આખું કોળું દાળમાં ગયું, એવી કહેવતથી જ આપણને કોળાનો પરિચય છે. સ્વાભાવિક રીતે આજકાલની નવી પેઢી માટે તો કોળું `એલિયન' જ છે, ત્યારે જર્મનીમાં અનોખો ઉત્સવ યોજાય છે - કોળા ઉત્સવ.
પમ્પકિન તરીકે નવી પેઢીને ઓળખ જરૂર હશે. એ કોળાનો ઉપયોગ શાકમાં થતો હતો. એ ઉપરાંત ડેઝર્ટ તરીકે પણ એ ખવાય છે. સૂપ, સલાડ અને આપણી હાંડવાની વાનગીમાં પણ ઘણા લોકો છીણીને નાંખે છે. એ જ રીતે તેનાં બી પણ ખવાય છે. સ્વાસ્થ્ય માટે પણ તે ઉપયોગી છે. જોકે, નવી પેઢી માટે તો કોળું એક નવું જ શાક હોય એવું બની શકે, પરંતુ જર્મનીમાં કોળાનો તો આખો ઉત્સવ થાય છે. વિદેશમાં પાનખરમાં કોળું એક વિશેષ સ્થાન ભોગવે છે. હેલોવિન અને થેન્ક્સ ગિવિંગ જેવા તહેવારોમાં કોળાનો ઉપયોગ વધી જાય છે. એમ તો પાનખરમાં કોળું ખાવું એ સાંસ્કૃતિક અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ એક પરંપરાનો ભાગ છે.
સામાન્ય રીતે કોળું એટલે મોટું પીળા કે કેસરી રંગનો ગોળ આકાર નજર સામે આવી જાય. વાસ્તવમાં કોળાની સેંકડો જાત જોવા મળે છે. એ સૌનાં આકાર, કદ અને રંગ જુદાં જુદાં છે. લગભગ પાંચસો જાતનાં કોળાં જર્મનીમાં યોજાતા કોળા ઉત્સવમાં જોવા મળે છે. જર્મનીની રાજધાની બર્લિનની નજીક આ વાર્ષિક ઉત્સવ મનાવાય છે. એ ઉત્સવમાં જુદા જુદા રંગ અને આકારનાં એક લાખથી વધુ કોળાંઓનું પ્રદર્શન યોજાય છે. પાનખરમાં એ ઉત્સવ યોજાય છે, પરંતુ સવાલ એ થાય કે વળી કોળાને જોવા માટે તો વળી કંઈ ઉત્સવ હોય? કોળાને જોવામાં છે પણ શું?
પમ્પકિન ફેસ્ટિલમાં કંઈ એક લાખથી વધુ કોળાંનો ઢગલો કરી દેવામાં આવતો નથી. કોળાની જુદી જુદી જાત આ પ્રદર્શનમાં જોવા તો મળે જ છે. એ ઉપરાંત કોળામાંથી બનાવેલાં પકવાન અને મૂર્તિઓ પણ જોવા મળે છે. બર્લિનથી 56 કિલોમીટર દૂર આવેલા ક્લાઈસ્ટો ફાર્મ પાનખર ઋતુમાં કોળાના મેળાનું સાક્ષી બની જાય છે. ચારેકોર જુઓ તો બસ કોળાં જ કોળાં જોવા મળે છે. 2004માં શરૂ થયેલા આ ઉત્સવમાં યુરોપભરમાંથી કોળાં પકવનારાઓ આવતા હોય છે. આ વર્ષે કોળા ઉત્સવની થીમ છે - શક્તિશાળી મહિલાઓ.
યસ્સ, કોળા ઉત્સવમાં કોળામાંથી બનાવેલાં પકવાનો અને બીજી વાનગીઓ તો જોવા મળે જ છે, પરંતુ આ ઉત્સવનો મુખ્ય હિસ્સો તો કોળામાંથી બનેલી કૃતિઓ છે. પમ્પકિન ફેસ્ટિવલમાં કોળામાંથી બનેલી વિવિધ વાનગીઓ ખાવા તથા ખરીદવાની તક મળે છે, પરંતુ સૌથી રસપ્રદ તો તેની થીમ આધારિત કોળાનો ઉપયોગ કરી બનાવેલી કૃતિઓ છે. આ વર્ષે યુરોપમાં ખૂબ જાણીતી અને શક્તિશાળી મહિલાઓની કોળામાંથી બનાવેલી કૃતિઓ જોવા મળે છે. મેક્સિકોની પ્રસિદ્ધ ચિત્રકાર ફ્રીડા કાલોનું નામ આપણે ત્યાં બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ એ મહિલા તેની કળાને કારણે ખાસ્સી જાણીતી છે. રંગબેરંગી કોળાનો ઉપયોગ કરીને ફ્રીડા કાલોનું શિલ્પ બનાવવામાં આવ્યું છે.
પાનખર બેસે એ સાથે જ યુરોપના દેશોમાં કોળાં વેચાવા માંડે છે. મોટા જથ્થામાં કોળાં વેચાતાં હોય છે. લોકો વાનગી બનાવવા માટે પણ તે ખરીદતા હોય છે, તો કેટલાક કળાકારો તેમાંથી અવનવી કૃતિ બનાવતા હોય છે. કોળામાંથી માવો કાઢી નાંખી તેના બહારના કાચલાને કોતરીને તેમાંથી અવનવી કૃતિઓ બનાવે છે. જોકે, પમ્પકિન ફેસ્ટિવલમાં તો તાજા કોળામાંથી જ જુદી જુદી કૃતિ બનાવાય છે. એ કૃતિઓ પમ્પકિન ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવે છે.
કોળા ઉત્સવમાં પહેલી થીમ યુરોપમાં કોળાં કઈ રીતે પહોંચ્યાં, તેના ઇતિહાસને તાદૃશ્ય કરવામાં આવ્યો હતો. એ બાદ તો આલ્પ્સ પહાડ, તારા અને ગ્રહોની દુનિયા જેવા વિષયોને આવરી લેવાયા છે. આ વર્ષે શક્તિશાળી મહિલાઓની થીમને પસંદ કરવામાં આવી છે. એ કારણે જ મેક્સિકોની ચિત્રકાર ફ્રીડા કાલો, પ્રાચીન ઈજિપ્તની રાણી અને રૂપસુંદરી ક્લિયોપેટ્રા અને સ્વીડનમાં જાણીતું એક કાલ્પનિક પાત્ર - પિપ્પી લોંગસ્ટૉકિંગ જેવાં પાત્રોને આ વર્ષે કોળામાંથી બનાવાયાં છે અને એ કારણે જ લોકો એ જોવા માટે ઊમટી પડ્યા છે. આ ઉત્સવની લોકપ્રિયતા એવી છે કે શનિ-રવિવારે 12 હજાર લોકો ઊમટી પડે છે.
કુદરત સાથે જોડતા આ પ્રકારના ઉત્સવો આપણે ઊજવી શકતા નથી, ત્યારે તક મળે તો આવા ઉત્સવો માણવા જઈ શકાય.