જીવનનો બોજ ન જ ઊંચકી શકાય એવું લાગ્યા બાદ રશિયન લેખક ટોલ્સ્ટોયે શ્રદ્ધા અપનાવી અને કેટલાક લોકોની સમજાવટ બાદ એમણે ચર્ચની શરણાગતિ સ્વીકારી.
જોકે, ચર્ચની કેટલીક વિધિઓ અને ચમત્કારો વિશેની વાતો એમને ગળે ન ઊતરી, પરંતુ શ્રદ્ધા વગર તો મરી જ જવાશે એ ડરથી એ ચર્ચને વળગી રહ્યા અને એવું માનતા રહ્યા કે હું જે બધી માન્યતાઓને અનુસરી રહ્યો છું તેમાં સત્ય છે.
આગળ એ લખે છે...
પછી એવું કશુંક બન્યું જે અત્યારે તો (આ લખતી વખતે, ત્રણ વર્ષ પછી) મને બરાબર સમજાઈ રહ્યું છે, પરંતુ ત્યારે મને એ વિચિત્ર લાગેલું.
એક વાર મેં એક અભણ યાત્રાળુની વાતો સાંભળી. એ મજૂર માણસ હતો. ભગવાન, ધર્મ, જીવન અને મુક્તિ વિશેની એની વાતોમાંથી મને શ્રદ્ધાનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. હું સામાન્ય લોકો સાથે વધુ ભળવા લાગ્યો. એમની જીવન અને ધર્મ વિશેની ચર્ચાઓ સાંભળવાથી સત્ય વિશેની મારી સ્પષ્ટતા વધવા લાગી. એ જ રીતે (મહાન સંતો અને શહીદોની જીવનકથા વર્ણવતાં) માર્ટિરોલોજી અને પ્રોલોગ્ઝ નામનાં પુસ્તકો વાંચવાથી પણ મારું સત્યદર્શન વધુ સ્પષ્ટ બન્યું. આ બંને મારાં અતિ પ્રિય પુસ્તકો બની રહ્યાં. એમાં ચમત્કારોની જે વાતો હતી એને અવગણીને બાકીના ભાગમાં વ્યક્ત થતા વિચારો મને બહુ પ્યારા લાગ્યા. એ પુસ્તકોના પઠનથી મને જીવનનો અર્થ સમજાયો. એમાં શહીદોની વાર્તાઓ પણ હતી. સંતો અને શહીદોની આ બધી જ કથાઓમાં એક વાત સમાન હતી. એ બધા જ નાયકોનો દાવો હતો કે મૃત્યુ સાથે જીવનનો અંત નથી આવી જતો. જેમને ચર્ચના શિક્ષણ વિશે કશી ખબર નહોતી એવા નિરક્ષર અને મૂરખ ગણાતા લોકો આ બધી કથાઓથી એકદમ પરિચિત હતા.
પણ પછી હું જ્યારે શિક્ષિત શ્રદ્ધાળુઓને મળતો કે એમનાં પુસ્તકો વાંચતો, ત્યારે મારી અંદર શંકા અને અસંતોષની લાગણી પેદા થતી. એમના તર્કો પ્રત્યે હું કડવાશ અનુભવતો. મને એવું લાગતું કે હું જ્યારે આ બધા અભ્યાસુઓના ધર્મવિચારોને આત્મસાત્ કરું છું ત્યારે હું સત્યથી વધુ દૂર અને વિનાશની ખાઈ તરફ ધકેલાઉં છું.
ઘણી વાર મને ગામડાના નિરક્ષર લોકોનાં અજ્ઞાન અને સરળતાની ઇર્ષ્યા થતી. શ્રદ્ધાના જે સિદ્ધાંતો મને સ્પષ્ટપણે મૂર્ખામીભર્યા લાગતા એમાં પેલા ગ્રામીણ નિરક્ષરોને કશું વાંધાજનક નહોતું લાગતું. તેઓ તેને સ્વીકારી શકતા હતા. તેઓ એ જ સત્યમાં માનતા હતા જેમાં હું માનતો હતો, પણ ફેર એટલો હતો કે મને એ સત્ય સાથે સૂક્ષ્મ તંતુ વડે જોડાયેલું અસત્ય દેખાતું હતું, જે એમને નહોતું દેખાતું (અને માટે એ સુખી હતા). જેની સાથે થોડુંક પણ અસત્ય સંકળાયેલું હોય એવા સત્યને હું સ્વીકારી શકતો નહોતો.
આ રીતે હું લગભગ ત્રણ વર્ષ જીવ્યો. આ સમયગાળા દરમિયાન હું ઉત્કટતાપૂર્વક સત્ય તરફ આગળ વધી રહ્યો હતો. મને દોરનારી દિશા એક જ હતીઃ અજવાળું કઈ બાજુ છે?
અજવાળાની દિશા તરફ આગળ વધતી વખતે મને કશુંક વાંધાજનક લાગતું ત્યારે હું મારી જાતને કહેતોઃ `તું જ દોષી છે, તું જ ક્યાંક ખોટો છે', પણ જેમ જેમ હું જે સત્યોનો અભ્યાસ કરતો ગયો અને તે મારા જીવનના આધાર બનતાં ગયાં, તેમ તેમ અસત્યોનો સ્વીકાર મારા માટે વધુ મુશ્કેલ અને અસહ્ય બનતો ગયો.
તો પણ શંકાઓ અને આંતરિક સંઘર્ષ છતાં, હું અમારા રશિયન ઓર્થોડોક્સ ચર્ચને વળગી રહ્યો (કારણ કે શ્રદ્ધા-શરણાગતિ છોડી દઈશ તો હું મરી જઈશ એવો મને ડર હતો). બીજી તરફ જેના વિના જીવવું મુશ્કેલ હતું એવા પ્રશ્નો પણ માથું ઊંચકતા રહ્યા. મારે ઉકેલવો હતો જીવનનો પ્રશ્ન (જીવવું કઈ રીતે?), પરંતુ આ પ્રશ્નનો મને અમારા ચર્ચ તરફથી જે જવાબ મળતો હતો તે મને ટકાવી રાખનારી શ્રદ્ધાથી વિપરીત હતો. (ઘણી માથાકૂટ પછી) છેવટે મેં સ્વીકાર્યું કે અમારા (રશિયન ઓર્થોક્સ) ચર્ચ સાથે હું સુમેળ સાધી શકીશ નહીં.
આ વિસંવાદિતાના પાયામાં જે એક મુદ્દો હતો તે અમારા ચર્ચના અન્ય ચર્ચ સાથેના સંબંધોને લગતો હતો. કેથલિક અને (સત્તરમી સદીમાં રશિયન ઓર્થોડોક્સ ચર્ચથી ફંટાઈને નવા સ્થપાયેલા) રાસ્કોલનિક ચર્ચના અનુયાયીઓ સાથેના અમારા ચર્ચના સંબંધોને મેં જોયા. ધર્મમાં જાગેલી રુચિના કારણે હું વિવિધ પંથોના શ્રદ્ધાળુઓ સાથે સંપર્કમાં આવ્યો: કેથોલિક, પ્રોટેસ્ટન્ટ, ઓલ્ડ બિલીવર્સ, મોલોકન્સ (અર્થાત્, દૂધ પીનારા લોકો, જે ઉપવાસ ન કરતા અને ચર્ચના કર્મકાંડનો વિરોધ કરીને કેવળ બાઈબલના ઉપદેશોને જ અનુસરતા). આ બધા પંથોમાં મને ઊંચી નૈતિકતા અને ઊંડી શ્રદ્ધા ધરાવનારા લોકો મળ્યા. હું આ બધા લોકોનો ભાઈ બની રહેવા માગતો હતો.
પણ શું થયું? જે ધર્મસિદ્ધાંત મને એવું વચન આપતો હતો કે પ્રેમ અને શ્રદ્ધાના તાંતણે હું સમગ્ર માનવજાત સાથે જોડાઈ શકીશ એ જ સિદ્ધાંતના મોટામોટા પ્રતિનિધિઓ મને એવું કહેતા હતા કે અમારા (રશિયન ઓર્થોડોક્સ ચર્ચ) સિવાયના (અન્ય ખ્રિસ્તી) પંથના લોકો ખોટું જીવી રહ્યા છે અને એમનામાં જે શક્તિ છે એ તો શેતાનના પ્રલોભનની શક્તિ છે. અમારા પંથવાળા લોકો અન્યપંથીઓને વિધર્મી અંધશ્રદ્ધાળુ ગણાવતા હતા અને સામે પક્ષે અન્ય પંથવાળાઓ અમારા પંથને વિધર્મી અંધશ્રદ્ધાળુ ગણાવતા હતા.
***
સાવ જ જુદા ધર્મો વચ્ચે તો ઠીક, એક જ ધર્મમાંથી ફંટાયેલા વિવિધ સંપ્રદાયો વચ્ચેના આંતરવિગ્રહો જગતમાં ચોતરફ જોવા મળી રહ્યા છે. આપણે સાચા અને બાકીના લોકો ખોટા એવી વૃત્તિ સર્વવ્યાપી છે. આવામાં સવાલ એ થાય કે ધર્મ જો મનુષ્યને જોડવાની વાત કરતો હોય તો પછી એ મનુષ્યો વચ્ચેની તિરાડનું કારણ કઈ રીતે બની શકે? આ સાદા સવાલ વિશે ટોલ્સ્ટોયે ઘણું વિચાર્યું. થોડું આપણે પણ વિચારીએ. (ક્રમશઃ)
