ડિયર લીડર્સ, આમ તો તમે તમારી સંસ્થાને સફળતાની ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત પ્રત્નશીલ રહો જ છો, પરંતુ શું તમે જાણો છો કે તમારી સંસ્થાની સફળતા માત્ર તમારા નિર્ણયો પર જ નહીં.
પરંતુ તમે તમારાં સંસાધનોનું એટલે કે રિસોર્સીસનું કેવી રીતે સંચાલન કરો છો તેના પર પણ આધાર રાખે છે. મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપન વિશે જે સલાહ આપે છે, તે આજના લીડર માટે પણ એટલી જ મહત્ત્વની છે. ભીષ્મ કહે છે કે સંસ્થાનાં સંસાધનો ધન, માનવબળ અને અન્ય સાધનોનું સમજદારીપૂર્વક સંચાલન એ સફળ લીડરની ઓળખ છે. આ સલાહને આધુનિક મેનેજમેન્ટના દૃષ્ટિકોણથી સમજીએ અને જાણીએ કે તમે એક લીડર તરીકે તેને કેવી રીતે અમલમાં મૂકી શકો.
સૌથી પહેલાં ભીષ્મ ભારપૂર્વક કહે છે કે સંસ્થાના ખજાનાને સશક્ત રાખવો એ લીડરની પ્રાથમિક જવાબદારી છે, પરંતુ આનો અર્થ એ નથી કે તમે તમારા કર્મચારીઓ કે ગ્રાહકો પર અતિશય દબાણ નાખો. ભીષ્મની આ સલાહ આજના નાણાકીય વ્યવસ્થાપનના સિદ્ધાંતો સાથે સીધી રીતે જોડાયેલી છે. એક લીડર તરીકે તમારે બજેટનું યોગ્ય આયોજન કરવું જોઈએ, જેમાં આવક અને ખર્ચનું સંતુલન જળવાઈ રહે. તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે સંસ્થાની નાણાકીય સ્થિતિ મજબૂત રહે, પરંતુ આ પ્રક્રિયામાં તમે તમારી ટીમની નૈતિકતા કે ગ્રાહકોનો વિશ્વાસ ન જોખમાવો. ઉદાહરણ તરીકે, જો તમે ખર્ચ ઘટાડવા માટે અયોગ્ય રીતે કર્મચારીઓની સંખ્યા ઘટાડો કે ગુણવત્તા સાથે સમાધાન કરો, તો તે લાંબા ગાળે સંસ્થાને નુકસાન પહોંચાડી શકે છે, તેથી નાણાકીય નિર્ણયો લેતી વખતે હંમેશાં ટકાઉ અને નૈતિક અભિગમ અપનાવો.
બીજું, ભીષ્મ ખાદ્ય સંસાધનોના વ્યવસ્થાપન પર ભાર મૂકે છે, જે આજના સંદર્ભમાં સંસ્થાના ભૌતિક સંસાધનો જેમ કે ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કાચા માલ સાથે સરખાવી શકાય. એક લીડર તરીકે તમારે ખાતરી કરવી જોઈએ કે આ સંસાધનોનો ઉપયોગ એવી રીતે થાય કે તેનો વ્યય ન થાય અને સંસ્થાની ઉત્પાદકતા વધે. ઉદાહરણ તરીકે, જો તમારી સંસ્થા ઉત્પાદન ક્ષેત્રમાં છે, તો કાચા માલનો બગાડ ઘટાડવા માટે લીન મેનેજમેન્ટ ટેક્નિક અપનાવી શકાય. આ રીતે તમે ખર્ચ ઘટાડી શકો છો અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. ભીષ્મનો આ ઉપદેશ તમને શીખવે છે કે સંસાધનોનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો એ માત્ર ખર્ચ બચાવવા માટે જ નહીં, પરંતુ સંસ્થાની લાંબા ગાળાની સ્થિરતા માટે પણ જરૂરી છે.
માનવબળનું વ્યવસ્થાપન એ ભીષ્મની સલાહનો ત્રીજો અને સૌથી મહત્ત્વનો ભાગ છે. એક લીડર તરીકે તમારી ટીમ તમારી સૌથી મોટી સંપત્તિ છે. ભીષ્મ કહે છે કે લીડરે તેના કર્મચારીઓની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, જેથી દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર સંસ્થાને યોગદાન આપી શકે. આધુનિક મેનેજમેન્ટમાં આને ટેલેન્ટ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. તમારે તમારી ટીમના સભ્યોની કુશળતા, અનુભવ અને રુચિઓને ઓળખીને તેમને યોગ્ય ભૂમિકાઓ સોંપવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી સર્જનાત્મક કાર્યમાં નિષ્ણાત હોય, તો તેને એડમિનિસ્ટ્રેટિવ કામમાં ન નાખો. આનાથી ન માત્ર તેની ઉત્પાદકતા વધશે, પરંતુ તેનો જોશ અને સંસ્થા પ્રત્યેની વફાદારી પણ વધશે.
ભીષ્મની સલાહમાં એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે લીડરે સંસાધનોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે તે લોકોનાં હિતોને નુકસાન ન પહોંચાડે. આજના સંદર્ભમાં આનો અર્થ એ થાય કે તમારે તમારા કર્મચારીઓ, ગ્રાહકો અને અન્ય સ્ટોકહોલ્ડર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે નફો વધારવા માટે કર્મચારીઓના વેતનમાં કાપ મૂકો, તો તેનાથી તેમનું મનોબળ ઘટશે અને સંસ્થાની પ્રતિષ્ઠા પર અસર થશે. તેના બદલે તમે ખર્ચ ઘટાડવા માટે નવીન ટેક્નોલોજી અપનાવી શકો છો કે પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવી શકો છો. આ રીતે તમે સંસાધનોનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરી શકો છો અને સાથે સાથે તમારી ટીમનો વિશ્વાસ પણ જાળવી શકો છો.
લીડરે સંસાધનોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે તે ભવિષ્યની જરૂરિયાતોને પણ પૂરી કરી શકે. આધુનિક ભાષામાં આને ટકાઉ વિકાસ (Sustainability) કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારી સંસ્થાનાં નાણાકીય સંસાધનોનો ઉપયોગ ફક્ત ટૂંકા ગાળાના લાભો માટે કરશો, તો ભવિષ્યમાં તમે આર્થિક સંકટનો સામનો કરી શકો છો. તેના બદલે તમારે એવું આયોજન કરવું જોઈએ કે જેમાં રોકાણ, નવીનતા અને રિઝર્વ
ફંડનો સમાવેશ થાય. આ જ રીતે માનવબળના સંદર્ભમાં તમારે તમારી ટીમની ક્ષમતાઓને વધારવા માટે તાલીમ અને વિકાસના કાર્યક્રમોમાં રોકાણ કરવું જોઈએ. આનાથી તમારી સંસ્થા ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશે.
આ ઉપરાંત ભીષ્મ એ પણ ભારપૂર્વક કહે છે કે લીડરે સંસાધનોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે તેનાથી સંસ્થાની પ્રતિષ્ઠા અને વિશ્વાસ જળવાઈ રહે. આજના વ્યાવસાયિક વિશ્વમાં આનો અર્થ એ થાય કે તમારે તમારી સંસ્થાનાં મૂલ્યો અને નીતિઓને અનુસરવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે પર્યાવરણને અનુકૂળ વ્યવસાય ચલાવો છો, તો તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારાં સંસાધનોનો ઉપયોગ એવી રીતે થાય કે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે. આનાથી ન માત્ર તમારી સંસ્થાની પ્રતિષ્ઠા વધશે, પરંતુ ગ્રાહકો અને સમાજનો વિશ્વાસ પણ મળશે.
ઈનશોર્ટ, ભીષ્મની સલાહ તમને એ શીખવે છે કે સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન એ માત્ર એક ટેક્નિકલ કાર્ય નથી, પરંતુ એક નૈતિક જવાબદારી છે. એક લીડર તરીકે તમારે તમારાં સંસાધનોનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જે સંસ્થાની વૃદ્ધિ, કર્મચારીઓનું કલ્યાણ અને સમાજનાં હિતોને સંતુલિત કરે. ભીષ્મનો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે, જેટલો તે મહાભારતના સમયમાં હતો. તો હે લીડર, તમારાં સંસાધનોનું સંચાલન સમજદારી અને નૈતિકતા સાથે કરો, કારણ કે આ જ તમારી સંસ્થાને લાંબા ગાળે સફળ બનાવશે.
