આજકાલ બધા એક કોર્સ રંગેચંગે કરી રહ્યા છે.
એ કોર્સ છે `મોબાઇલમાં રીલ જોઈને હેલ્થ એક્સપર્ટ બનવાનો કોર્સ.' એમાં નથી ફી ભરવાની, નથી પરીક્ષા આપવાની કે નથી ડિગ્રી લેવાની. માત્ર થોડી ઇન્સ્ટાગ્રામ રીલ, બે-ચાર યુ ટ્યૂબ શોર્ટ્સ અને થોડું ગૂગલ સર્ચ. બસ, અઢી દિવસમાં તમે ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, ફિટનેસ કોચ, યોગગુરુ અને મેરેથોન ટ્રેનર બની જશો.
સવારે વૉક કરવા જાઓ એટલે લાગે કે ગાર્ડનમાં લોકો ચાલવા નહીં, પણ આરોગ્ય પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા આવ્યા છે. એક `રીલ જ્ઞાની' પૂછશે, `કેટલાં પગલાં ચાલ્યા?' તમે કહો, `પાંચ હજાર.' તો તરત ચહેરા પર દયા લાવીને કહે, `અરે! ઓછામાં ઓછાં દસ હજાર તો ચાલવાં જ જોઈએ.' એટલામાં બીજા મહાજ્ઞાની આવીને કહે, `દસ હજાર તો જૂની વાત થઈ. હવે બાર હજાર ચાલવાના.' ત્રીજો કહેશે `વૈજ્ઞાનિક રીતે આઠ હજાર પૂરતાં છે.' અંતે માણસ કન્ફ્યૂઝ થઈ ઘર તરફ પગલાં ભરવા માંડે.
ખાવા-પીવાની બાબતમાં તો આ લોકો ભેદી સ્ટેટમેન્ટ કરતા હોય છે. તમે સમોસાં ખાવા બેસો એટલે રીલ પુરુષ તમારા પર તૂટી પડે. `મેંદો નુકસાનકારક છે. તળેલું ન ખાવું. કેલરી બહુ છે. ટ્રાન્સ ફેટ છે.' એમની વાત સાંભળી તમે સમોસાં મૂકી લોટો ભરી પાણી પી લો.
કોઈ રીલ મહિલા દર અઠવાડિયે નવો ડાયટ પ્લાન રજૂ કરે. ક્યારેક કિટો, ક્યારેક ડિટોક્સ, ક્યારેક ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. આપણે પૂછીએ, `ફાયદો શું થયો?' કહે, `વજન તો એટલું જ છે, પણ જુદા જુદા ડાયટનાં ઘણાં નામ યાદ થઈ ગયાં.'
ઘરમાં પણ રીલ આધારિત આરોગ્ય ક્રાંતિ ચાલતી હોય છે. પતિ રાત્રે દસ વાગ્યે ઢેબરું ખાય તો પત્ની તરત કહે, `સૂવાના ત્રણ કલાક પહેલાં કશું ખાવું નહીં.' પછી બીજા દિવસે એ જ પત્ની સાડા અગિયારે કેક ખાતી ઝડપાય. પૂછીએ તો બોલે `આજે ચીટ ડે છે.' આ ચીટ ડે એવી જાદુઈ વ્યવસ્થા છે જેમાં બધા નિયમો રજા પર ઊતરી જતા હોય છે.
કેલરી એક્સપર્ટો તો એકદમ ગેબી હોય છે. એક મિત્રને એવી ટેવ પડી ગઈ છે કે તમે શું ખાઓ છો એ પહેલાં તે તેની કેલરી જાહેર કરી દે. સમોસું - 300 કેલરી, જલેબી - 400 કેલરી, ચા- દૂધ, ખાંડવાળી - 647 કેલરી, ગાંઠિયા - 722 કેલરી. ક્યારેક આપણને શંકા થાય છે કે અલ્યા `હું નાસ્તો કરું છું કે ઇન્કમ ટેક્સનું ઓડિટ કરાવું છું?'
સૂવાની બાબતમાં પણ રોજ નવી થિયરી આવે છે. કોઈ કહે રાત્રે દસ વાગ્યે સૂઈ જાવ. કોઈ કહે અગિયાર પહેલાં સૂવું નહીં. કોઈ સાત કલાકની ઊંઘનું મહત્ત્વ સમજાવે, તો કોઈ આઠ કલાકનું. એક મિત્રે સ્માર્ટવૉચ ખરીદી છે. હવે તે ઊંઘ ઓછી કરે છે અને ઊંઘનો રિપોર્ટ વધારે વાંચે છે.
શ્વાસ લેવાની બાબતમાં પણ નિષ્ણાતોની કમી નથી. એક ભાઈ સમજાવતા હતા, `કાયમ ચાર સેકન્ડ શ્વાસ લો, છ સેકન્ડ રોકો અને આઠ સેકન્ડ છોડો.' એટલામાં એની પત્નીનો ફોન આવ્યો. પત્નીનો અવાજ સાંભળતાં જ એ શ્વાસની બધી ટેક્નિક ભૂલી ગયેલો
રનિંગ એક્સપર્ટો તો વધુ કમાલ કરે છે. તેઓ સમજાવે કે પગ જમીન પર કયા ખૂણે મૂકવો, હાથ કેટલા ડિગ્રી પર રાખવા અને શ્વાસ કેવી રીતે લેવો. પછી એ પોતે દોડવાને બદલે રિક્ષા પકડી ઘરે જાય.
આજકાલ તો કોઈને શરદી થાય તો ડૉક્ટર પહેલાં વોટ્સએપ ગ્રૂપમાં પૂછવામાં આવે છે. ત્યાંથી પંદર સલાહો મળે. એક કહે લીંબુપાણી પીવો. બીજો કહે લીંબુથી દૂર રહો. ત્રીજો કહે ગરમ પાણી પીવો. ચોથો કહે ઠંડું પાણી વધુ સારું. અંતે દર્દી બીમારી કરતાં સલાહોથી વધુ કંટાળી જાય.
મોબાઇલ દ્વારા જાણકારી મેળવવી આમ તો સારી જ વાત છે, પણ એ મુજબ જીવનમાં ફેરફારો કરવા માંડીએ તો ક્યારેક ઓડનું ચોડ થઈ જતું હોય છે. હવે તો એવું લાગે છે કે દેશમાં બે જ પ્રકારના લોકો બાકી રહ્યા છે. એક જે પોતાની તંદુરસ્તી સુધારવાનો પ્રયત્ન કરે છે અને બીજા જે રીલ જોઈને આખી દુનિયાની તંદુરસ્તી સુધારવાની જવાબદારી પોતાના માથે લઈ બેઠા છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
