1972માં આવેલી ફિલ્મ `અપના દેશ'માં કહાની કે નિર્દેશનની દૃષ્ટિએ કશું એવું ખાસ નહોતું, પણ તેણે બોક્સઓફિસ પર અઢળક કમાણી કરી અને 25 સપ્તાહ સુધી થિયેટરોમાં ચાલીને સિલ્વર જ્યુબિલી હિટ સાબિત થઇ તેનું એકમાત્ર કારણ રાજેશ ખન્ના, મુમતાઝ અને સચિનદેવ બર્મનનું સંગીત. એ વર્ષે પાકીઝા, સીતા ઔર ગીતા, રાજા-જાની અને બેઈમાન જેવી હિટ ફિલ્મો આવી હતી. એ બધા વચ્ચે, એ જ વર્ષે કાકાજીએ પાંચ હિટ ફિલ્મો આપી હતી; દુશ્મન, અમર પ્રેમ, બાવર્ચી, જોરુ કા ગુલામ અને અપના દેશ.
એમાંથી માત્ર `અપના દેશ' તેલુગુ ફિલ્મ `કથાનાયકુડુ'ની રિમેક હતી. તેમાં તમિલ સુપરસ્ટાર એન.ટી. રામારાવ અને જયલલિતા (બંને પાછળથી મુખ્યમંત્રી બન્યાં હતાં) હતાં. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી અને તેના ફિલ્મકારોએ તેને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું હતું.
ગપસપ એવી છે કે તેના નિર્માતાઓ એ. વી. સુબ્રમણ્યમ અને ટી. ગોવિંદરાજન આ ફિલ્મની ઓફર લઈને રાજેન્દ્રકુમાર પાસે આવ્યા હતા. રાજેન્દ્રકુમાર ત્યારે મોટા સ્ટાર હતા. એ લોકો જૂના મિત્રો હતા અને તેમને એવી અપેક્ષા હતી કે કુમાર પૈસા ઓછા કરશે. રાજેન્દ્રકુમારે તેમને નિરાશ કર્યા. કહેવાય છે કે નિર્માતાએ રાજેશ ખન્નાને આપવીતી સંભળાવી અને કાકાએ તરત હા પાડી દીધી.
કેમ હા ન પાડે! એક તો તેલુગુમાં આ ફિલ્મ અને તેનું સંગીત ખૂબ હિટ હતું અને ઉપરાંત તેને ફરીથી એકવાર તેની ફેવરિટ મુમતાઝ સાથે કામ કરવા મળતું હતું. એક તો કાકાએ સળંગ 15 હિટ ફિલ્મો આપી હતી અને એમાં મુમતાઝ સાથે દો રાસ્તે, બંધન, સચ્ચા-જૂઠા અને દુશ્મનની ધજા ફરકતી હતી. `અપના દેશ' આ સ્ટ્રાઈક રેટમાં વધુ એક કદમ હતું. એ વાત અલગ છે કે બીજા વર્ષે 1973માં `જંજીર'ના પગલે કાકાની મેરેથોન દોડ અટકી જવાની હતી.
ફિલ્મની વાર્તા સામાન્ય પણ ભ્રષ્ટાચાર પર એક અગત્યની ટિપ્પણી હતી. આકાશચંદ્ર (ખન્ના) એક ઈમાનદાર અને શિક્ષિત યુવાન છે, જે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તે તેના જેવા જ ઈમાનદાર ભાઈ દીનાનાથ (મનમોહન કૃષ્ણ), ભાભી, ભત્રીજી અને ભત્રીજા સાથે રહે છે.
પોતાની સચ્ચાઈના કારણે આકાશ તેના ભ્રષ્ટ અધિકારીઓ માટે બોજ બની જાય છે. એક દિવસ તેઓ તેના કામમાં ખામી કાઢી તેને નોકરીમાંથી કાઢી મૂકે છે. જ્યારે આકાશ કાનૂની રીતે પોતાનો હક સ્થાપવા પ્રયત્ન કરે છે ત્યારે તેને સમજાય છે કે ભ્રષ્ટાચાર તો સર્વત્ર છવાયેલો છે. તેની ઈમાનદારીનો તેને પાઠ ભણાવવા માટે આકાશના ભાઈને પણ એક ગુનામાં ફસાવી દેવામાં આવે છે. હવે આકાશને એવો માર્ગ શોધવો છે જે તેના ભાઈને નિર્દોષ સાબિત કરે અને ભ્રષ્ટ લોકોને ઉઘાડા પાડે.
તમિલ નિર્દેશક જાંબુલિંગમે કટોકટી પૂર્વેના ભારતના શહેરી માહોલ, તેજીથી ઊભરતા મિડલ ક્લાસ, ભ્રષ્ટાચાર અને રોજિંદા જીવનની નૈતિક જટિલતાઓ સાથે એક એવી ફિલ્મ બનાવી હતી, જે મનોરંજનની સાથે-સાથે વ્યવસ્થાઓ પર વ્યંગ કરતી હતી. ખન્ના અને મુમતાઝ જેવી સુપરસ્ટાર જોડી દર્શકોને ખેંચી લાવવા માટે પૂરતી હતી, પણ `અપના દેશ'ની સફળતા કેવળ સ્ટાર-ઈમેજ પર ટકેલી નહોતી. નિર્દેશકે 70ના દાયકામાં જેનું બહુ ચલણ હતું તે એક્શન, કોમેડી, રોમાન્સ, ડ્રામા, નૈતિક ટકરાવ અને સામાજિક સંદેશનું મિશ્રણ તૈયાર કર્યું હતું.
રાજેશ ખન્નાની અભિનય શૈલી તે સમયગાળા દરમિયાન `સ્ટાર એક્ટિંગ' માટેનું પ્રતીક બની ગઈ હતી, પરંતુ `અપના દેશ'માં તે તેની સુપરસ્ટાર ઈમેજથી થોડા અલગ પાત્રમાં નજર આવે છે, જે મજેદાર પણ છે અને ભાવુક પણ. `અપના દેશે' ખન્નાની લોકપ્રિયતાને થોડી વધુ ઊંચી કરી હતી, કારણ કે આ ફિલ્મ ફક્ત તેની રોમેન્ટિક ઈમેજ પર આધારિત નહોતી; તેમાં કોમિક ટાઈમિંગ, એંગ્રી-યંગ મેનની ઝલક અને પારિવારિક સંવેદના પણ લોકોને આકર્ષે તેવી હતી.
ખન્ના દ્વારા વિવિધ વેશધારણ કરવા, ભ્રષ્ટ અધિકારીઓને તેમની જ જાળમાં ફસાવવા અને ખલનાયકોની બેબસીને મજેદાર રીતે બતાવવી - આ બધું દર્શકો માટે એક નવો અનુભવ હતો. આ તે સમય હતો જ્યારે સિનેમામાં માસ એન્ટરટેઇનમેન્ટની વ્યાખ્યા બદલાઈ રહી હતી; `અપના દેશ' જેવી ફિલ્મો આ બદલાવની સફળ ઉદાહરણ બની. એમાં મુમતાઝની ચુલબુલી સ્ક્રીન પ્રેઝન્સ અને અભિવ્યક્તિથી ફિલ્મને ઊર્જા મળી હતી.
આ સ્ટાર-જોડી હોવાના કારણે જ આર. ડી. બર્મનને પણ મોકળું મેદાન મળ્યું હતું. `અપના દેશ'માં પંચમે અફલાતૂન સંગીત આપ્યું હતું. તેનાં ગીતોમાં રેડિયો-ફ્રેન્ડલી આકર્ષણ પણ છે અને સિનેમાઈ લય પણ. કિશોર કુમાર અને લતા મંગેશકર જેવાં દિગ્ગજોના અવાજ આ ગીતોમાં એટલા જડાઈ ગયા હતા કે દર્શકો આજે પણ તેને ગણગણે છે.
કુલ સાત ગીતો હતાં. જેમાંથી પાંચ સુપરહિટ સાબિત થયાં. કિશોર-લતાના અવાજમાં `કજરા લગા કે ગજરા સજા કે' એકદમ રોમેન્ટિક અને મોજમસ્તીનું ગીત હતું, તો કિશોર-વિજેતા પંડિતના અવાજમાં `રો ના કભી નહીં રોના' પિતૃત્વના ભાવથી ભરપૂર બાળગીત હતું. આર.ડી.એ આ ફિલ્મમાં પણ મુમતાઝને એક મસ્તીભર્યું લોકગીત આપ્યું હતું, જે બેહદ કર્ણપ્રિય હતું; સુન ચંપા, સુન તારા, કોઈ જીતા કોઈ હારા. તેનાથી સાવ જ જુદું સેક્સી કેબ્રે ગીત હતું; આ જા ઓ મેરે રાજા જન્નત કી સૈર કરાઉ. જે ગીતે આખી ફિલ્મના મૂડને ઉપાડી લીધો તે હતું આર.ડી. અને આશા ભોંસલેનું `દુનિયા મેં લોગોં કો, ધોખા કભી હો જાતા હૈ.' 70ના દાયકાનું આ સૌથી લોકપ્રિય ગીત હતું. આર.ડી.એ તેમાં વિશ્વ-સંગીતનાં તત્ત્વોનો ઉપયોગ કર્યો હતો. જેમ કે અમેરિકન લુઈ આર્મસ્ટ્રોંગની જાઝ શૈલી, જાપાની પોપ સંગીત, લેટિન ધૂન અને સાથે દેશી ઢોલક.
આ કોમ્બિનેશન ગજબનું હતું. રાજેશ ખન્નાને `ધ ટ્રેન' ફિલ્મમાં `મેરી જાન મૈંને કહા' ગીતમાં આર.ડી.નો અવાજ પસંદ આવ્યો હતો. બર્મને એવા જ અવાજમાં આ ગીત ગાયું હતું. તેમણે ખન્નાને ભરોસો અપાવ્યો હતો કે તેમનો `અસાધારણ, વિચિત્ર અને દમદાર' અવાજ દર્શકોને ઝકઝોળી નાખશે. એવું જ થયું. બર્મનના કર્કશ અવાજમાં ગીત સદાબહાર બની ગયું.
આ પહેલું `ફુલ-ફ્લેજેડ' ગીત હતું જે પંચમે પોતાના અવાજમાં રેકોર્ડ કર્યું હતું. તેમણે `જાઝ-ફ્યુઝન'નો શાનદાર ઉપયોગ કર્યો હતો. તેમને વિશ્વાસ હતો કે આ ગીત ક્યારેય જૂનું નહીં થાય. દર્શકોએ આ ગીતમાં રાજેશ ખન્નાને પહેલીવાર ક્લબ-ડાન્સરના રંગબેરંગી વેશમાં જોયો હતો.
`દુનિયા મેં લોગોં કો' માત્ર ફિલ્મી ગીત નહોતું, તે સંગીતનો એક પ્રયોગ હતો, જેના પર આર.ડી.ની કારકિર્દી રચાઈ હતી. તે એક એવી ધૂન હતી જે તેના સમયને ઓળંગીને આજે પણ શ્રોતાઓના હૃદયને તાજું રાખે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
