કોઈ પણ ઓર્ગેનાઈઝેશન કે કોર્પોરેટ જગતમાં એક સવાલ હંમેશાં પૂછવામાં આવે છે કે એક આદર્શ લીડર કોણ છે? જેની પાસે બજારનો સર્વશ્રેષ્ઠ ડેટા હોય તે? જેની પાસે અદ્ભુત ફાઇનાન્સિયલ પ્લાનિંગ હોય તે? કે પછી જે તીવ્ર કોમ્પિટિશનમાં પણ પોતાના બિઝનેસને આગળ ધપાવી શકે તે? આ બધા જ ગુણો મહત્ત્વના છે, પરંતુ આધુનિક મેનેજમેન્ટનો સૌથી મોટો પડકાર એ છે કે આ બધું હોવા છતાં લીડર્સ અને મેનેજર્સ સતત એક અજાણ્યા ભય, તણાવ અને અસુરક્ષાની ભાવનાથી ઘેરાયેલા રહે છે. આજના અત્યંત સ્પર્ધાત્મક કોર્પોરેટ યુગમાં જો કોઈ લીડર ખરેખર `નિર્ભય' અને `સ્થિર' રહીને નેતૃત્વ કરવા માંગતો હોય, તો તેણે કટોકટીના સમયે પણ અડીખમ રહેવા માટે નીતિશાસ્ત્રના એક મૂળભૂત નિયમને પોતાની બિઝનેસ સ્ટ્રેટેજી તરીકે સ્વીકારવો પડશે. એ નિયમ છે પોતાના આચાર, વિચાર અને આચરણની શુદ્ધતા.  


મહાભારતના શાંતિપર્વમાં જ્યારે રાજધર્મ અને નેતૃત્વના ગૂઢ સિદ્ધાંતોની ચર્ચા થાય છે, ત્યારે પિતામહ ભીષ્મનો લીડરશિપનો એક શાશ્વત મંત્ર સામે આવે છે: `જે લીડર ક્યારેય બીજા કોઈનું કશું બગાડતો નથી, તેને ક્યારેય દુષ્ટો, ચોરો કે દ્વેષીઓનો ભય સતાવતો નથી.' આ કોઈ સામાન્ય નૈતિક ઉપદેશ નથી, પણ એક શક્તિશાળી મેનેજમેન્ટ ટૂલ છે. જ્યારે એક મેનેજર કે સીઈઓ પોતાની સત્તા, સંસાધનો અને બુદ્ધિનો ઉપયોગ માત્ર સંસ્થાના અને સમાજના ઉત્થાન માટે કરે છે અને ક્યારેય કોઈ સ્પર્ધક, કર્મચારી કે હિતધારકનું અહિત કરવાનો વિચાર સુધ્ધાં નથી કરતો, ત્યારે તેના વ્યક્તિત્વમાં એક અજોડ આત્મવિશ્વાસ પેદા થાય છે. આ આત્મવિશ્વાસ જ તેને નિર્ભય બનાવે છે.  

આ આખી વ્યવસ્થાને સમજવા માટે એક બહુ સુંદર દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. કોઈ ગામમાં બહારથી આવેલા ચોરો બીજાનું ધન લૂંટે છે, અન્યના અધિકારો છીનવી લે છે, પરંતુ તેઓ ગમે તેટલા શક્તિશાળી કે સશસ્ત્ર હોય તો પણ હંમેશાં હરણની જેમ ફફડાટમાં જીવે છે. તેમને સતત પકડાઈ જવાનો, સજા થવાનો કે પોતાના જ સાથીઓ દ્વારા છેતરાઈ જવાનો ડર રહે છે. બરાબર આ જ સ્થિતિ એવા લીડરની થાય છે જે ટૂંકા ગાળાના નફા માટે, પોતાના અહંકારને સંતોષવા માટે અથવા હરીફોને પછાડવા માટે અનૈતિક રસ્તાઓ અપનાવે છે. જે લીડર અંદરખાનેથી બીજાનું ખરાબ કરવાનો પ્રયાસ કરે છે, તેની માનસિક સ્થિતિ એ ફફડતા ચોર જેવી જ થઈ જાય છે. તે ગમે તેટલી આલિશાન કેબિનમાં બેસતો હોય કે ગમે તેટલા કરોડોના ટર્નઓવર પર રાજ કરતો હોય, તેનું અંતર્મન ક્યારેય શાંત નથી રહી શકતું.  

બિઝનેસની ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ મેનેજર પોતાની ટીમ સાથે રાજકારણ રમે છે, ક્રેડિટ ચોરી લે છે, અથવા કોઈ માર્કેટ લીડર અનૈતિક મોનોપોલી ઊભી કરીને નાના પ્લેયર્સને કચડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે એક નકારાત્મક ચક્રની શરૂઆત કરે છે. આવો લીડર હંમેશાં શંકાના દાયરામાં જીવે છે. તેને સતત ડર રહે છે કે તેની ટીમ તેનાથી બગડશે, તેની સ્ટ્રેટેજી લીક થઈ જશે અથવા કોઈ તેનાથી વધુ શક્તિશાળી આવીને તેને સત્તા પરથી હટાવી દેશે. આ ડર તેના નિર્ણયોને પ્રભાવિત કરે છે. ડરના કારણે લેવાયેલા નિર્ણયો ક્યારેય દીર્ઘકાલીન કે સચોટ હોઈ શકતા નથી. પરિણામે લીડરની પોતાની વિચારવાની ક્ષમતા કુંઠિત થઈ જાય છે.  

બીજી તરફ જે લીડરના આચાર અને વિચાર શુદ્ધ છે, જે પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીમાં પારદર્શિતા અને ન્યાયપ્રિયતાને સ્થાન આપે છે, તેની લીડરશિપ અજેય બની જાય છે. શુદ્ધ આચરણ રાખનારો મેનેજર પોતાની ઊર્જા બચાવવાની વ્યૂહરચનાઓ ઘડવામાં અથવા કાવતરાંઓથી બચવામાં વેડફતો નથી. તેની બધી જ ઊર્જા ક્રિએટિવિટી, ઇનોવેશન અને ગ્રોથ પાછળ વપરાય છે. તેને બજારના ઉતાર-ચઢાવ કે ઈર્ષ્યાળુ તત્ત્વોથી કોઈ ફરક નથી પડતો, કારણ કે તેની પાસે નેતૃત્વનું સૌથી મજબૂત કવચ હોય છે તેની સચ્ચાઈ. આવા નેતાની આસપાસ એક એવું સકારાત્મક વાતાવરણ સર્જાય છે કે તેની ટીમ પણ તેના પર આંધળો વિશ્વાસ મૂકે છે.  

આજના ગળાકાપ કોર્પોરેટ યુગમાં આ સ્ટ્રેટેજી કઈ રીતે લાગુ કરી શકાય? પ્રથમ પગલું એ છે કે બિઝનેસમાં `વિન-વિન' સિચ્યુએશનનું નિર્માણ કરવું. તમારી જીત માટે બીજાની હાર અનિવાર્ય હોવી જ જોઈએ એ માનસિકતા આધુનિક લીડરશિપમાં જૂની થઈ ચૂકી છે. સાચો મેનેજર એ છે જે સ્પર્ધાને પણ હેલ્ધી બનાવે છે. 

તે પોતાની પ્રોડક્ટ અને સર્વિસની ગુણવત્તા એટલી ઊંચી લઈ જાય છે કે તેણે કોઈનું ખરાબ કરવાની જરૂર જ ન પડે.  

બીજું પગલું છે ઈન્ટરનલ કલ્ચરની શુદ્ધતા. જો કોઈ મેનેજર પોતાની ઓફિસમાં એવું કલ્ચર ઊભું કરે જ્યાં પક્ષપાત વગર દરેકને સમાન તક મળે, જ્યાં કોઈના પગ ખેંચવાની વૃત્તિને પ્રોત્સાહન ન મળે, તો તે સંસ્થા આપોઆપ ઈન્ડસ્ટ્રીમાં બેન્ચમાર્ક બની જાય છે. જે લીડર સદા પ્રસન્ન અને નિર્ભીક રહીને યોગ્ય રીતે લીડરશિપ કરવા માંગતો હોય, તેણે આ સોનેરી નિયમ ગાંઠે બાંધી લેવો જોઈએ કે બીજાનું કશું બગાડવાનો વિચાર પણ મનમાં ન આવવો જોઈએ.  

ઈનશોર્ટ, લીડરશિપ એ માત્ર સત્તા ભોગવવાનું પદ નથી, પણ જવાબદારીનું વહન કરવાનું માધ્યમ છે. ધન કે સત્તા મેળવવી સહેલી છે, પણ તેની સાથે માનસિક શાંતિ, નિર્ભયતા અને સન્માન જાળવી રાખવું એ જ સાચી સફળતા છે. જે લીડર્સ સચ્ચાઈના પંથે ચાલે છે, તેમનો રસ્તો કદાચ કઠિન હોઈ શકે, પણ તેમનું ગૌરવ સદાકાળ રહે છે. જ્યારે તમારું આચરણ શુદ્ધ હોય છે, ત્યારે તમે માત્ર એક મેનેજર નથી રહેતા, પણ તમે એક એવા લીડર બનો છો જેમનાં પદચિહ્નો પર ચાલવાનું દુનિયા પસંદ કરે છે. આખરે નિર્ભયતા એ કોઈ બજારુ સ્કિલ નથી કે જેને ટ્રેનિંગથી ખરીદી શકાય; એ તો પવિત્ર આચરણ અને ઉમદા વિચારોમાંથી પ્રગટતી આંતરિક શક્તિ છે. માટે જ, જો લીડરશિપના શિખરે લાંબો સમય ટકી રહેવું હોય, તો નિર્ભય બનો, અને નિર્ભય બનવા માટે સદાચારી બનો. 

  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: