અમેરિકામાં કાયદેસર યા ગેરકાયદેસર વસતા અને એ મુજબ જ ત્યાં કાયદેસર યા ગેરકાયદેસર જવા ઈચ્છતા હજારો ભારતીયો અવઢવમાં પડી ગયા છે. ત્યાં રહેતા ભારતીયો તો પુષ્કળ ગભરાઈ ગયા છે.

એમાંના અનેકોને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે, અનેકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓના `સેવિસ' રેકોર્ડો રદ કરીને સેકંડો વિદ્યાર્થીઓને ભારત પાછા ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારથી અમેરિકાનું પ્રેસિડન્ટ પદ ડોનાલ્ડ ટ્રમ્પે ધારણ કર્યું છે ત્યારથી એટલે કે 20મી જાન્યુઆરી, 2025થી ઈમિગ્રન્ટોમાં ખળભળાટ મચી ગયો છે.

અમેરિકાના 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર પ્રેસિડન્ટ પદ ધારણ કર્યું, ત્યારબાદ અનેક એક્ઝિક્યુટિવ ઑર્ડરો બહાર પાડીને અમેરિકાના ઈમિગ્રેશનના નીતિનિયમોમાં ધરખમ સુધારાઓ લાવી દીધા છે. એમના અનેક એક્ઝિક્યુટિવ ઑર્ડરોને અમેરિકાની કોર્ટોમાં પડકારવામાં પણ આવ્યા છે અને અમેરિકાની કોર્ટે એ બધા ઑર્ડરોને મનાઈહુકમ દ્વારા તત્પૂરતા સ્થગિત પણ કરી દીધા છે. ટ્રમ્પે 20મી જાન્યુઆરી, 2025ના દિવસે જે `બર્થ સિટીઝનશિપ' અટકાવવાનો એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડ્યો હતો એને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. કોર્ટે તત્પૂરતો મનાઈહુકમ આપીને એ ઑર્ડરને સ્થગિત કરી દીધો છે અને હવે 15 મે, 2025ના દિવસે વૉશિંગ્ટન ડીસીમાં આવેલ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ વતીથી `બર્થ સિટીઝનશિપ' શા માટે અટકાવી દેવી જોઈએ એને લગતી દલીલો થવાની છે. એનો નિર્ણય શું આવશે એની વિશ્વના સેંકડો લોકો અધ્ધર શ્વાસે વાટ જોઈ રહ્યા છે.

અમેરિકાના `ધ ઈમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ, 1952'ની કલમ 212(એ) હેઠળ દસ કારણો દર્શાવવામાં આવ્યાં છે, જેની મોજૂદગી એ પરદેશી વ્યક્તિને અમેરિકામાં પ્રવેશવા માટે ગેરલાયક ઠરાવે છે. આ દસ કારણોને `ધ ગ્રાઉન્ડ્સ ઑફ ઈનએડ્મિનિસિબિલિટી' એટલે કે `પ્રવેશ નિષેધનાં કારણો' કહેવામાં આવે છે. એ દસ કારણો નીચે મુજબનાં છે.

(1) હેલ્થ રિલેટેડ ગ્રાઉન્ડ્સ એટલે કે શારીરિક તંદુરસ્તીને લગતાં કારણો : જો કોઈ પરદેશી ચેપી રોગ ધરાવતો હોય તો એને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતો.

(2) ક્રિમિનલ રિલેટેડ ગ્રાઉન્ડ્સ : એટલે કે જેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય, એવી વ્યક્તિઓને પણ અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી છે.

(3) નૅશનલ સિક્યોરિટી ગ્રાઉન્ડ્સ : જે કોઈ પરદેશી અમેરિકામાં પ્રવેશવા ઈચ્છતો હોય, પણ કૉન્સ્યુલર ઓફિસર યા ઈમિગ્રેશન ઑફિસરના મત પ્રમાણે એ અમેરિકાની સિક્યોરિટી માટે ભયરૂપ હોય તો એવી વ્યક્તિઓને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતી.

(4) પબ્લિક ચાર્જ: જેઓ અમેરિકામાં પ્રવેશીને અમેરિકાના માથે બોજારૂપ બની જાય એવા હોય, જેમની પાસે અમેરિકામાં રહેવા-ખાવા અને અન્ય ખર્ચા માટે પૈસાની યોગ્ય જોગવાઈ ન હોય, એવા પરદેશીને પબ્લિક ચાર્જ આ કારણસર અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતા.

(5) લેબર પ્રોટેક્શન ગ્રાઉન્ડ્સ: જાપાનીઝો અમેરિકામાં ખૂબ જ સસ્તા દરે કામ કરવા આવતા હતા. એ મુજબ ચીનાઓ, ભારતીયો તેમજ અન્ય દેશના લોકો અમેરિકામાં કામ કરવા, મજૂરી કરવા, ખેતરોમાં ખેતી કરવા ખૂબ સસ્તા દરે આવતા હતા. આ કારણસર અમેરિકન મજૂરોની રોજીરોટી છીનવાઈ જતી હતી, આથી એમની સુરક્ષા કાજે અમેરિકાએ ગ્રાઉન્ડ્સ ઓફ ઈનએડ્મિસિબિલિટીમાં `લેબર પ્રોટેક્શન ગ્રાઉન્ડ્સ' એટલે કે મજૂરોની સુરક્ષાના કારણનો ઉમેરો કર્યો અને અમેરિકન મજૂરોની રોજીરોટી છીનવી લઈને જો કોઈ પરદેશીને અમેરિકામાં બોલાવવામાં આવતો હોય તો એના પ્રવેશવા ઉપર પ્રતિબંધ મુકાયો.

(6) ફ્રોડ યા અધર ઈમિગ્રેશન વાયોલેશન્સ : અનેક ભારતીયો જ્યારે અમેરિકાના બી-1/બી-2 વિઝાની અરજી કરે છે ત્યારે જે અરજીપત્રક ફોર્મ ડીએસ-160 ભરવાનું હોય છે એમાં ખોટી બાતમીઓ આપે છે, સાચી બાતમી છુપાવે છે. અમેરિકામાં ફક્ત એક મહિનો જ રહેવું છે એવું જણાવી પછી ત્યાં છ-છ મહિના રહે છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં જે `એક્સટેન્શન ઓફ ટાઈમ', `ચેન્જ ઓફ સ્ટેટસ' અને `એડ્જસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ' આની છૂટ આપવામાં આવી છે એનો ગેરલાભ ઉઠાવે છે. અમેરિકામાં પ્રવેશતાં પહેલાં જ એમણે નક્કી કર્યું હોય છે કે અમેરિકામાં જઈને તેઓ એમને રહેવા માટે આપવામાં આવેલો સમય ખરાં-ખોટાં કારણો આપીને લંબાવશે, સ્ટેટસ ચેન્જ કરશે યા તો અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરીને સ્ટેટસ એડ્જસ્ટ કરવાની અરજી કરે છે. કંઈકેટલાંય જુઠાણાં તેઓ આચરે છે. આવા પરદેશીઓ જેઓ ફ્રોડ અથવા અન્ય ઈમિગ્રેશન વાયોલેશન્સ એટલે કે ભંગ કરતા હોય એમને પણ અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતા.

(7) ડોક્યુમેન્ટ્શન રિક્વાયરમેન્ટ્સ : વિઝાની માગણી કરતી વખતે જે જે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે, એ જો રજૂ કરી ન શકે તો એવી વ્યક્તિઓને પણ અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી હોય છે.

(8) ગ્રાઉન્ડ્સ રિલેટિંગ ટુ મિલિટરી સર્વિસ ઈન ધ યુનાઈટેડ સ્ટેટ : દરેકેદરેક અમેરિકન સિટીઝન તેમજ ગ્રીનકાર્ડધારકે જરૂર પડે તો અમેરિકાના લશ્કરમાં જોડાઈને અમેરિકા વતી લડાઈમાં જવું પડે છે. આ પ્રકારની મિલિટરી સર્વિસ બજાવવા જેઓ તૈયાર ન હોય અથવા તો આવી મિલિટરી સર્વિસના એવાં કોઈ કારણો હોય જેના લીધે પરદેશી અમેરિકામાં પ્રવેશવા માટે ગેરલાયક ઠરતો હોય, તો એને પણ આ પ્રવેશ નિષેધ લાગુ પડે છે.

(9) જેમને પહેલાં અમેરિકામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોય અથવા તો જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હોય યા રહ્યા હોય એમની સામે પણ પ્રવેશ નિષેધ ખડો થાય છે.

(10) આ ઉપરાંત બીજાં પણ અન્ય અનેક જુદાં જુદાં કારણોસર પરદેશીઓ ઉપર અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાગી જાય છે.

જો તમારે અમેરિકામાં પ્રવેશવું હોય, ટૂંક સમય માટે યા કાયમ માટે, તો ઉપલા ગ્રાઉન્ડ્સ ઑફ ઈનએડ્મિનિસિબિલિટી તમને લાગુ નથી પડતાં એ ચકાસી લેવા જોઈએ. અન્યથા પિટિશન એપ્રૂવ થાય, વિઝા લેવા ઈન્ટરવ્યૂમાં જાવ ત્યારે તમારા વિઝા નકારવામાં આવશે.