જો બધું સમુસૂતરું પાર પડશે તો આગામી 2027-28ના નાણાકીય વર્ષમાં આપણા ચલણમાં કાગળની સાથે પ્લાસ્ટિકની નોટ આવી ગઈ હશે! રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ભલામણના આધારે RBIએ કેન્દ્ર સરકારને પોલીમર બેન્ક નોટ (પ્લાસ્ટિકની નોટ) પ્રગટ કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત કરી હતી. ભારત સરકારે તાજેતરમાં RBIને રૂ. 10 અને રૂ. 20ની 100-100 કરોડ એમ કુલ રૂ. 200 કરોડની પ્લાસ્ટિક નોટ છાપવાની મંજૂરી આપી છે. તેના અનુસંધાને RBIએ ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યું છે. એટલે દસ અને વીસ રૂપિયાની પ્લાસ્ટિકની નોટો આગામી વર્ષે બજારમાં આવી જવાની શક્યતા છે.
પરદેશના રાષ્ટ્રપ્રમુખને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસ્તા પરની રેંકડીના ચા અને વડાપાંઉ ખવડાવી બિલનું ડિજિટલ પેમેન્ટ કરાવડાવ્યું તે ઠાલો દેખાડો નહોતો, પરંતુ ભારતમાં યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ કેટલી હદે વિસ્તરી ચૂક્યું છે તેનો સંકેત હતો. ડિજિટલ ચુકવણીમાં ભારત વિશ્વના અગ્રણી દેશ તરીકે ઊભરી રહ્યો છે અને ભારતનું આર્થિક પરિદૃશ્ય બદલાઈ રહ્યું છે તેવું નિ:સંદેહ લાગે છે.
પરંતુ કદાચ આ ઈન્ડિયાની વાસ્તવિકતા છે. ભારતનું વાસ્તવ જુદું છે. દેશના લાખો ગામડાંઓમાં વસતા સામાન્ય લોકો, ખેડૂતો, ખેતમજૂરો, કારીગરો, નાના દુકાનદારો, વિશાળ અસંગઠિત ક્ષેત્ર અને સ્થાનિક બજારોમાં આજેય નાણાકીય લેવડદેવડ રોકડ રૂપિયામાં જ થાય છે. ગામડાંઓમાં સતત વીજળી મળતી નથી એટલે નિર્બાધ ઈન્ટરનેટ સેવા શક્ય ન હોવાથી ડિજિટલ પેમેન્ટ બાધિત થાય છે. વીજળીના અભાવે સર્વર ડાઉન હોય, ઈન્ટરનેટ ચાલતું ન હોય, મોબાઈલ ચાર્જ થયેલો ન હોય ત્યારે રોકડમાં વધુ વ્યવહાર થાય તે સહજ છે. ભલે નાણાકીય વ્યવહાર ઓનલાઈન વધ્યો હોય, પણ રોકડનો તે વિકલ્પ બની શક્યો નથી. બંને સાથે ચાલે છે એ હકીકત સ્વીકારીને પણ કહેવું પડે તેમ છે કે રોકડથી થતાં નાણાંના વ્યવહારો વધ્યા છે. 2025-26માં રોકડ નાણાંથી રૂ. 42.86 લાખ કરોડના વ્યવહારો થયા હતા. એ વર્ષે રોકડની માંગમાં 11.5 ટકાની વૃદ્ધિ થઈ હતી, જે તેના ગયા વર્ષના 5.8ની સરખામણીએ લગભગ ડબલ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલમાં કહેવાયું છે કે 2023-24માં હાલ વ્યવહારમાં છે તે કાગળની નોટોનો છપામણી ખર્ચ રૂ. 5101.4 કરોડ હતો, જે 2024-25માં વધીને રૂ. 6372.8 કરોડ થયો હતો. ખરાબ, રદ્દી, ગંદી, ફાટેલી અને ફરી ઉપયોગમાં લઈ ન શકાય તેવી થઈ ગયેલી 23.8 અબજ નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. રૂ. 10 અને રૂ.20ના સિક્કા કેન્દ્રીય બેન્કે બજારમાં મૂક્યા હતા, પરંતુ તેની સ્વીકાર્યતા બહુ ઓછી છે. વળી, ડિજિટલની તુલનામાં પણ રોકડ નાણાંમાં લેવડદેવડ વધી છે એટલે RBIએ પાતળા પ્લાસ્ટિક કે પાલીપ્રોપાઈલીન નામક વિશેષ સિન્થેટિક પ્લાસ્ટિકમાંથી બનતી પ્લાસ્ટિકની નોટો બનાવવાનું મન બનાવી લીધું છે. હાલમાં નાના મૂલ્યની રૂ. 10 અને રૂ. 20ની નોટો પ્રગટ થશે. તેના અનુભવો પછી આગળ વિચારવામાં આવશે. જોકે, સરકારે હાલના લોકસભાના વર્ષાસત્રમાં જ ખાતરી આપી છે કે કાગળની નોટોને રદ કરવામાં નહીં આવે કે એના બદલે પ્લાસ્ટિક નોટ છે તેવું પણ કરવામાં નહીં આવે. બંને નોટો બજારમાં પ્રચલનમાં રહેશે.
હાલની કાગળની નોટોને અધિક સલામત, કુશળ અને ટકાઉ બનાવવાનો પડકાર RBI સમક્ષ હતો. તેણે જ પ્લાસ્ટિક નોટનો વિકલ્પ પસંદ કર્યો છે. પોલીમર કે પ્લાસ્ટિક બેન્ક નોટની કેટલીક ખાસિયતો કે વિશેષતાઓ છે. તે કાગળની નોટના વિકલ્પે ફાયદાકારક છે. પ્લાસ્ટિકની નોટનો પ્રારંભિક છપામણી ખર્ચ ઘણો વધારે છે, પરંતુ કાગળની નોટની સરખામણીએ આ નોટ પાંચથી સાત ગણી વધુ ટકાઉ છે, એટલે કાગળની નોટોનો દર વર્ષે થતો છપામણીનો ખર્ચ ઘટશે અને નાશ કરવાનું પ્રમાણ પણ ઓછું થતાં સરવાળે નાણાકીય ફાયદો થઈ શકે તેમ છે.
હાલની કાગળની નોટોની ધૂમ નકલી નોટો બજારમાં ફરે છે. નકલી નોટો એક મોટી સમસ્યા છે. નકલી નોટો પર અંકુશ મૂકવા પ્લાસ્ટિકની નોટો પર સ્પેશિયલ સિક્યુરિટી ફીચર જોડવાની વ્યવસ્થા છે. પારદર્શી વિન્ડો અને ઉન્નત સલામતી થ્રેડ તથા એડવાન્સ હોલોગ્રાફિક ફીચર્સને કારણે પ્લાસ્ટિકની નોટોની નકલ કરવી લગભગ અશક્ય બનશે. તે સૌથી મોટો ફાયદો છે. પોલીમર નોટનો સ્પર્શ સામાન્ય નોટ જેવો જ છે, પરંતુ તે પાણીમાં પલળવા છતાં ગળતી નથી. સહેલાઈથી ફાટતી નથી. પાણી, ગંદકી, ભેજ અને ધૂળથી ખરાબ થઈ જતી નથી, એટલે દર વર્ષે અમુક નોટોનો નાશ કરવાનો સવાલ ઊભો થશે નહીં.
પોલીમર બેન્ક નોટનો આ વિચાર કંઈ તાજેતરનો અને આપણા જ દેશનો નથી. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ન્યૂઝીલેન્ડ, મલેશિયા, રોમાનિયા અને વિયેતનામ સહિતના 60 દેશોમાં પ્લાસ્ટિકની નોટ ચલણમાં છે. કેટલાક દેશોમાં ત્રણ દાયકાથી તે બજારમાં છે અને એકમાત્ર પ્લાસ્ટિકની નોટ જ ચલણમાં છે. આપણે સૌથી પહેલાં 2009માં પ્લાસ્ટિકની નોટનો વિચાર કર્યો હતો. 2012 અને 2017માં તે માટેની કેટલીક પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી, પરંતુ છેક હવે લગભગ દોઢ દાયકે કંઈક અંશે તે વિચાર અમલમાં મૂકાવાની સંભાવના ઊભી થઈ છે.
ભારત સરકારના નાણા મંત્રાલયની મંજૂરી અને ગ્લોબલ ટેન્ડર છતાં પ્લાસ્ટિકની નોટને બજારમાં મૂકવાના વિચારને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. ગ્લોબલ ટેન્ડર પ્લાસ્ટિક નોટના સંપૂર્ણ નિર્માણનું માંગ્યું છે, પરંતુ હાલનું નાણું છાપતા ચાર સરકારી પ્રેસ (નાસિક, દેવાસ, મૈસુર, સાલબોની)ને પણ પ્લાસ્ટિક નોટ છાપવા તકનીકી રીતે સજ્જ કરવાની આવશ્યકતા છે. અલગ અલગ વાતાવરણ દેશના ભૂ ભાગોમાં નોટોનું પરીક્ષણ થવું જોઈએ. બેન્કોના વર્તમાન એટીએમ અને નોટો ગણવાના મશીનોને પ્લાસ્ટિક નોટો માટે અનુકૂળ બનાવવાની પણ જરૂર રહેશે. પ્લાસ્ટિકની નોટો ચલણમાં આવે તે પહેલાં તેનો લોકજાગ્રતિ માટે વ્યાપક પ્રચાર કરવો પડશે, જેથી લોકો તેના ઉપયોગ માટે સજ્જ બને. પાઇલટ પ્રોજેક્ટ તરીકે પહેલાં તેને ચોક્કસ વિસ્તારોમાં મૂકવી જોઈએ. તે પૂર્વે તેની ગુણવત્તાની ચકાસણી અને નિર્માણ કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ.
ડિજિટલ નાણાકીય વ્યવહારો અને રોકડથી થતા વ્યવહારો બંને આજના ભારતની વાસ્તવિકતા છે. તેને એકબીજાના વિરોધી, સારા-નરસા કે ઊંચ-નીચની નજરે જોવાની જરૂર નથી. કાગળની નોટને બદલે પ્લાસ્ટિકની નોટનું બજારમાં આવવું તે કોઈ સામાન્ય બદલાવ નથી. ભારતના ભાવિ આર્થિક વિકાસ માટે તે મહત્ત્વનું પગલું છે. દેશને ન માત્ર આર્થિક દૃષ્ટિએ નાણાંની સલામતી અને ટકાઉપણાની રીતે પણ પ્લાસ્ટિક નોટ બહેતર સાબિત થઈ શકશે તેમ સરકારનું અને અર્થવિદોનું કહેવું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો