1989માં તેલુગુમાં (અને 1990માં હિન્દીમાં) આવેલી નાગાર્જુન અભિનીત અને રામ ગોપાલ વર્મા નિર્દેશિત બ્લોકબસ્ટર ફિલ્મ `શિવા' 14મી નવેમ્બરે નવા સાઉન્ડ સાથે ફરીથી રિલીઝ થઇ. તેને હિન્દી દર્શકો માટે પણ ડબ કરવામાં આવી છે. `શિવા'ની જ્યારે 1990માં હિન્દી રિમેક કરવામાં આવી હતી, ત્યારે તેમાં તેલુગુ વર્ઝનની સરખામણીમાં સંગીત, લંબાઈ અને અમુક કલાકારોમાં મામૂલી ફેરફાર કરવામાં આવ્યા હતા. એનો અર્થ એ થયો કે હવે હિન્દી દર્શકોને ઓરિજિનલ તેલુગુ `શિવા' પહેલીવાર હિન્દી ડબિંગ સાથે જોવા મળશે.
રામ ગોપાલ વર્માની કરિયર-બેસ્ટ (અને હિન્દી સિનેમાના ઈતિહાસમાં સીમાચિહ્ન) ફિલ્મ 1998માં આવેલી `સત્યા' ગણાય છે તે સાચું, પરંતુ ફિલ્મ નિર્માણની નવતર અને સાહસિક શૈલીની વાત છે ત્યાં સુધી તેમની `શિવા' આજે પણ અન્ય ફિલ્મકારો માટે સિલેબસ
જેવી છે.
વર્માએ `શિવા' સાથે બોલિવૂડમાં પગ મૂક્યો, ત્યારે તે અસંખ્ય એક્શન-ડ્રામા ફિલ્મોની ભીડમાં વધુ એકનો ઉમેરો નહોતો, તે કોલેજના ભ્રષ્ટાચાર સામે બેચેન યુવાનોનો એક એવો સશક્ત અવાજ હતો, જેણે વર્માનો પરંપરાથી હટીને દમદાર ફિલ્મો બનાવનારા એક સાહસિક નિર્દેશક તરીકેનો સિક્કો જમાવી દીધો હતો.
તેમણે આ ફિલ્મમાં વાર્તા કહેવાની એક નવી શૈલી રજૂ કરી હતી. તીવ્ર ગતિ, એક્શનની ક્રૂરતા, સ્ટીડીકેમેરાથી શૂટિંગ, કોલેજની રાજનીતિ અને હોરરની જેમ ખટકે તેવો માહોલ ઊભો કરતાં દૃશ્યો. આ પહેલાં હિન્દી સિનેમામાં શિવા (નાગાર્જુન) જેવા સહજ, કાચા અને આદર્શ વગરના હીરોને કોઈએ જોયો નહોતો.
એક ઇન્ટરવ્યૂમાં વર્મા કહે છે, `હું જ્યારે આટલાં વર્ષો પહેલાં બનાવેલી મારી આ ફિલ્મને જોઉં છું, ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ બીજાએ બનાવી હશે. આટલાં વર્ષોમાં હું ઘણો બદલાઈ ગયો છું અને આજે આ ફિલ્મ જોઈને મને યાદ આવે છે કે મેં કયો ખાસ શોટ લીધો અથવા કયો ખાસ કટ લીધો હતો. મને લાગે છે કે તે સમય માટે આ સંપૂર્ણ યોગ્ય ફિલ્મ હતી. તેનો વિષય, વિદ્યાર્થીઓની રાજનીતિ અને અસામાજિક તત્ત્વો તે સમયનાં હતાં અને આજે પણ તે પ્રાસંગિક છે.'
તેલુગુ અને હિન્દી દર્શકોમાં `શિવા'નો જબરદસ્ત પ્રભાવ પડ્યો તેનું કારણ એ હતું કે આ ફિલ્મ રામ ગોપાલ વર્માના કોલેજકાળના અનુભવમાં આવી હતી. હૈદરાબાદની એન્જિનિયરિંગ કોલેજમાં તેમણે આવાં તત્ત્વો અને મારામારીઓ જોઈ હતી. જેમ કે, ફિલ્મનો પહેલો સીન જેમાં કારમાંથી ઊતરીને ગુંડાઓ વિદ્યાર્થીઓ પર હુમલો કરે છે તેવી ઘટનાને વર્માએ કોલેજ બહાર જોઈ હતી.
વર્માએ તેનાં પાત્રોને પટકથા લખતી વખતે `સજાવ્યાં' નહોતાં, બલ્કે તેમને અસલી જીવનમાં હોય તે રીતે પ્રસ્તુત કર્યાં હતાં. પાછળથી તેઓ આ જ રીતે `સત્યા'નાં પાત્રોને રજૂ કરવાના હતા. તેમનો નાયક પરંપરાગત અર્થમાં `હીરો' નહોતો; તે એક સાધારણ વિદ્યાર્થી હતો અને સંજોગવશાત્ ગુંડાઓ સામે થઇ ગયો હતો. એવું જ વિલન `ભવાની'નું પાત્ર હતું (જેને તેલુગુ અભિનેતા રઘુવરને નિભાવ્યું હતું). તેના વિચાર-વ્યવહારમાં જ એટલી કાતિલ નિર્મમતા હતી કે દર્શકોને આપોઆપ શિવા પ્રત્યે સહાનુભૂતિ પેદા થઇ જાય.
તે વખતના અમિતાભ બચ્ચન જેવા વાળની સ્ટાઈલવાળા ભવાનીમાં અમિતાભના મેનરિઝમની પણ ઝલક હતી. તમે જો ધ્યાનથી જુઓ તો સત્યાનાં બીજ ભવાનીમાં જોવા મળે છે. તે અટકી અટકીને ઉપર જોઇને બોલતી વખતે તેની ગરદન બતાવતો હતો. એ એટલો દુબળો-પાતળો હતો કે કોઈ રીતે વિલન ન લાગે, પણ તેની ક્રૂરતા શરીરમાં નહીં, તેના વિચાર-વર્તનમાં હતી. એક સાધારણ હીરો અને એક દુબળો વિલન, પણ તેમના વિચારોમાં એટલી આક્રમકતા હતી અને `શિવા'એ દર્શકોને એટલા પ્રભાવિત કર્યા હતા કે દેશના મશહૂર કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણે તેના પર એક શાનદાર કાર્ટૂન બનાવ્યું હતું. તેમાં એક દુબળો-પાતળો માણસ બીજા માણસને ઢોર માર મારીને ચાલતી પકડે છે અને ઉપર એક પંક્તિ હતી, તેણે હમણાં જ શિવા જોઈ છે.
વર્માએ આ ફિલ્મ સ્ટીડીકેમ મારફતે શૂટ કરી હતી. નવાસવા વર્મા જ્યારે ફિલ્મ સ્ટુડિયોનાં ચક્કર કાપતા હતા, ત્યારે તેમણે એક વિદેશી પત્રિકામાં વાંચ્યું હતું કે પરદેશમાં દૃશ્યો વાસ્તવિક લાગે તે માટે હાથેથી પકડેલા સ્ટીડીકેમનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં કેમેરામેન પાત્રોની સાથે સાથે ચાલે અને શૂટ કરે. વર્માને આ વાત એટલી પસંદ આવી કે `શિવા'માં તેમણે પહેલીવાર આ પ્રયોગ કર્યો હતો. `શિવા' આવ્યા પછી ઘણા ફિલ્મકારોએ સ્ટીડીકેમ વાપર્યો હતો.
જેમ કે, `શિવા'માં પકડદાવનાં અથવા આગળ-પાછળનાં દૃશ્યોમાં એક જીવંત અહેસાસ થાય છે. દાખલા તરીકે, ફિલ્મનું સૌથી પ્રસિદ્ધ દૃશ્ય સાઈકલ-ચેઈન તોડવાનું છે. આ દૃશ્ય સ્ટીડીકેમથી શૂટ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સાઈકલની ચેઈન આ રીતે ન તૂટે, પણ વર્માએ જે રીતે તેને શૂટ કર્યું હતું તે પછી દર્શકો પણ માનતા થઇ ગયા હતા કે આવી રીતે સાઈકલની ચેઈનને હાથમાં ખેંચી શકાય!
વર્માએ ખુદ તેમના ઘરે આવી રીતે ચેન તોડવા પ્રયાસ કર્યો હતો અને એમાં એ સફળ રહ્યા નહોતા. એટલે જ તેમણે આ દૃશ્ય શૂટ કર્યું હતું, જેથી દર્શકોને વિશ્વાસ આવે કે આવું પણ થઇ શકે છે. જ્યારે નાયક શિવા તેના સાથીઓ પર હુમલો કરનાર ગુંડાઓનો સામનો કરે છે અને સાઇકલની ચેઇન કાઢી હથિયાર બનાવી લે છે, ત્યારે કેમેરો તેની દરેક હરકત સાથે ચાલે છે. હીરોનું કોઈ કોઈ સ્લો-મોશન કે ડ્રામેટિક એંગલ નહીં- જમીન સાથે જોડાયેલ, વાસ્તવિક ચાલ.
મૂળ પટકથામાં આ દૃશ્ય નહોતું. વર્મા યાદ કરે છે: `મારા નિર્માતા વેંકટે મને કંઈક અલગ વિચારવા કહ્યું હતું અને એક સામાન્ય વાતચીત દરમિયાન આ વિચાર આવ્યો હતો. મને આશા નહોતી કે આ દૃશ્ય એટલું પ્રતિકાત્મક બનશે. દર્શકોની પ્રતિક્રિયા જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો અને આ સિક્વન્સને આજે પણ 36 વર્ષ બાદ પણ યાદ કરવામાં આવે છે.'
સાચું. `શિવા' ફિલ્મને પણ એક સીમાચિહ્ન તરીકે 36 વર્ષ પછી પણ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મ રામ ગોપાલ વર્માની ક્ષમતાની સાબિતી આપી ગઈ હતી કે તેઓ કેવળ દૃશ્યો શૂટ કરવાવાળા નથી, પણ એક વિચારવંત નિર્દેશક છે. `શિવા' કહાની માત્ર નહોતી, કેમેરા, દૃશ્ય અને સાઉન્ડના ઉપયોગની એક ક્રાંતિ હતી. વર્માએ પહેલીવાર એ બતાવ્યું કે કેમેરા માત્ર દૃશ્યો રેકોર્ડ કરવાનું સાધન નથી, બલ્કે કહાની કહેતું એક જીવંત પાત્ર છે.
તેઓ કહે છે, `કેમેરાએ પણ એ કહાનીમાં મોજૂદ પાત્રની જેમ જ મહેસૂસ કરવું જોઈએ.' એટલા માટે ફિલ્મની દરેક ફ્રેમમાં કેમરા પણ પાત્રોની સાથે જ શ્વાસ લે છે. આ જ કારણ છે કે આજે 36 વર્ષ પછી પણ `શિવા'ની દરેક ફ્રેમ, તેની ગતિ અને તેની દૃશ્ય-સંવેદના યુવા ફિલ્મકારો માટે પ્રેરણારૂપ છે. `શિવા' ફિલ્મ દર્શાવે છે કે જ્યારે કેમેરા દિલની જેમ ધબકે છે, ત્યારે સિનેમા અમર બની જાય છે.
