મહાનગરોમાં અનેક ગગનચુંબી ઈમારતો જોવા મળે. એક જ બિલ્ડિંગમાં અનેક ઓફિસ અને ઘર પણ હોઈ શકે, થિયેટર પણ હોઈ શકે.

પરંતુ ચીનમાં એક એવી ઈમારત બની છે કે તેને બિલ્ડિંગ કહેવા કરતાં આખું શહેર જ કહેવું પડે! ઓછી જગ્યામાં 30 હજાર લોકો રહી શકે અને તેમની તમામ જરૂરિયાતો માટે સુવિધા મળી રહે એવું આયોજન જોઈને અચંબામાં મુકાઈ જવાય એવું છે!

આપણા મુંબઈથી માંડીને માન્ચેસ્ટર સુધીનાં મહાનગરોમાં કેટલીય ગગનચુંબી ઈમારતો જોવા મળે છે. એ આલિશાન ઈમારતો એવી આધુનિક હોય કે બદલાતી જતી જીવનશૈલીનો પડઘો તેમાં પડતો હોય છે. એની ડિઝાઈનિંગથી માંડીને સ્પેસનો એવો અદ્ભુત ઉપયોગ થયો હોય કે જોઈને મોંમાં આંગળા નાંખી દેવાય. છતાં એ ઈમારતોમાં ક્યાં તો ઓફિસ હોય કે ઘર હોય કે થિયેટર જેવી સુવિધા હોય. શોપિંગ સેન્ટર પણ હોય અને હોસ્પિટલ તથા હોટલ પણ હોઈ શકે. સામાન્ય રીતે તમામ સુવિધાઓ એક જ બિલ્ડિંગમાં સચવાઈ જાય એવું બની શકે. એક નાનકડું નગર હોય એવું લાગે. જોકે, એમાં રસ્તા ન હોય એટલે તેને નગર તો કહી ન શકાય, પરંતુ ચીને હવે એક એવી ઈમારતનું નિર્માણ કર્યું છે કે એ ઈમારત જાણે એક શહેરમાં હોય એવા રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ છે!

ચીનના હાંગઝોઉસ્થિત કિયાનજિયાંગ સેન્ચ્યુરી સિટીમાં એક બહુ મોટી ઈમારત છે. જોકે, એ બહુમાળી ઈમારત વાસ્તવમાં તો એક નાનકડું શહેર જ જોઈ લો ને! અહીં રહેતા લોકોની તમામ જરૂરિયાતની ચીજો મળી રહે છે. એ બિલ્ડિંગમાં બાળકો માટે શાળા છે, તો નોકરી કરનારાઓ માટે ઓફિસ પણ છે. માણસ વસતો હોય એટલે ખાણીપીણીની સુવિધા તો હોવી જ જોઈએ. ચટાકેદાર અનેક પ્રકારની વાનગીઓ મળી રહે એવી હોટલ તો હોવી જ જોઈએ, એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કિયાનજિયાંગ સેન્ચ્યુરી સિટીની આ ઈમારતમાં જુદી જુદી વાનગીઓ પીરસતી અનેક હોટલો છે ને વળી ભોજન જોઈએ એમ ફેશનેબલ કપડાં પણ જોઈએ જ ને?

લોકોને મનગમતી ફેશનવાળા કપડાં વેચતા સ્ટોરો પણ અનેક છે, જેથી લોકોને તેમની મનપસંદ ડિઝાઈનવાળાં કપડાં ખરીદવા માટે સુવિધા મળે છે. સ્વાસ્થ્ય અને મનોરંજનની જરૂરિયાત પણ ધ્યાનમાં રાખીને એ ઇમારતમાં જિમ, પાર્ક અને થિયેટર સહિતની અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ બિલ્ડિંગમાં 30 હજાર માણસો રહી શકે અને તેમની જરૂરિયાત પૂરી થઈ શકે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 30 હજાર માણસોની વસ્તી એટલે આપણે ત્યાં એક ગ્રામપંચાયત હોય એટલી વસ્તી થઈ જાય! જોકે, આપણે ત્યાં તો કેટલીક ડ વર્ગની નગરપાલિકાઓમાં મતદારો પણ એટલા જ હોય છે! ગામડાંમાં તો એ વસ્તી માટે વિશાળ જમીન હોય અને તમામ સુવિધા હોય કે કેમ એ એક સવાલ છે.

હાલમાં આ ઈમારતમાં 20 હજાર લોકો તો રહેતા પણ થઈ ગયા છે. રેજેન્ટ ઈન્ટરનેશનલ તરીકે ઓળખાતી આ બિલ્ડિંગની ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે એમાં ગલી અને રસ્તા પણ ખાસ્સા પહોળા છે. એ કારણે કાર, બાઈક, સ્કૂટર કે બસ જેવાં વાહનો સરળતાથી આવાગમન કરી શકે છે.

એક નાનકડા શહેર જેવી બિલ્ડિંગથી ફાયદો શો એવો સવાલ જરૂર થાય, પરંતુ યાદ રહે કે એક જ બિલ્ડિંગમાં તમામ સુવિધા હોવાને કારણે સમય અને ઊર્જાની મોટી બચત થાય છે. ભારત સહિત અનેક દેશોમાં સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ અમલમાં મુકાઈ રહ્યો છે, પરંતુ ચીન સ્માર્ટ સિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો બાકીના દેશોની સરખામણીએ ઘણું જ આગળ છે.

આ નાનકડું શહેર એટલે કે રેજેન્ટ ઈન્ટરનેશનલ બિલ્ડિંગ વર્ટિકલ ડેવલપમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઈમારતથી થોડી જગ્યામાં એ પ્રકારની તમામ સુવિધાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકાય છે, એ પુરવાર થાય છે. હવે જ્યારે જમીન ઓછી થઈ રહી છે, ત્યારે થોડી જગ્યામાં વધુ ને વધુ લોકો રહી શકે અને તેમને તમામ સુવિધા મળી રહે એવી ઈમારતો બનાવવાની દિશામાં દુનિયાએ આગળ વધવું પડશે અને એનો શુભારંભ રેજેન્ટ ઈન્ટરનેશનલથી થયો એમ કહી શકાય.