1981નો મે મહિનો. અમેરિકાના ક્લીવલૅન્ડ, ઓહાયો પાર્કમાં 11 વર્ષની એક છોકરી પર રેપ થયો અને રેપ થતો હતો ત્યારે એના 12 વર્ષના કઝીનને રિવોલ્વરની અણીએ જમીન સરસો સૂવડાવી રાખવામાં આવ્યો જેથી એ ડિસ્ટર્બ ન કરે. બેઉ નાનાં છોકરા-છોકરીએ રેપિસ્ટનું જે વર્ણન કર્યું એના પરથી પોલીસે એક સ્કેચ બનાવ્યું.

3 અઠવાડિયાં પછી ઘટનાસ્થળની નજીકના એક ટ્રાફિક જંક્શન પર રેમન્ડ ટાઉલર નામના એક બ્લૅકને પોલીસે સિગ્નલ તોડવા બદલ રોક્યો. પોલીસે જોયું કે રેમન્ડનો ચહેરો પેલા સ્કેચ સાથે અદ્દલોઅદ્દલ મળતો આવતો હતો. થોડા દિવસ પછી પેલાં બે બાળકોએ પણ ઘણા બધા ફોટાઓમાંથી રૅમન્ડના ફોટાને ઓળખી બતાવ્યો કે આ જ માણસે રેપ કર્યો હતો. આ ઉપરાંત ઘટના સમયે પાર્ક પાસે હાજર હતા એવા બે માણસોએ પણ સાક્ષી આપી કે અમે એને (રેમન્ડ ટાઉલરને) તે દિવસે, તે જ સમયે અહીંથી પસાર થતાં જોયો હતો. આના આધારે રેમન્ડ ટાઉલર પર આરોપો ઘડાયા અને સપ્ટેમ્બર 1981માં કોર્ટમાં કેસ ચાલ્યો.

ગુનો પુરવાર કરવા માટે સરકારી વકીલ પાસે બીજા કોઈ પુરાવાઓ હતા નહીં, એટલે પેલાં બે બાળકોની જુબાની અને પેલા બે સાક્ષીઓનાં સ્ટેટમેન્ટનો આધાર લેવામાં આવ્યો. રેમન્ડ ટાઉલરે કોર્ટમાં સોગંદ ખાઈને કહ્યું કે તે દિવસે, તે સમયે એ પોતાના ઘરમાં હતો. એની પાસે આ વાત પુરવાર કરવા માટે કેટલાક સાક્ષીઓ પણ હતા.

પણ જ્યૂરીએ રેમન્ડ ટાઉલરની એલબાયને નજરઅંદાજ કરીને એના પરના તમામ આક્ષેપોને સાચા ઠેરવ્યા. રેમન્ડ તે વખતે 24 વર્ષનો યુવાન હતો. એણે બહુ વિરોધ કર્યો, પણ જ્યૂરીના ચુકાદાને લીધે જજે એને છોકરી પર બળાત્કાર કરવા બદલ આજીવન કેદની અને છોકરીના કઝીન પર હુમલો કરવા બદલ તથા કઝીનનું અપહરણ કરવા બદલ વધારાની 12થી 40 વર્ષની સજા સંભળાવી.

રેમન્ડ ટાઉલર જેલમાં આ સજા કાપતો હતો ત્યારે ઓહાયોના ઈનોસન્સ પ્રોજેક્ટે એનો કેસ હાથમાં લઈને એના ડીએનએ ટેસ્ટિંગ માટેની અરજી કોર્ટમાં ફાઈલ કરી. ઓહાયોના નવા કાયદાઓ મુજબ હવે કોર્ટમાં ગુનો પુરવાર થઈ ગયા પછી પણ ગુનેગારને ડીએનએ ટેસ્ટની માગણી કરવાનો હક્ક મળી ગયો હતો. કોર્ટની પરવાનગી મળી. બેઉ છોકરાંઓએ ઘટના વખતે પહેરેલાં કપડાં (જે પોલીસે પુરાવા તરીકે સાચવી લીધાં હતાં) લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં. એકેય કપડા પરથી વીર્યના અંશ મળ્યા નહીં એટલે ડીએનએ ટેસ્ટિંગ કરવાનો કોઈ મતલબ નહોતો.

2008માં રેમન્ડનો કેસ ફરી ઉખેડવામાં આવ્યો. ડીએનએ ટેસ્ટની 2004માં જે ટેક્નિક હતી તેના કરતાં હવે નવી ટેક્નિક શોધાઈ ગઈ હતી. કોર્ટે પરવાનગી આપી. 3 મે, 2010ના રોજ પુરવાર થયું કે છોકરીનાં અંદર પહેરવાના વસ્ત્ર પરથી જે ડીએનએ મળ્યા છે તેની સાથે રમેન્ડ ટાઉલરના ડીએનએ બિલકુલ મૅચ થતા નથી. બે દિવસ પછી કોર્ટે રેમન્ડ ટાઉલરની સજા રદ કરી નાખી, એની સામેના આક્ષેપો રદ કરવામાં આવ્યા અને એના રેકૉર્ડમાંથી એનો આ ભૂતકાળ ટોટલી ભૂંસી નાખવામાં આવ્યો. 52 વર્ષની ઉંમરે રેમન્ડ ટાઉલર કોર્ટમાંથી નિર્દોષ જાહેર થઈને બહાર આવ્યો ત્યારે એણે જેલમાં અલમોસ્ટ 29 વર્ષની સજા ભોગવી લીધી હતી.

બહાર આવ્યા પછી, રેમન્ડ ટાઉલરે ઓહાયોના રૉન્ગફુલ કન્વિક્શન કૉમ્પેન્સેશનના કાયદાને આધારે કોર્ટમાં દાવો માંડ્યો. 25 એપ્રિલ, 2011ના રોજ એને લગભગ 26 લાખ ડૉલર (ટુ પોઈન્ટ ફિફ્ટી નાઈન મિલિયન)નું વળતર અને એના વકીલોને ફી પેટે 78,000 ડૉલર આપવાનો હુકમ થયો.

29 વર્ષ અને એ પણ ભરયુવાનીનાં, એટલે અડધી જિંદગી થઈ ગઈ માણસની. રેપિસ્ટ તરીકેની કાળી ટીલી જુદી. આ રીતે કારાવાસમાં જેણે જિંદગી વિતાવી એના ફૅમિલીએ બહારના સમાજનો કેવી રીતે સામનો કર્યો હશે. 15-17 કરોડ રૂપિયા મળ્યા એને, પણ એ સમય તો પાછો નથી મળવાનો. કોઈ કહેશે કે શું એ બહાર હોત તો 30 વર્ષમાં 15 કરોડ રૂપિયા કમાઈ શકવાનો હતો? આ તો ઘેરબેઠાં (કે જેલબેઠાં) એને ફોગટના એટલા પૈસા મળી ગયા, તો હવે બાકીની જિંદગી જલસા કરશે. આવું જો કોઈને કહેવાનું મન થાય તો આપણે એમને પૂછીશું કે તમને ખાતરી આપવામાં આવે કે 30 વર્ષ પછી તમને તે વખતના ભાવ પ્રમાણેની આટલી રકમ આપવામાં આવશે. રાધર, અત્યારે જ તમારા ખાતામાં એ રકમ જમા કરી દઈએ છીએ તો તમે ત્રણ દાયકા જેલમાં રહેવા તૈયાર છો, ત્રણ દાયકા સુધી બળાત્કારીની કાળી ટીલી માથે ચોંટાડીને જીવી શકો એમ છો, તમારા ઘરવાળા આ બદનામી સહન કરવા તૈયાર છે?

રેમન્ડ ટાઉલરના નસીબ કે એ અમેરિકામાં રહેતો હતો. બીજા કોઈ દેશના કાયદાઓએ એને છોડ્યો ન હોત. એના નસીબ કે ડીએનએ ટેસ્ટિંગમાં સતત થતી રહેતી નવી નવી શોધખોળોની એને મદદ મળી. 50 વર્ષ પહેલાં એ પકડાયો હોત તો જિંદગી જેલમાં જ પૂરી થઈ ગઈ હોત અને રૉન્ગફુલ કન્વિક્શન પુરવાર થયા પછી નિર્દોષ `ગુનેગાર'ના હક્કો માન્ય રાખનારા અમેરિકાના કાયદાના ઘડવૈયાઓનું ભલું થજો કે એને બાકીની જિંદગી માટે આર્થિક ચિંતા ન કરવી પડે એટલું વળતર અપાવ્યું. બધા દેશોમાં આવા કાનૂન નથી હોતા.

1957ની 16મી જૂને જન્મેલો રેમન્ડ ટાઉલર મ્યુઝિશિયન છે. ગિટાર વગાડે છે, કી-બોર્ડ પ્લે કરે છે અને ટ્રમ્પેટ વગાડે છે. ચિત્રકામ પણ કરે છે. રેમન્ડ જેલમાં હતો ત્યારે 2006ની સાલમાં ઓહાયોની રાજ્ય સરકારે જેલના કેદીઓએ ગાયેલાં બાળગીતો, હાલરડાં વગેરેની એક સીડી તૈયાર કરી હતી. રેમન્ડ પોતે સારો સંગીતકાર હતો તે છતાં એને આ સીડીમાં સંગીત આપવા દેવામાં નહોતું આવ્યું, કારણ કે એનો ક્રાઈમ `એ પ્રકારનો' હતો, પણ સીડી બનાવવા માટે એણે ખૂબ મદદ કરી હતી એટલે ટેક્નિકલ એડવાઈઝર તરીકેની ક્રેડિટ એને આપવામાં આવી, જેની સામે ઓહાયાના મીણબત્તી લઈને દેખાવો કરવા પહોંચી જતા ચીબાવલાઓએ ખૂબ હોબાળો મચાવ્યો હતો.

જેણે પાપ ન કર્યું એકે, તે પહેલો પથ્થર ફેંકે એવું કોણે કહ્યું હતું યાદ છે? એ જ ભગવાન ઈસુને માનતા દેશ અમેરિકામાં આવા અસંખ્ય કિસ્સાઓ બનતા રહ્યા છે અને

આપણે ત્યાં પણ. આપણી કાનૂની વ્યવસ્થા એવી છે કે નિર્દોષ `ગુનેગાર'ને કાયદા તરફથી આટલો બધો સપોર્ટ નથી મળતો. આને લીધે કોર્ટ કે પોલીસ પોતે ભૂલ કરી છે, ખોટું કર્યું છે એવું કબૂલ કરવા તૈયાર થતી નથી. ક્યારે કોઈ કન્વિક્ટેડ લાંબી સજા કાપ્યા પછી નિર્દોષ પુરવાર થઈને બહાર આવે તો પણ મીડિયા એ વાતને દબાવી દે છે (કેમ ન દબાવે? એનો મીડિયા ટ્રાયલ આ જ લોકોએ તો ચલાવ્યો હતો) અને સૌથી મોટી વાત વળતરની. તો એ વળી શું છે?

પોલીસ સરકારની છે અને કોર્ટ પણ. આમ છતાં વકીલ આ બધામાં એવી કડી છે કે એ જો મજબૂત હશે, એ જો પૂરેપૂરી નિષ્ઠાથી કેસ હૅન્ડલ કરશે તો તમામ અટપટા કાનૂનો બાવજૂદ એ નિર્દોષ વ્યક્તિને જેલમાં જતાં અટકાવી શકશે. વકીલો દોષિત વ્યક્તિને પણ જેલમાં જતાં અટકાવી શકે એટલા બાહોશ હોય છે, તો પછી નિર્દોષનો કેસ તો એમના માટે ડાબા હાથનો ખેલ હોવો જોઈએ. આમ છતાં દર વખતે એવું નથી થતું હોતું. મેઘના ગુલઝાર દિગ્દર્શિત અને વિશાલ ભારદ્વાજ દ્વારા સહનિર્મિત તથા લિખિત ફિલ્મ `તલવાર' જેના પર આધારિત છે તે આરુષિ કેસમાં તમે જોયું કે તલવાર દંપતી(રાજેશ અને નૂપુર)ના વકીલોની હન્ડ્રેડ પર્સેન્ટ પ્રામાણિકતા તથા ટુ હન્ડ્રેડ પર્સેન્ટ નિષ્ઠા હોવા છતાં તેઓ આ દંપતીને કન્વિક્ટ થતાં, લાઈફ ટર્મ માટે જેલમાં જતાં રોકી શક્યા નહીં.

સાયલન્સ પ્લીઝ

જે લોકોને કામિયાબી નથી મળી, એમને બેવકૂફ ન સમજો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો