પૂર્વ યુરોપિયન દેશ અલ્બેનિયામાં સરકાર વિરોધી પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. વિરોધના પાંચમા દિવસે રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ દેશની સુપ્રીમ કોર્ટના એક હિસ્સામાં આગ લગાવી દીધી હતી, જેના કારણે મહત્ત્વના દસ્તાવેજો રઝળી પડ્યા હતા અને ફર્નિચર તેમજ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. સેન્ટ્રલ બેન્ક ઓફ અલ્બેનિયા અને પોસ્ટ ઓફિસ સહિતની સરકારી ઈમારતોને પણ નિશાન બનાવવામાં આવી હતી.છેલ્લા 13 વર્ષથી સત્તા પર રહેલા વડાપ્રધાન એડી રામાના રાજીનામાની માંગ સાથે હજારો દેખાવકારો રાજધાની તિરાનાના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. શિક્ષણની કથળતી સ્થિતિ, યુનિવર્સિટીઓની ઊંચી ફી અને મોંઘવારી સામે વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલું આ આંદોલન હવે `ફ્લેમિંગો' મુવમેન્ટ સાથે જોડાઈ ગયું છે. વિરોધીઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે સંકળાયેલા કોસ્ટલ ટુરિઝમ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો મૂકી રહ્યા છે.સંઘર્ષમાં અત્યાર સુધીમાં 132થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જ્યારે પોલીસે 167 લોકોની ધરપકડ કરી લગભગ 400 સામે કેસ નોંધ્યા છે. સામે પક્ષે, વડાપ્રધાન રામાએ રાજીનામું આપવાનો સાફ ઇનકાર કરતાં ચેતવણી આપી છે કે આ અરાજકતા દેશના વર્ષ 2030 સુધીમાં યુરોપિયન યુનિયનમાં જોડાવાના લક્ષ્યને ફટકો પહોંચાડી શકે છે.
એટલાન્ટિક, પેસિફિક મહાસાગરના પુનઃનામકરણની ટ્રમ્પની વિચારણા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે 'એટલાન્ટિક મહાસાગર'નું નામ બદલવા સંદર્ભે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે ચર્ચા કરી હતી, પરંતુ ટેક જાયન્ટે આ પ્રસ્તાવમાં કોઈ રસ દાખવ્યો નહોતો. સાઉથ કેરોલિનાના ક્લેમસનમાં આયોજિત એક જાહેરસભાને સંબોધતા ટ્રમ્પે અનોખા અંદાજમાં આ ઘટસ્ફોટ કર્યો હતો. અગાઉ યુએસ આધારિત યુઝર્સ માટે `ગલ્ફ ઓફ મેક્સિકો'ને `ગલ્ફ ઓફ અમેરિકા' દર્શાવવાના ગૂગલ મેપ્સના નિર્ણયનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે આ નવો વિચાર રજૂ કર્યો હતો.ટ્રમ્પે સુંદર પિચાઈ અને સેર્ગેઈ બ્રિનની બુદ્ધિમત્તાની પ્રશંસા કરતા કહ્યું કે, "મેં સુંદરને સીધો પૂછ્યું હતું કે હું એટલાન્ટિક મહાસાગર વિશે વિચારી રહ્યો છું, શું તમે આ સંભાળી શકશો?'' જોકે, પિચાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "ના, આ વખતે અમે આવું નહીં કરી શકીએ. મહાસાગરો અલગ બાબત છે અને તેની સીમાઓ અનેક દેશો સાથે જોડાયેલી છે, કૃપા કરીને અમને આવી વિનંતી ન કરો.'' પિચાઈના આ વલણ બાદ ટ્રમ્પે એટલાન્ટિકનું નામ બદલવાનો વિચાર પડતો મૂકવાના સંકેત આપ્યા હતા અને મજાકીયા અંદાજમાં પૂછ્યું હતું કે, શું મારે આ વિચાર છોડી દેવો જોઈએ?
ભૂમધ્ય સમુદ્રમાં નવો વિવાદ : લિબિયાની સંસદે તુર્કી સાથેની મેરીટાઇમ ડીલને આપી મંજૂરી
પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં પ્રાદેશિક તણાવ વધે તેવા એક મોટા ઘટનાક્રમમાં લિબિયાની પૂર્વીય સંસદે તુર્કી સાથેના 2019ના સીમા સીમાંકન કરારને સર્વાનુમતે બહાલી આપી દીધી છે. કમાન્ડર ખલીફા હફ્તાર સમર્થિત ટોબ્રુક સ્થિત `હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' દ્વારા વર્ષ 2020માં આ ડીલ ફગાવી દેવાઈ હતી, જેને હવે પલટી નાખવામાં આવી છે. લિબિયાના ત્રિપોલી સ્થિત આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સરકાર સાથે થયેલા આ કરારને હવે દેશના બંને પ્રભાવશાળી જૂથોનું સમર્થન મળતાં ભૂ-રાજકીય સમીકરણો બદલાયા છે.આ કરાર સામે ગ્રીસ, ઇજિપ્ત, ઇઝરાયેલ અને યુરોપિયન યુનિયને ભારે વિરોધ દર્શાવી તેને "ગેરકાયદેસર અને અમાન્ય'' ગણાવ્યો છે. ગ્રીસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું ધ્યાન દોરતાં તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇજિપ્તના વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે આ સમજુતી તેમના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને મહાદ્વીપીય શેલ્ફના સાર્વભૌમ અધિકારોનું સીધું હનન કરે છે. ઇજિપ્ત અગાઉ હફ્તારનું કટ્ટર સમર્થક હતું, પરંતુ હાલમાં તુર્કી સાથેના વધતા સંબંધો અને સુદાન સંઘર્ષના મુદ્દે બંને વચ્ચે અંતર વધ્યું છે.
યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાની આર્મી ચીફ તહેરાનમાં: મુત્સદ્દીગીરીથી તણાવ ઘટશે?
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે નવેસરથી વ્યાપક સૈન્ય સંઘર્ષ છેડાય તેવી પ્રબળ આશંકાઓ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અચાનક તહેરાન પહોંચ્યા હતા. તેમની સાથે આંતરિક બાબતોના મંત્રી મોહસિન નકવી પણ જોડાયા છે. બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા માટેના રાજદ્વારી પ્રયાસોને તેજ કરવાના હેતુથી મુનીર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મંત્રણા કરી રહ્યા છે. ઇસ્લામાબાદ દ્વારા એપ્રિલ મહિનામાં થયેલા યુદ્ધવિરામ બાદ પાક. આર્મી ચીફની આ પાંચમી ઈરાન મુલાકાત છે.આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલાં જ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તહેરાનમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે હોર્મુઝની સામુદ્રધુની અને યુદ્ધના અંત અંગે ચર્ચા કરી હતી. રાજદ્વારી વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ઈરાન કોઈ એક મધ્યસ્થી પર નિર્ભર રહેવાને બદલે એકસાથે અનેક ડિપ્લોમેટિક ચેનલો ખુલ્લી રાખવા માંગે છે. બીજી તરફ, પાકિસ્તાન પણ સાઉદી અરેબિયા અને અમેરિકા સાથેના સંબંધો જાળવી રાખીને પ્રાદેશિક સ્થિરતા ઇચ્છે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો