ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ભારત માટે પણ આ વર્ષનો ઓગસ્ટ મહિનો અસહ્ય સાબિત થયો છે. ભારતમાં ગરમીએ છેલ્લાં 125 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 1901 પછી નોંધાયેલા હવામાન ઈતિહાસમાં ઓગસ્ટ 2026 સૌથી વધુ ગરમ મહિનો સાબિત થયો છે.
તાપમાનમાં અસામાન્ય ઉછાળો
દેશભરમાં ઓગસ્ટ દરમિયાન સરેરાશ મહત્તમ તેમજ લઘુતમ તાપમાન ઐતિહાસિક સ્તરે ઊંચું રહ્યું. ચોમાસાની ઋતુ હોવા છતાં દેશના ઘણા ભાગોમાં વરસાદની અછત અને આકરી લૂ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
માનવજીવન અને ખેતી પર અસર
અણધારી ગરમીને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જળાશયોનાં જળસ્તર ઘટ્યાં અને ખરીફ પાકોના વાવેતર પર માઠી અસર
જોવા મળી.
વૈશ્વિક તાપમાનમાં ચિંતાજનક વધારો
ઓગસ્ટ 2026માં પૃથ્વીનું સરેરાશ ગ્લોબલ સરફેસ એર ટેમ્પરેચર 16.96 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના સ્તર કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. આ આંકડો વર્ષ 2023ના અત્યંત ગરમ જુલાઈ મહિનાની સમકક્ષ પહોંચી ગયો છે.
C3Sના રિપોર્ટ મુજબ 19મી સદીમાં જ્યારે માનવીએ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુનો મોટા પાયે ઉપયોગ શરૂ નહોતો કર્યો, તે સમયની સરખામણીએ ઓગસ્ટ 2026નું તાપમાન 1.65 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું છે. આ દર્શાવે છે કે માનવીય પ્રવૃત્તિઓ અને અશ્મિભૂત ઇંધણના બેફામ વપરાશે પૃથ્વીનું કુદરતી સંતુલન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.
પેરિસ સમજૂતીની મર્યાદા અને જોખમની ઘંટડી
વર્ષ 2015માં થયેલી ઐતિહાસિક પેરિસ ક્લાઈમેટ સમજૂતી અંતર્ગત વિશ્વના 200 જેટલા દેશોએ ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનો સંકલ્પ કર્યો હતો. આ મર્યાદા નક્કી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીને પર્યાવરણીય વિનાશથી બચાવવાનો હતો, પરંતુ ઓગસ્ટ 2026માં તાપમાન આ લાલ રેખાને વટાવી જવું એ સ્પષ્ટ કરે છે કે પૃથ્વી પહેલેથી જ ખતરાના ક્ષેત્રમાં પ્રવેશી ચૂકી છે. વૈજ્ઞાનિકોના મતે જો આ સ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે, તો ગ્લેશિયર્સ પીગળવાની ગતિ વધશે, દરિયાની સપાટી ઊંચી આવશે અને મોસમી ચક્ર સંપૂર્ણપણે બદલાઈ જશે.
કુદરતી આપત્તિઓનું તાંડવ : પૂર, દુષ્કાળ અને દાવાનળ
ઓગસ્ટમાં સમગ્ર વિશ્વને અત્યંત ગંભીર આબોહવાકીય આપત્તિઓનો સામનો કરવો પડ્યો છે. એક તરફ ભયાનક દુષ્કાળ અને ગરમી તો બીજી તરફ અચાનક આવતાં વિનાશક પૂર જોવા મળ્યાં.
નેપાળમાં જળપ્રલય
હિમાલયી ક્ષેત્રમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે નેપાળમાં આવેલા અચાનક પૂરમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. વૈજ્ઞાનિકો આ દુર્ઘટનાને ઝડપથી બદલાતી આબોહવાનું સીધું પરિણામ માને છે, જેના પર હાલ વિસ્તૃત અભ્યાસ ચાલી રહ્યો છે.
દાવાનળ-જંગલની આગ
ઇન્ડોનેશિયાથી લઈને ગ્રીસ અને બેલ્જિયમ સુધીના દેશોમાં ભીષણ દાવાનળ ફાટી નીકળ્યો હતો, જેમાં હજારો હેક્ટર જંગલો અને વન્યજીવો બળીને ખાખ થઈ ગયાં.
દુષ્કાળની ભયાનક સ્થિતિ
પૂર્વ અને મધ્ય યુરોપના દેશો જેવા કે હંગેરી અને રોમાનિયા ગંભીર જળસંકટ અને દુષ્કાળ સામે લડી રહ્યા છે.
પશ્ચિમી યુરોપમાં સ્થિતિ ગંભીર : ખેડૂતો બેહાલ
પશ્ચિમી યુરોપ હાલના સમયમાં ઇતિહાસની સૌથી ગંભીર ગરમીનો સામનો કરી રહ્યું છે. મે મહિનાથી શરૂ થયેલો હીટવેવ ઓગસ્ટ સુધી અવિરત ચાલુ રહ્યો.
નદીઓ, સરોવરો અને નહેરોમાં પાણીનો પ્રવાહ ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે.
જમીનનો કુદરતી ભેજ સંપૂર્ણપણે સુકાઈ જતાં ખેતીની જમીનમાં તિરાડો પડી ગઈ છે.
સતત ઊંચા તાપમાનને લીધે પાક બળી ગયા છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને વૈશ્વિક સ્તરે અનાજની અછત સર્જાવાનું જોખમ ઊભું થયું છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર(UN)એ વિશ્વભરની તમામ સરકારોને કાર્બન ડાયોક્સાઈડ (CO2) અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં તાત્કાલિક અને મોટા પાયે કાપ મૂકવા માટે અપીલ કરી છે.
ધરતીની સાથે સમુદ્ર પણ ઉકળવા લાગ્યા
ઓગસ્ટ 2026ની આ આકરી ગરમી માત્ર જમીન પૂરતી સીમિત નહોતી; તેણે મહાસાગરોને પણ ભઠ્ઠી બનાવી દીધા છે. C3S અનુસાર, આ મહિને વિશ્વના મહાસાગરોમાં દરિયાઈ સપાટીનું તાપમાન (સી સરફેસ ટેમ્પરેચર) અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.
ટ્રોપિકલ પેસિફિક ક્ષેત્રમાં `અલ નીનો' (El Nino) હવામાન પેટર્ન સક્રિય થવાના કારણે સમુદ્રનું તાપમાન વિક્રમી સ્તરે નોંધાયું છે. દરિયાનું તાપમાન વધવાને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ, પરવાળાના ખડકો (કોરલ રિફ્સ) અને દરિયાઈ પરિસ્થિતિ તંત્ર પર વિનાશક અસર પડી રહી છે. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આગામી મહિનાઓમાં સમુદ્રી ગરમી હજુ વધી શકે છે, જે આવનારા સમયમાં વૈશ્વિક તાપમાનને વધુ ઊંચાઈ પર લઈ જશે અને વધુ તીવ્ર ચક્રવાતોનું કારણ બનશે.
જો વૈશ્વિક સ્તરે પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ ઝડપથી નહીં વળવામાં આવે અને પ્રદૂષણ પર કડક નિયંત્રણ નહીં મુકાય, તો ઓગસ્ટ 2026 જેવી ભીષણ ગરમી ભવિષ્યમાં સામાન્ય બની જશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો