તુલસીના આ સંસારમાં જાતજાતના લોક છે એ સ્વીકારી લીધું, પણ આપણને અમુક જ જાતના લોક સાથે બને છે તેનું શું? કોની સાથે કેવું બને એનો આધાર માત્ર નસીબ નથી. સંબંધોમાં, મિત્રો અને સગાંથી માંડીને કોઈ પણ પ્રકારના સંબંધોમાં, કોઈકનો ત્રાસ સહન કરતા રહીએ છીએ ત્યારે મોટો વાંક આપણો પોતાનો હોય છે અને કોઈકનો પ્રેમ પામીએ છીએ ત્યારે પણ મોટો જશ આપણો પોતાનો જ હોય છે.   

નસીબ અથવા વિધાતા અથવા તો ભાગ્ય તમને મા કે બાપ કે પત્ની કે મિત્ર કે ઑફિસ કલીગ કે પાડોશી સાથે મેળવી આપીને દૂર ખસી જાય છે. પછી આ સંબંધોનું તમારે શું કરવું, એને કેવી રીતે ખીલવવા કે શી રીતે ઓસરી જવા દેવા એનો ઘણો મોટો આધાર તમારા પોતાના સ્વભાવ, તમારી પોતાની જીવનદૃષ્ટિ અને તમારી પોતાની ફ્લેક્સિબિલિટી પર છે.  

આસપાસની અનેક વ્યક્તિઓને આપણે ચલાવી લઈએ છીએ. કામધંધા સાથે કે અન્ય અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કેટકેટલી વ્યક્તિઓની ખૂબ બધી વાતો તમારા માટે અણગમતી હોવા છતાં તમે એ તરફ આંખ આડા કાન કરો છો. કોઈની સાથે ઝાઝી લપ્પનછપ્પન શું કામ કરવી એ વાક્યપ્રયોગને તમે તમારો જીવનમંત્ર માની લીધો, પણ કોઈ સામેથી તમારી સાથે લપ્પનછપ્પન કરવા આવે તો? તકલીફની શરૂઆત અહીંથી જ થાય છે.  

કેટલાક લોકોને પોતાના વિશેની વાત કરવા માટે તમારા કાન જોઈતા હોય છે. કેટલાક પોતે કેટલા મહાન છે એ વાતનું સમર્થન મેળવવા તમારા મોઢામાં આંગળાં નાખવા માગતા હોય છે. તમે એમને મળો અને વાતચીત શરૂ થાય એટલે ત્રીજા જ વાક્યથી તેઓની મોટાઈની વાત શરૂ થઈ જાય : અમે કેટલા મહાન, કેટલા શ્રીમંત, કેટલા વગદાર, કેટલા સ્માર્ટ. આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો એમાંની કોઈ પણ એક વ્યક્તિનાં લક્ષણોનું તમે કોઈ વખત નિરાંત મળે ત્યારે વિશ્લેષણ કરજો. વાતચીતમાં તમને આંજી દેનારા આવા માણસો અંદરથી સાવ ખાલીખમ હોય છે. એમના માટે ખાલી ચણો વાગે ઘણોવાળી કહેવત ટેલરમેડ છે. પોતાનું ખાલીપણું ઢાંકવા તેઓ બડાઈનું ઝાકઝમાળભર્યું પહેરણ પહેરી લેતા હોય છે. આવા આવરણને કારણે તેઓને ક્યારેય બીજાની સમૃદ્ધિનો સ્પર્શ પણ થતો નથી. તમે જોજો, એમની ફોનબુક પાંચસો-હજાર-બે હજાર કૉન્ટેક્ટ્સ હશે, પણ ખરેખર જેમની આગળ આખેઆખા ઠલવાઈ શકાય એવો એકેય સંબંધ, સમ ખાવા પૂરતોય એમની પાસે નહીં હોય.  

કોઈકે તમને અંગત જીવનમાં અન્યાય કર્યો હોય ત્યારે તમે બધું જ સમજતા હોવા છતાં લાચારીથી નહીં, તમારી પસંદગીથી ચૂપ રહો છો ત્યારે તમારામાં નવી શક્તિ પ્રગટે છે. એ જ રીતે તમારામાં રહેલા ઉમદા ગુણોને તથા તમારી સિદ્ધિઓને ગળામાં પાટિયું લટકાવીને બીજાઓ સમક્ષ એની જાહેરાત કરવાને બદલે એ વિશે મૌન રહો છો ત્યારે પણ તમારામાં ગજબની શક્તિ ઊભી થાય છે. આવી શક્તિઓ માણસના વ્યક્તિત્વને ઘડે છે, ઘડ્યા પછી ઓપ આપે છે, નિખારે છે.  

કેટલાક લોકો માને છે કે પોતાની સિદ્ધિ વિશે બીજાઓ આગળ કશું કહીશું નહીં તો એમને ખબર કેવી રીતે પડશે કે અમે શું શું કર્યું છે જીવનમાં. અમારામાં રહેલા સદ્ગુણોની યાદી બીજાઓ સામે પ્રગટ નહીં કરીએ તો એમને ખબર કેવી રીતે પડશે કે અમે કેટલા સારા છીએ. આવી બડાઈ કરનારાઓ એ બાબત પ્રત્યે સભાન નથી હોતા કે વાસ્તવમાં તેઓનો પ્રાથમિક હેતુ પોતાની સિદ્ધિને બીજાઓ સુધી પહોંચાડવાનો નથી હોતો, પરંતુ પોતાનામાં રહેલી નબળાઈઓ તરફ બીજાઓનું ધ્યાન ન જાય તે માટે, એમને આડે પાટે લઈ જવા સારુ આવી વાતો કહે છે : મારી કંપનીને આ વર્ષે એક્સપોર્ટ માટે એવૉર્ડ મળ્યો કે મારી જ્ઞાતિની સંસ્થાએ મારી ખૂબ ના હોવા છતાં પરાણે મને પ્રમુખ બનાવ્યો અથવા આ વર્ષે તો શ્વાસ લેવાની પણ ફુરસદ નથી છતાં ઉનાળામાં બાળકોને લઈને બે વીક ડિઝનીલૅન્ડ જઈ આવવું પડશે.  

કેટલાક લોકો પોતાનો નિંદારસ સંતોષવા પરાણે તમને પણ બીજાઓની કૂથલી કરવા માટે ઘસડતા હોય છે. તેઓ ચતુરાઈથી, તમારી અનિચ્છા હોવા છતાં, પોતે જેમના વિશે કૂથલી કરવા માગે છે એમના માટે તમારી પાસેથી એવાં એવાં વાક્યો બોલાવી લે છે જેનો ભવિષ્યમાં ઉપયોગ કરીને કહી શકે: પેલા વિશે હું એકલો જ આવું નથી કહેતો, આ પણ કહે છે કે એ આવો જ છે. આ પ્રકારની વ્યક્તિઓથી બચવું આસાન નથી હોતું. તેઓ તમારા અંતરંગ વર્તુળમાં પણ હોઈ શકે. એમની આ રમતના પ્યાદા બની જવું ન હોય તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તેઓ બીજાની નિંદા શરૂ કરે કે તરત જ એમને બીજા વિષય પર લઈ જવા. બે-ચાર વારના સખત પ્રયત્ન પછી પણ તમને સફળતા ન મળે તો એમની વાત અટકાવીને તમારે તમારા કામમાં પરોવાઈ જવું. આવું એક કરતાં વધારે વાર બનશે એટલે તમારો સંદેશો આપોઆપ એમના સુધી પહોંચી જશે કે જુઓ, તમને કોઈની ગૉસિપમાં રસ હોય તો ભલે, એ બધું તમને મુબારક, મારી સાથે સંબંધ જાળવવો હોય તો આપણી વાતચીતમાં એવા કોઈ વિષયોને સ્થાન નથી, એ સિવાયની અનેક વાતો કરી શકીએ એવા આપણા સંબંધ છે, જો તમારે એ સંબંધનું ગૌરવ જાળવવું હોય તો બહેતર છે કે આપણને બેઉને મંજૂર હોય એવા વિષયો વિશે જ ગપાટા મારીએ.  

આપણામાં કકળાટ, કલહ, કજિયો કે દ્વેષ ઊભો કરે એવી વ્યક્તિઓથી બચવાનું આપણા પોતાના હાથમાં છે. સામેની વ્યક્તિ તમે કહો તે જ પ્રમાણે વર્તે એવી અપેક્ષા રાખવી જરા વધુ પડતી છે, પણ સામેની વ્યક્તિના વ્યક્તિત્વનું કયું પાસું આપણને સ્પર્શે અને એના કયા પાસાથી આપણે સલામત અંતર રાખીએ એટલું તો આપણે જરૂર નક્કી કરી શકીએ.  

આસપાસની દુનિયામાં બધા જ ખરાબ છે, મારા કરતાં ઊતરતા છે, મારા વિચારો સાથે બંધ બેસે એવું આ દુનિયામાં કોઈ નથી એવું વિચાર્યા કરવાથી માણસનું વ્યક્તિત્વ એક ખાબોચિયા જેવું બની જવાનું. આસપાસની વ્યક્તિઓ તમારો મનફાવે તે રીતે ઉપયોગ કરી જતી હોય ત્યારે સિફતપૂર્વક એમને ટાળવાને બદલે, સંબંધ તૂટી જશે એવા ડરથી એમના કહ્યા મુજબ ઘસડાયા કરવાથી, તમે તમારા વ્યક્તિત્વને ઘસારો પહોંચવા દો છો. કાળક્રમે આ ઘસારો તમને ખંડેર બનાવી દે છે. ખાબોચિયા અને ખંડેરમાં આ બેઉ અંતિમો માણસના સ્વાભાવિક જીવનને જીવવા જેવું રહેવા દેતા નથી.  

સાયલન્સ પ્લીઝ   

ક્યારેક તમારું દિમાગ જે વાત જાણતું હોય એ જ વાત સ્વીકારવા માટે તમારા હૃદયને વધારે સમય જોઈતો હોય છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો