રસપ્રદ કથાઓ જ નથી આપી, પરંતુ ઇતિહાસ, શૌર્ય, પ્રેમ, રાજકીય સંઘર્ષ અને માનવીય મનોદશાનું ગહન ચિત્રણ પણ આપ્યું છે. આ પરંપરામાં તેમની `પૃથ્વીવલ્લભ' એવી કૃતિ છે, જેને અનેક વિવેચકોએ મુન્શીની શ્રેષ્ઠ નવલકથા ગણાવી છે. 1921માં પ્રકાશિત થયેલી આ કૃતિએ એક સદીથી વધુ સમયથી પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે, જે તેની અનેક આવૃત્તિઓ અને વિવિધ ભાષાઓમાં થયેલા અનુવાદોથી સ્પષ્ટ થાય છે.
આ નવલકથાનો આધાર દસમી સદીના ઐતિહાસિક સંઘર્ષ પર છે. માળવા અને તેલંગણાનાં રાજ્યો વચ્ચેના રાજકીય અને માનસિક ટકરાવની આ કથા, ઇતિહાસ અને કલ્પનાના સચોટ સંમિશ્રણનું ઉત્તમ ઉદાહરણ છે. કથાના કેન્દ્રમાં છે અવંતિનરેશ મુંજ - વાક્પતિ મુંજ - જેને પ્રજા પ્રેમથી `પૃથ્વીવલ્લભ' કહે છે. મુન્શીને 44 વર્ષની ઉંમરમાં મુંજનું પ્રતાપી વ્યક્તિત્વ મોહી ગયું હતું અને થોડી છૂટછાટ લઈને એક ઐતિહાસિક નવલ લખી હતી.
મુંજ માત્ર વીર યોદ્ધા જ નથી, પરંતુ એક રસિક, કવિ અને વ્યક્તિત્વથી પ્રભાવશાળી રાજા છે. તેઓ માળવા રાજ્યને મજબૂત બનાવવા, કવિઓ અને વિદ્વાનોને સમર્થન આપવા અને લગભગ તમામ પડોશી રાજ્યો સામે લશ્કરી સફળતા પ્રાપ્ત કરવા માટે જાણીતા છે. તેમની કીર્તિ અને લોકપ્રિયતા તેલંગણાના રાજા તૈલપ માટે ઈર્ષાનું કારણ બને છે.
તૈલપ વારંવાર આક્રમણો કરે છે. કહેવાય છે કે પંદર વખત - પરંતુ દરેક વખતે મુંજની સામે પરાજિત થાય છે. આ સંઘર્ષને નવી દિશા આપે છે તૈલપની બહેન મૃણાલવતી, જે તપસ્વિની સ્વભાવ ધરાવતી, દૃઢનિશ્ચયી અને બુદ્ધિશાળી સ્ત્રી છે. તે તૈલપને સોળમો હુમલો કરવા પ્રેરિત કરે છે. આ વખતે ભાગ્ય મુંજની તરફેણમાં નથી અને તેમનો પરાજય થાય છે.
નવલકથાનું સૌથી મર્મસ્પર્શી પાસું મૃણાલવતી અને મુંજ વચ્ચેનો માનસિક-ભાવનાત્મક તનાવ છે. મૃણાલવતી શરૂઆતમાં મુંજના ગર્વને તોડવા પ્રયત્ન કરે છે, પરંતુ ધીમે ધીમે તે જ ગર્વિષ્ઠ અને પ્રભાવી વ્યક્તિત્વથી મોહિત થઈ જાય છે. અહીં મુન્શી પ્રેમ અને ગૌરવ વચ્ચેના સંઘર્ષને અદ્ભુત રીતે રજૂ કરે છે. મૃણાલવતીનું પાત્ર ખાસ ધ્યાન ખેંચે છે. તે માત્ર પ્રેમિકા નથી, પરંતુ શક્તિ, તપ અને આંતરિક સંઘર્ષનું પ્રતીક છે, જેમાં વેર અને પ્રેમ વચ્ચેનો દ્વંદ્વ સતત ચાલતો રહે છે.
અંતે ગુસ્સે ભરાયેલો તૈલપ મુંજને હાથીના પગ નીચે કચડી મારવાનો આદેશ આપે છે. છતાં મુંજનું વ્યક્તિત્વ અંતિમ ક્ષણ સુધી અડગ, અણનમ અને શૂરવીર રહે છે. આ પ્રસંગ માત્ર નાયકના અંતનો નથી, પરંતુ ગૌરવના અમરત્વનું પ્રતીક બની જાય છે. શરીર પરાજિત થાય છે, પરંતુ આત્માની વિજયગાથા અવિનાશી રહે છે. આ રીતે મુંજ એક ટ્રેજિક હીરો તરીકે ઊભરી આવે છે, જે હાર્યા પછી પણ વાચકના મનમાં વિજયી રહે છે.
આ કૃતિની વિશેષતા એ છે કે તે માત્ર ઐતિહાસિક ઘટના તરીકે મર્યાદિત નથી રહેતી, તે માનવીય ગૌરવ, પ્રેમ, પ્રતિષ્ઠા અને સત્તાનાં તત્ત્વોને પણ ઊંડાણપૂર્વક સ્પર્શે છે. મુન્શીની ભાષા અહીં વિશેષ નોંધપાત્ર છે. સંસ્કૃતનિષ્ઠ, ભવ્ય અને રાજવી ગૌરવથી ઓતપ્રોત જે સમગ્ર કથાને વિશિષ્ટ ઊંચાઈ આપે છે.
આ જ કારણ છે કે `પૃથ્વીવલ્લભ' સાહિત્યની સીમાઓ પાર કરીને રંગમંચ અને સિનેમા સુધી પહોંચી. 1924માં નાટ્યકાર પ્રભુલાલ દ્વિવેદીએ આ નવલકથાના આધાર પર `માલવપતિ મુંજ' નામનું નાટક રચ્યું, જે ગુજરાતી રંગભૂમિ પર અસાધારણ સફળ રહ્યું. કહેવાય છે કે તેના લગભગ 5000 શો થયા હતા, જે તે સમય માટે અદ્વિતીય સિદ્ધિ હતી. નાટકનાં ગીતો આજે પણ લોકસ્મૃતિમાં જીવંત છે. ખાસ કરીને `એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી' અને `હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે' જેવાં ગીતોએ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું. નાટકમાં મુંજનું પાત્ર ભજવતા માસ્ટર અશરફખાન ઉત્તમ અભિનય અને તેમના ઘેઘૂર કંઠે ગવાતાં ગીતોને કારણે ભારે પ્રસિદ્ધિ પામ્યા હતા.
આ નાટકની સફળતાએ સિનેમાને પણ પ્રેરણા આપી. 1943માં સોહરાબ મોદીએ હિન્દીમાં `પૃથ્વીવલ્લભ' ફિલ્મ બનાવી. આ ફિલ્મ ભારતીય ઐતિહાસિક સિનેમાના ઇતિહાસમાં એક માઈલસ્ટોન સમાન છે. આ ફિલ્મ અશોક પિક્ચર્સ દ્વારા નિર્મિત પહેલી અને મોટી ફિલ્મ હતી. તેનું શૂટિંગ મુખ્યત્વે વડોદરાના મકરપુરા પેલેસની આસપાસ કરવામાં આવ્યું હતું અને સેટ આર.એસ. ચૌધરીએ ડિઝાઇન કર્યા હતા. ફિલ્મના ક્લાઇમેક્સમાં હાથીની નાસભાગ દર્શાવવામાં આવી હતી, જેણે તે સમયે સનસનાટી મચાવી હતી. ફિલ્મ તેના કોસ્ચ્યુમ માટે પણ નોંધપાત્ર છે.
સોહરાબ મોદીએ માત્ર નિર્માણ અને નિર્દેશન જ નહીં, પરંતુ મુંજની ભૂમિકા પણ ભજવી હતી. તેમની ગર્જના જેવી સંવાદશૈલી અને રાજવી વ્યક્તિત્વ ફિલ્મને અદ્ભુત ઊંચાઈ આપે છે. મૃણાલવતીના પાત્રમાં દુર્ગા ખોટેએ ગૌરવ અને ભાવનાત્મક જટિલતાનો ઉત્તમ અભિનય કર્યો છે.
ત્યારબાદ 1976માં ગુજરાતી ફિલ્મ જગતમાં આ કથાનો પુનર્જન્મ થયો `માલવપતિ મુંજ' તરીકે. જાણીતા નિર્દેશક રવીન્દ્ર દવેના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ મુંજનું પાત્ર ભજવ્યું, જ્યારે તનુજાએ મૃણાલવતીને જીવંત કરી. ઉપેન્દ્ર ત્રિવેદીનું વ્યક્તિત્વ અને સંવાદપ્રભુત્વ આ ભૂમિકાને વિશેષ ઊંચાઈ આપે છે, જ્યારે તનુજાએ રાજવી ગૌરવ અને આંતરિક ભાવવિશ્વનું સુંદર ચિત્રણ કર્યું છે.
આ ફિલ્મનું સંગીત અવિનાશ વ્યાસનું હતું, જે પોતે જ ગુજરાતી સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય છે. મન્ના ડે, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે અને સુમન કલ્યાણપુર જેવાં ગાયકોના સ્વરે ફિલ્મને અવિસ્મરણીય બનાવી હતી. ગુજરાતી નાટકનાં લોકપ્રિય ગીતોને ફિલ્મમાં સ્થાન આપવાથી તે વાચકો અને દર્શકો બંને માટે ભાવનાત્મક રીતે વધુ નજીક બની.
`પૃથ્વીવલ્લભ'નું મહત્ત્વ માત્ર એક ઐતિહાસિક પ્રેમકથા તરીકે નથી. તે ગુજરાતીની સર્જનાત્મક શક્તિ, સાહિત્યની લોકપ્રિયતા અને વિવિધ માધ્યમોમાં તેની અનુકૂલન ક્ષમતાનું પ્રતીક છે. નવલકથા, નાટક અને ફિલ્મ - દરેક સ્વરૂપે આ કથા નવી પેઢીને સ્પર્શતી રહી છે.
ગુજરાતી વાચકો માટે આ કૃતિ અને તેની ફિલ્મી આવૃત્તિઓ બંને અનિવાર્ય અનુભવ છે. મુન્શીની ભાષા, મુંજનું અદમ્ય શૌર્ય, મૃણાલવતીનો આંતરિક સંઘર્ષ અને તેની નાટ્યાત્મક રજૂઆત - આ બધું મળીને `પૃથ્વીવલ્લભ'ને સાચા અર્થમાં કાળાતીત બનાવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો