`દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહિયે' એવી કહેવત બહુ જાણીતી છે. ખૂબ જ પ્રચલિત આ ઉક્તિ દરેક ક્ષેત્રમાં પુરવાર થતી હોય છે. દુનિયામાં તમે કલ્પના પણ કરી ન હોય એવા નુસખા થકી લોકો ભારે કમાણી કરી લેતા હોય છે. એવો જ એક વ્યવસાય એટલે પ્રોફેશનલ ક્યૂઅર.
બિલકુલ તમે સમજ્યા એ જ આ વ્યવસાય છે. લાઈનમાં ઊભા રહેવાનો વ્યવસાય. એવો તે કોઈ વ્યવસાય હોય ખરો, એવો સવાલ જરૂર થાય, પરંતુ લાઈનમાં ઊભા રહીને પણ કમાણી કરી શકાય છે. સ્વાભાવિક છે કે આપણા દેશોમાં તો વસ્તી વધુ છે, ત્યારે કોઈ પણ કામ હોય તો લાઈન લાગી જ હોય. ટ્રેનની ટિકિટ કઢાવવાની હોય કે કોઈ ફોર્મ ભરવાનું હોય, દરેક ઠેકાણે લાઈનમાં ઊભા રહીને જ કામ કરવું પડતું હોય છે. અરે! મંદિરોમાં ભગવાનનાં દર્શન કરવા માટે પણ લાઈનમાં ઊભા રહેવું પડતું હોય છે. જોકે, એમાં બધે જ શિસ્તબદ્ધ હોય એમ માની લેવાની જરૂર નથી. ક્યાંક ધક્કામુક્કી પણ થઈ જતી હોય છે. વેલ, એ તો આપણા દેશની વાત છે, પરંતુ લાઈન તો વિદેશમાં પણ જોવા મળતી હોય છે. વળી, કાગડા તો બધે જ કાળા હોય છે, લાઈનમાં કલાકો સુધી ઊભા રહેવાનું કોઈને ગમતું નથી. લંડનમાં પણ એવા જ હાલ જોવા મળે છે.
ઘણી વખત તો એવી લાઈન લાગી હોય કે ઊભા રહી રહીને લોકો ઝોકું ખાઈ લેતા હોય છે. ટૂંકમાં, લાઈનમાં ઊભા રહેવાનો ત્રાસ હોય છે. એ જોઈને 31 વર્ષના ફ્રેડી બેકિટને થયું કે આ તો આફતમાં અવસર છે. તેણે અવસરને વ્યવસાયમાં ફેરવી દીધો છે. એમ તો ફ્રેડી હિસ્ટોરિક ફિક્સન રાઈટર છે, પણ સાઈડ બિઝનેસ તરીકે તેણે લાઈનમાં ઊભા રહેવા ન માંગતા લોકોના બદલે લાઈનમાં ઊભા રહેવાનું શરૂ કર્યું છે. ફ્રેડીએ તો રીતસર ધંધો જ માંડી દીધો. પશ્ચિમ લંડનના ફૂલમ ખાતે રહેતો ફ્રેડી લંડનમાં પહોંચીને કોઈ પણ કામ માટે લાઈનમાં ઊભા રહેવાની સેવા આપે છે. યુવાનથી માંડીને સિનિયર સિટીઝન પણ તેના ગ્રાહક છે. એક વખત તો એક ચિત્રપ્રદર્શની માટે એક ગ્રાહકની ટિકિટ લેવા માટે લાઈનમાં એક બે નહીં પૂરા 8 કલાક લાઈનમાં ઊભો રહ્યો હતો. વાસ્તવમાં પ્રદર્શનની ટિકિટ માટે તો તે ફક્ત 3 જ કલાક લાઈનમાં ઊભો હતો, પરંતુ ગ્રાહકને ટિકિટ આપવા માટે તે પૂરા 5 કલાક રાહ જોઈને ઊભો રહ્યો હતો. એમાં શું? એવો સવાલ થાય તો એ જાણી લો કે ધ્રુજાવી દે એવી ઠંડી હોય કે પરસેવો પડાવી દે એવી ગરમી હોય તો પણ ફ્રેડ લાઈનમાં ઊભો રહી જતો હોય છે. લંડનમાં યોજાતા કોન્સર્ટ અને મોટી ઈવેન્ટ્સની ટિકિટ માટે તો લોકો ફ્રેડીને જ નહીં, તેના જેવા પ્રોફેશનલ ક્યૂઅરને શોધતા હોય છે. ગમે તેવી ઋતુ હોય તો પણ પ્રોફેશનલ ક્યૂઅર લાઈનમાં ઊભા રહીને તમારું કામ કરી દેતા હોય છે. પગ દુઃખી જાય એટલા કલાકો લાઈનમાં ઊભા રહેવાનું અને એ પણ કોઈ પણ ઋતુમાં અને કોઈ પણ સમયે લાઈનમાં ઊભા રહેવાનું હોય એ પણ એક મોટો પડકાર છે.
એ ખરું કે આપણે ત્યાં તો ઘણી વખત એવું જોવા મળે કે ટ્રેન આવવાની તૈયારીમાં હોય અને ટિકિટ બારી પર જે પહોંચ્યું હોય તેને ટિકિટના પૈસા આપીને તેની પાસેથી આપણી ટિકિટ પણ કઢાવી લઈએ છીએ. એ સ્થિતિમાં આપણને બીજાના વતી લાઈનમાં ઊભા રહેવાની કલ્પના પણ ન આવે. કલ્પના આવે તો પણ લાઈનમાં ઊભા રહીને પણ તગડી કમાણી કરી શકાય એવું તો આપણે વિચારી પણ ન શકીએ, પરંતુ ફ્રેડી જેવા પ્રોફેશનલ ક્યૂઅર તો કલાકના 2000 રૂપિયાના ભાવે લાઈનમાં ઊભા રહીને દહાડાના છેડે 15થી 20 હજાર રૂપિયા કમાઈ લેતા હોય છે. હજુ આ બિઝનેસ આપણે ત્યાં ફક્ત કેટલાંક સ્ટેશનો પર કૂલી પૂરતો જ મર્યાદિત છે, પરંતુ એક વ્યવસાય તરીકે કોઈ પ્રોફેશનલ ક્યૂઅર પાક્યો નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો