અધધ રહસ્યોથી ભરાયેલા મહાસાગરોમાં આજે પણ એવા જીવો જોવા મળે છે, જેને શું નામ આપવું તે સમજાતું નથી! અલબત્ત, કેટલાક જીવો ખૂબ જ દુર્લભ હોય છે જે એકાદ દશકમાં નજરે જોવા મળતા હોય છે. આવા જ એક જીવનું નામ `બિગફિન સ્ક્વિડ' છે, જે પોતાના એકદમ લાંબા ટેન્ટેકલ્સ(સ્પર્શકો)થી વધારે જાણીતો અને દુર્લભ જીવ છે. રિસર્ચર દ્વારા જ્યારે તેની તપાસ કરી ત્યારે તે અન્ય કોઇ ન શોધાયેલો જીવ હોય તેવું લાગતું હતું, પરંતુ ખૂબ જ નજીકથી જોતાં સાબિત થયું કે તે અન્ય કોઇ નવો જીવ નથી, પરંતુ દુર્લભ જીવ `બિગફિન સ્ક્વિડ' છે. આ જીવને લઇને મહત્ત્વની વાત એ છે કે, તેને કેલિફોર્નિયાના તટથી દૂર ઉત્તર પૂર્વીય પેસિફિકમાં પહેલી વાર અંદાજિત 10,000 ફૂટ(3000 મીટર)માં જોવામાં આવ્યો હતો. રિસર્ચર્સની ટીમ જ્યારે ડ્રાઇવર રહિત સબમર્સિબલથી પેસિફિક મહાસાગરમાં ડૂબેલા માઉન્ટેન(સીમાઉન્ટ્સ)ની તપાસ કરી રહી હતી ત્યારે તેમની નજર આ `બિગફિન સ્ક્વિડ' પર પડી હતી. મૂળ આ `બિગફિન સ્ક્વિડ' સમુદ્રની સપાટીથી અંદાજિત 20,000 ફૂટની ઊંડાઇએ જોવા મળે છે. અગાઉ રિસર્ચરોએ `બિગફિન સ્ક્વિડ'ને વર્ષ 2001માં હવાઇ વિસ્તારમાં જોયો હતો. વધુમાં આ વર્ષની શરૂઆતમાં અને તાજેતરમાં આ જીવ જોવા મળ્યો હતો.

તમે ક્યારેય ઠળિયાવાળાં કેળાં ખાધાં છે?  

તમે અત્યાર સુધી સાદાં કેળાં કે એલચી (નાની સાઇઝનાં કેળાં) કેળાં ખાધાં હશે. દુનિયાભરમાં કેળાંની 1000 જેટલી જાતો જોવા મળે છે. જેમાં બે પ્રકારનાં કેળાંની ડિમાન્ડ વધુ જોવા મળે છે. જેમાં એક ડેઝર્ટ બનાના (પાકાં કેળાં) અને પ્લાન્ટેન બનાના (રાંધીને ખવાતાં કેળાં)નો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય કેળાંઓમાં કેવેન્ડિશ, રોબસ્ટા, રેડ અને સોનેરી જેવાં કેળાંઓનો સમાવેશ થાય છે. જોકે, આ બધા વચ્ચે તેલંગણાનાં વાઇલ્ડ બનાના(જંગલી કેળાં)ની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. આ કેળાંમાં 70થી 80 ટકા જગ્યા તેના કાંકરા જેવા મોટા ઠળિયા જ રોકી રાખે છે. એટલે કે આ કેળાંમાં તમને ઠળિયા જોવા મળે છે. આ ઠળિયા એટલા કઠણ અને તીક્ષ્ણ હોય છે કે તેને ફળની જેમ સીધા ચાવવાનો પ્રયાસ કરવાથી તમારા દાંતને નુકસાન થઇ શકે છે, તેથી લોકો આ ઠળિયાને ગાળીને કે કાઢીને તેનો પલ્પ અલગ કરે છે. તેની ડાળખીઓ અને ફૂલોને પણ શાકભાજી તરીકે ખાવામાં ઉપયોગ કરે છે. આયુર્વેદ અને આધુનિક સંશોધન મુજબ જંગલી કેળાંમાં ઘણા ન્યુરોકેમિકલ્સ અને પોષકતત્ત્વો હોય છે, જે શરીર અને ખાસ કરીને મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે.

હવે તો ટૂશબ્રશમાં પણ કેમેરો હોય છે!

દરેક લોકોની સવાર ટૂથબ્રશ અને ટૂથપેસ્ટના ઘર્ષણથી થતી હોય છે. એક સમયે ભારતમાં બાવળ કે લીમડાના દાતણનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો હતો. જોકે, અત્યારે પણ ભારતમાં કેટલાક લોકો આ પ્રકારના દાતણનો ઉપયોગ કરી રહ્યા છે. કાળક્રમે ટૂથબ્રશની શોધ થતાં દુનિયાભરનાં શહેરોમાં અને ગામડાંઓમાં ટૂથબ્રસની લોકપ્રિયતા વધતી ચાલી. વધુમાં ટૂથબ્રશમાં પણ નવીનતા જોવા મળી. બજારમાં ઇલેક્ટ્રિકલ બ્રશ પણ જોવા મળે છે. જોકે, આ બધા વચ્ચે માર્કેટમાં એક ખાનગી કંપનીએ એઆઇ આધારિત ટૂથબ્રશની શોધ કરી છે. જેમાં વીડિયો કેમેરા, ટોર્ચ પ્લસ સ્માર્ટ જેટ સ્પ્રેને પણ સમાવવામાં આવ્યું છે. આ ટૂથબ્રશનો કેમેરો પ્રત્યેક સેકન્ડમાં 28 જેટલી તસવીરો ખેંચે છે અને તેમાં સમાવેલ સ્માર્ટ જેટ સ્પ્રે દાંતોની પરફેક્ટ્લી સફાઇ પ્રતિ એક સેકન્ડે કરે છે, જેથી દાંતમાં કોઇ પણ ગંદકી રહી ન જાય. આશ્ચર્યની વાત એ છે કે, આ ટૂથબ્રશ બનાવવા કુલ 661 એન્જિનિયરોને 6 વર્ષનો સમય લાગ્યો હતો. અંતે આ ટૂથબ્રશ સફળ નીવડ્યું, પરંતુ તેની કિંમત અંદાજિત 48000 રૂપિયા રાખવામાં આવી છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો