આયુર્વેદના ઈતિહાસ પ્રમાણે જોઈએ તો આપણે ત્યાં સર્વપ્રથમ સર્જન `સુશ્રુત' થઇ ગયા. તેમણે પોતાના મહાગ્રંથ સુશ્રુત સંહિતામાં `અષ્ઠિલા' નામના રોગનું વર્ણન કર્યું છે. આ રોગનાં લક્ષણો જોયા પછી આપણે તેને `એન્લાર્જમેન્ટ ઓફ પ્રોસ્ટેટ' સાથે સરખાવી શકીએ. આયુર્વેદીય પરિભાષામાં તેને બીજા એક નામ પૌરુષ-ગ્રંથિની વૃદ્ધિથી પણ ઓળખવામાં આવે છે.
ઘણા પુરુષોને ઢળતી ઉંમરે પ્રોસ્ટેટ સંબંધિત તકલીફ સતાવતી હોય છે. આમ જોઈએ તો પુરુષોના પુરુષાતન માટે સ્વસ્થ પ્રોસ્ટેટનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રોસ્ટેટ એ માંસપેશી અને ગ્રંથિનું સંયુક્ત સ્વરૂપ છે. એટલે કે પ્રોસ્ટેટ માંસપેશી પણ છે અને ગ્રંથિ પણ છે. તે મૂત્રાશયના છેડે મૂત્રમાર્ગની ચારે બાજુ વીંટળાયેલી હોય છે.
વિકૃત પ્રોસ્ટેટના લીધે કેટલાક શારીરિક અને માનસિક ઉપદ્રવો પેદા થાય છે. પ્રોસ્ટેટની તકલીફના લીધે કેટલાક રોગીઓ માનસિક રીતે સાવ ઢીલા પડી જાય છે. આવી વ્યક્તિઓ પોતાનામાં અસમર્થતાનો અનુભવ કરવા લાગે છે. કેટલાક દર્દીઓને પીઠમાં દુખાવો રહે છે. આ દુખાવો ધીમો-ધીમો, મીઠો-મીઠો અને દીર્ઘકાલીન હોય છે.
કેટલાક રોગીઓને પ્રોસ્ટેટના લીધે મૂત્રત્યાગ વખતે દાહ-બળતરા થાય છે. મૂત્રપ્રવૃત્તિ ટીંપે-ટીંપે અને વારંવાર થાય છે. મૂત્રનો પ્રવાહ ધીમો પડે છે. મૂત્રાશય (બ્લેડર) સંપૂર્ણપણે ખાલી થયાનો સંતોષ થતો નથી. કોઈ કોઈ વખત મૂત્રપ્રવૃત્તિ સાવ બંધ થઇ જાય તો રબરની નળી કે કેથેટર દ્વારા તેની પ્રવૃત્તિ કરાવવી પડે છે.
આધુનિક વિજ્ઞાન આટલું આગળ વધ્યું હોવા છતાં પ્રોસ્ટેટ ગ્લેન્ડની વૃદ્ધિને મટાડવાની સફળ દવા શોધી શકાઈ નથી અને તેથી જ ડોક્ટર્સ દ્વારા ઓપરેશનની સલાહ અપાય છે. આયુર્વેદનાં ઔષધો દ્વારા તેમાં સફળ પરિણામ મેળવી શકાય છે.
આયુર્વેદના `ચિકિત્સા પ્રદીપ' નામના લઘુ ગ્રંથમાં આ વ્યાધિ માટેના એક ઔષધ યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઔષધયોગ એકદમ અકસીર છે, જે આ પ્રમાણે છે.
નાની વજનદાર હિમેજ 160 ગ્રામ અને શુદ્ધ મોરથૂથુ 10 ગ્રામ, આ બંને ઔષધના મિશ્ર ચૂર્ણને 250 મિ.લિ. લીંબુના રસમાં ખૂબ વાટી-ખરલ કરી સૂકવી લેવું. ફરી લીંબુના રસમાં નાંખી ખરલ કરી સૂકવી લેવું. આવી રીતે લીંબુના રસની 7 વખત ભાવના આપી તેને બોટલમાં ભરી લેવું. આ ઔષધ 1થી 2 ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ અથવા ગોક્ષુરાદિ કે પુનર્નવાદિ કવાથ સાથે લેવું. આ પ્રયોગ બે-ત્રણ મહિના કરવાથી વૃદ્ધિ પામેલું પ્રોસ્ટેટ સંકોચાઈ જાય છે અને મૂત્રમાર્ગનો અવરોધ દૂર થાય છે. કોઈ પણ પ્રકારની ગાંઠ કે સોજાને તેની પ્રાકૃત અવસ્થામાં લાવવાની આ ઔષધમાં ક્ષમતા છે.
સહન થઇ શકે એવા ગરમ પાણીના ટબમાં નાભિ ડૂબે એ રીતે 15થી 20 મિનિટ કટી સ્નાન કરવું.
પુનર્નવાદિ કે ગોક્ષુરાદિ કવાથ અડધો કપ દિવસમાં ત્રણ વખત જમ્યા પહેલાં લેવો.
ત્રિફળા ગૂગળની બે-બે ગોળી દિવસમાં ત્રણ વખત જમ્યા પછી લેવી.