1981માં આવેલી સંજય દત્તની ફિલ્મ `રોકી' દત્ત પરિવારમાં એક વિશેષ સ્થાન ધરાવે છે; સારી રીતે અને ખરાબ રીતે. સારી એ અર્થમાં કે સંજય દત્તની આ પહેલી ફિલ્મ હતી. પિતા સુનીલ દત્ત તેમના દીકરાને એક્ટિંગના વ્યવસાયમાં ઝંપલાવવા માટે એક સશક્ત સ્પ્રિંગ-બોર્ડ આપવા માંગતા હતા. `રોકી' એ સ્પ્રિંગ-બોર્ડ હતું અને સફળ.   

બીજું, માતા નરગિસ પેન્ક્રિયાટિક કેન્સરની અસાધ્ય બીમારીમાં મરણપથારીએ હતી અને મરતાં પહેલાં સંજુની પહેલી ફિલ્મ જોવા માંગતી હતી. નરગિસે કહ્યું હતું કે તે જરૂર પડશે તો સ્ટ્રેચર પર થિયેટરમાં આવશે. એવું ન થયું.   

સુનીલ દત્તે `રોકી'ને બનાવી જ હતી એ રીતે કે નરગિસ તેને જોઈ શકે. સંજય પણ તેની મરતી માને એ સાબિતી આપવા માંગતો હતો કે તે સ્ટાર બની ગયો છે. એ અર્થમાં આ ફિલ્મ દત્ત પરિવારની સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી હતી. સુનીલ દત્તે એમાં બધી તાકાત હોમી દીધી હતી.  

`રોકી' નામની પ્રેરણા તો હોલિવૂડ એક્શન હીરો સિલ્વેસ્ટર સ્ટેલોનની 1976માં આવેલી `રોકી' ફિલ્મ હતી. નામનો અર્થ ચટ્ટાન થાય છે. ફિલ્મમાં રોકી બાલ્બોઆ બોક્સિંગ ચેમ્પિયન છે. કેવું કહેવાય કે તન-મનથી નબળા સંજય દત્તને તેના પિતા એક ચટ્ટાન જેવા હીરો તરીકે પ્રસ્તુત કરવા માંગતા હતા અને તેમાં તે નિષ્ફળ જવાના હતા, કારણ કે સંજય તે પછી સિલસિલેવાર ટ્રેજેડીઓનો ભોગ બનવાનો હતો.  

ફિલ્મ સાથે કડવી યાદો પણ જોડાયેલી છે. ફિલ્મ 8 મે, 1981ના દિવસે રિલીઝ થઇ તેના ચાર દિવસ પહેલાં જ એટલે કે 3 મેના રોજ નરગિસે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શ્વાસ છોડી દીધા. પત્નીને સાજી કરવાના દત્ત સાહેબના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. તેમની ઉંમર 51 વર્ષની હતી. ચાર દિવસ પછી `રોકી'નું પ્રીમિયર હતું. તેમાં નરગિસની ખુરશીને ખાલી રાખવામાં આવી હતી. બાપ-દીકરા બંને એ સીટની આજુબાજુ બેઠા હતા. ન તો સુનીલ દત્ત પત્નીને આપેલું વચન નિભાવી શક્યા, ન તો 21 વર્ષનો સંજુ માની આંખમાં એ સંતોષ જોઈ શક્યો.  

દત્ત પરિવારમાં ટ્રેજેડીની આ શરૂઆત હતી. નરગિસની તબિયત એક વર્ષથી બગડેલી હતી. 2 ઓગસ્ટ, 1980ના રોજ તેઓ દિલ્હીમાં રાજ્યસભાના સત્રમાં હાજરી આપવા ગયાં હતાં ત્યાં અચાનક બીમાર પડી ગયાં હતાં. 15 દિવસના ટેસ્ટ પછી પેન્ક્રિયાટિક કેન્સરનું નિદાન થયું. તેમને તાત્કાલિક ન્યૂયોર્ક લઇ જવાયાં. ત્યાં સારવાર ન થઇ. પાછાં મુંબઈ લાવવામાં આવ્યાં અને બ્રીચ કેન્ડીમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યાં તે કોમમાં ચાલ્યાં ગયાં. પછી પાછાં ન આવ્યાં.   

દત્ત પરિવારની આ એક વર્ષની દોડધામ કહો કે ખરાબ સંગત કહો, સંજય દત્ત ડ્રગ્સનો બંધાણી થઇ ગયો હતો અને નરગિસના ચાલ્યા ગયા પછી `એકલવાયો' સંજય એ બરબાદીમાં વધુ ને વધુ ઊંડો ઊતરતો ગયો. પત્નીને બચાવવા માટે આકાશ-પાતાળ એક કરનારા સુનીલ દત્તના થાકેલા ખભા પર જુવાનજોધ દીકરાને બચાવવાની જવાબદારી આવી પડી હતી.  

`રોકી' ફિલ્મમાં સંજયની ભૂમિકા એક એવા યુવાન(રાકેશ)ની હતી, જેના પિતાના અકાળ મૃત્યુથી તેને કારમો આઘાત લાગે છે અને જ્યારે પણ તેની માતા તેની નજીક આવે છે ત્યારે રાકેશમાં તે આઘાત જીવંત થાય છે એટલે માતાને તેની પાસે નથી આવવા દેવાતી અને રાકેશને દત્તક આપવામાં આવે છે, જ્યાં તે રોકી તરીકે મોટો થાય છે.  

મોટા થયા પછી એને ખબર પડે છે કે તેના પિતાની હત્યા કરવામાં આવી હતી એટલે તે બદલો લેવા માટે મેદાને પડે છે. વાર્તામાં ખાસ કોઈ નવીનતા નહોતી, પરંતુ ફિલ્મની રિલીઝ વખતે જ નરગિસનું મૃત્યુ પામવું સિનેમા દર્શકોમાં સહાનુભૂતિ ઊભી કરી ગયું હતું.   

સંજય અને સુનીલ દત્ત પિતા-પુત્ર તરીકે પહેલીવાર સાથે `રોકી'માં આવ્યા હતા. બીજી વાર `મુન્નાભાઈ એમબીબીએસ'માં. સંજય દત્તમાં ફિલ્મસ્ટાર હોવાના કોઈ `ગુણ' નથી, તે `રોકી' વખતે જ દેખાતું હતું. ન તો તેનામાં એવી આત્મવિશ્વાસ ભરેલી ચાલ છે, ન તો બોલવાની છટા કે ન તો એવો દેખાવ. તે એક સ્થાયી રૂપે મૂંઝવણમાં મુકાયેલા માનસિક રીતે અર્ધવિકસિત બાળક જેવો દેખાય છે.  

તેમ છતાં કમાણીની દૃષ્ટિએ `રોકી' એ વર્ષની દસમી સફળ ફિલ્મ હતી. સુનીલ દત્તે જ તેનું નિર્દેશન કર્યું હતું (રાહુલ રવૈલ મતભેદ થતાં અધવચ્ચે છોડી ગયા હતા). ફિલ્મનાં લોકેશન્સ, એક્શન સીન, ડાન્સ સિક્વન્સ, સિનેમેટોગ્રાફી અને અલબત્ત આર.ડી. બર્મનનું સંગીત બધું જ ઉત્કૃષ્ઠ હતું.  

પરંતુ સંજય `રોકી'ની સફળતા પચાવી શકવા માટે સક્ષમ નહોતો. ફિલ્મમાં જેમ તે એક આઘાતનો ભોગ બનેલો યુવાન હતો, અસલ જીવનમાં પણ તે ડ્રગ્સની લત અને માતાના અવસાનથી વ્યથિત એક દિશાવિહીન યુવાન હતો. ફિલ્મ જોયા વગર જ મા જતી રહી તેના દુઃખમાં તે ડ્રગ્સમાં વધુ ખૂંપી 

ગયો હતો.  

તેને યાદ કરીને સંજયે એકવાર કહ્યું હતું, `બદનસીબે, ફિલ્મ ખાસ ચાલી નહોતી, પણ તે વખતે અમારું તેના પર ધ્યાન પણ નહોતું. અમે બધા મમ્મીના જવાના આઘાતમાં હતા.'  

સંજય માનો લાડકો હતો અને એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે નરગિસે તેને નાનપણમાં વધુ પડતા જ લાડ લડાવ્યા હતા. ત્યાં સુધી કે સુનીલ દત્તે તેને `મજબૂત' થવા માટે હોસ્ટેલમાં મૂકી દીધો હતો અને સંજય ત્યાંથી પણ ઘરે આવતો રહ્યો હતો. દત્ત સાહેબ તેને બગીચામાં દીવાલો પર અને ઝાડ પર ચઢવાની ફરજ પાડતા હતા. નરગિસનું જવું તેના માટે અસહ્ય હતું.  

સંજય દત્તની નાની બહેન પ્રિયા દત્તે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એ દિવસો પર પ્રકાશ ફેંક્યો છે. તે કહે છે, `સંજુની ડ્રગ્સની લત મા બીમાર હતી ત્યારે શરૂ થઇ હતી. અમે બધાં માની પાછળ વ્યસ્ત હતાં. ઘરે તેના પર નજર રાખવાવાળું કોઈ નહોતું. મમ્મીનું જતાં રહેવું તેને ભારે પડી ગયું હતું. ભાઈને ડ્રગ્સમાંથી બહાર આવતાં ત્રણ-સાડા ત્રણ વર્ષ લાગ્યાં હતાં.'  

તેને અમેરિકામાં એક રિહેબિલિટેશન સેન્ટરમાં નવ મહિના સુધી એકલો જ રાખવામાં આવ્યો હતો. તે બોલતો નહોતો. કાઉન્સિલરો મોકો શોધતા હતા કે તે મોઢું ખોલે. કાઉન્સિલરોએ દત્ત સાહેબ સમક્ષ તેમની ચિંતા જાહેર કરી, તો તેમને ખ્યાલ આવી ગયો અને તેમણે તરત જ નરગિસે તેના અવાજમાં દીકરા માટે રેકોર્ડ કરી રાખેલો મેસેજ મોકલી આપ્યો.  

કાઉન્સિલિંગ સેશન્સ દરમિયાન તેમણે મેસેજ વગાડ્યો. એ સાંભળીને સંજુ ભાંગી પડ્યો. કાઉન્સિલરોને આ જ જોઈતું હતું. તે પછી તેની સારવાર પાટા પર ચઢી. પાછળથી તે એકરાર કરવાનો હતો કે, `હું અંદરથી બહુ વ્યથિત હતો અને ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો. એમાં મારાં નવ વર્ષ બરબાદ થઇ ગયાં.'  

એ પછી પણ તેના જીવનમાં ટ્રેજેડીઓ આવતી રહેવાની હતી. તેને સ્ટાર લોકો સાથે નહીં, પણ ડ્રાઈવરો-મેકઅપ મેન જેવા સાધારણ લોકો સાથે વધુ ફાવતું હતું. એમાં જ એ મુંબઈના ટપોરીઓની સંગતમાં આવ્યો હતો, જે તેને 

અંતત: મુંબઈ બોમ્બ વિસ્ફોટના કાવતરામાં અને જેલમાં લઇ જવાની હતી. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો