બ્રિટનના ગ્લૉસ્ટરશાયર શહેરમાં શાંત જણાતા 25 ક્રોમવેલ સ્ટ્રીટના મકાનની દીવાલો પાછળ એવાં રહસ્યો દફન હતાં, જે સાંભળીને ભલભલાનું કલેજું કંપી જાય.

આ એ સરનામું છે જ્યાં માનવતાનું લોહી રેડાયું હતું અને જ્યાં નૈતિકતાના તમામ સીમાડાઓ ઓળંગી દેવામાં આવ્યા હતા. આ ભયાનક ખેલની મુખ્ય સૂત્રધાર હતી રોઝમેરી પાઉલીન લેટ્સ, જેનો જન્મ 29 નવેમ્બર, 1953ના રોજ થયો હતો. રોઝમેરીનું બાળપણ કોઈ સામાન્ય બાળકની જેમ નિર્દોષ નહોતું. તેના પિતા માનસિક રીતે અસ્થિર હતા અને ઘરમાં સતત ભયનું વાતાવરણ રહેતું. આ જ અસ્થિરતાએ રોઝમેરીના માનસમાં એક એવી વિકૃતિનાં બીજ વાવ્યાં જે ભવિષ્યમાં આખા દેશને હચમચાવી દેવાનાં હતાં, પરંતુ રોઝમેરીની જિંદગીનો સૌથી કાળો અધ્યાય ત્યારે શરૂ થયો, જ્યારે તે 1969માં માત્ર 15 વર્ષની વયે ગ્લૉસ્ટરના એક બસસ્ટોપ પર 27 વર્ષના એક યુવાન ફ્રેડ વેસ્ટને મળી. ફ્રેડ પહેલાંથી જ એક રીઢો ગુનેગાર હતો અને તેના મનમાં કામવાસના અને હિંસાનો અજીબ સંગમ હતો.

ફ્રેડ અને રોઝમેરીની આ મુલાકાત માત્ર બે પ્રેમીઓનું મિલન નહોતું, પણ એક એવા લોહિયાળ ગુનાની શરૂઆત હતી, જેણે આગામી બે દાયકા સુધી માનવતાને શરમાવી દીધી. ફ્રેડ અને રોઝની જોડીએ મળીને સામાજિક મર્યાદાઓ અને નૈતિકતાના તમામ ચીંથરેહાલ ઉડાડી દીધા હતા. 1970માં રોઝમેરી ફ્રેડની સાથે રહેવા આવી ગઈ. આ એ સમય હતો જ્યારે ફ્રેડની પ્રથમ પત્ની કેથરિન કોસ્ટેલો અને તેની દીકરી શર્મૈન વેસ્ટ ગાયબ થઈ ગયાં હતાં. વર્ષો પછી બહાર આવ્યું કે ફ્રેડે પોતે જ તેમની હત્યા કરી દીધી હતી, પરંતુ રોઝમેરીએ આ સત્ય જાણ્યા પછી પણ ફ્રેડનો સાથ છોડવાને બદલે તેની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હિસ્સેદાર બનવાનું નક્કી કર્યું. 1971માં રોઝમેરીએ તેની પ્રથમ પુત્રી હીધરને જન્મ આપ્યો અને 1972માં તેણે ફ્રેડ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી આ દંપતીએ 25 ક્રોમવેલ સ્ટ્રીટમાં પોતાનું રહેઠાણ બનાવ્યું, જે ટૂંક સમયમાં જ `હાઉસ ઓફ હોરર્સ' તરીકે ઓળખાવાનું હતું.

1970ના દાયકા દરમિયાન રોઝમેરી અને ફ્રેડે તેમના ઘરને એક ટોર્ચર ચેમ્બરમાં ફેરવી દીધું હતું. તેમની મોડસ ઓપરેન્ડી અત્યંત વિચિત્ર અને બિહામણી હતી. તેઓ હાઈવે પરથી એકલી જતી યુવતીઓને લિફ્ટ આપવાના બહાને ગાડીમાં બેસાડતાં. રોઝમેરી પોતે જ ગાડીમાં હોવાને કારણે યુવતીઓ લિફ્ટ લેવામાં સુરક્ષા અનુભવતી અને તેમના પર વિશ્વાસ કરી લેતી. ઘરે લઈ આવ્યા પછી તે યુવતીઓને બંધક બનાવવામાં આવતી, તેમનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું અને અંતે તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવતી.

1973માં 18 વર્ષની લિન્ડા ગફ નામની યુવતી ગાયબ થઈ, જે રોઝમેરીના ઘરે ભાડૂઆત તરીકે રહેતી હતી. તેની હત્યા કર્યા પછી તેના કપડાં રોઝમેરી પોતે પહેરતી હતી, જે તેની વિકૃત માનસિકતાનો પુરાવો હતો. લિન્ડાના અવશેષો દાયકાઓ પછી તે ઘરના બાથરૂમના ફ્લોર નીચેથી મળી આવ્યા હતા.

રોઝમેરીની ક્રૂરતા માત્ર અજાણ્યા લોકો પૂરતી સીમિત નહોતી. તેણે પોતાની જ સાવકી દીકરી શર્મૈન વેસ્ટની હત્યા ત્યારે કરી હતી જ્યારે તેનો પતિ ફ્રેડ જેલમાં હતો. 1971માં આઠ વર્ષની શર્મૈન અચાનક ગાયબ થઈ ગઈ અને રોઝમેરીએ પાડોશીઓને કહ્યું કે તે તેની માતા પાસે ગઈ છે. વાસ્તવમાં રોઝમેરીએ બાળકીને અસહ્ય ત્રાસ આપીને મારી નાખી હતી અને તેને રસોડાના ફ્લોર નીચે દફનાવી દીધી હતી. જેમ જેમ વર્ષો વીતતાં ગયાં, તેમ તેમ આ મકાનના બગીચામાં અને ભોંયરામાં લાશોની સંખ્યા વધતી ગઈ. 1974માં લ્યુસી પાર્ટિંગ્ટન 1975માં જુઆનિતા મોટ અને 1978માં થેરેસ સિગ્નેટ જેવી અનેક યુવતીઓ આ માનવભક્ષી દંપતીનો શિકાર બની. દરેક વખતે રોઝમેરી પોલીસને મૂર્ખ બનાવવામાં અને શિકારને ફસાવવામાં સફળ રહેતી.

ક્રોમવેલ સ્ટ્રીટમાં રોઝમેરીનું વર્ચસ્વ એટલું હતું કે તે ઘરના દરેક ખૂણા પર નજર રાખતી હતી. તે માત્ર ફ્રેડની પાર્ટનર ઇન ક્રાઇમ નહોતી, પણ ઘણીવાર તે પોતે જ હિંસાની શરૂઆત કરતી. 1979થી 1980ના ગાળામાં આ દંપતીએ કેરોલ એન સ્ટીફન્સ નામની 15 વર્ષની કિશોરીને પોતાનો શિકાર બનાવી. કેરોલને તેના ઘરની નજીકથી ઉપાડી લેવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર જાતીય અત્યાચાર ગુજારી તેને અસહ્ય યાતનાઓ આપીને મારી નાખવામાં આવી હતી. રોઝમેરીની આંખોમાં દયાનું એક ટીપું પણ નહોતું. તે જે રીતે યુવતીઓને ફસાવતી અને પછી તેમના પર અત્યાચાર ગુજારતી, તે જોઈને લાગે કે તે કોઈ શેતાની શક્તિના પ્રભાવમાં હતી. તે ઘરની દરેક દીવાલ જાણે ચીસો પાડી રહી હતી, પણ બહારની દુનિયા માટે તે માત્ર એક સામાન્ય પરિવાર હતો, જેમના ઘરે અવારનવાર નવા મહેમાનો આવતા રહેતા હતા.

1980ના દાયકાના મધ્યમાં આ અત્યાચારોની સીમા ત્યારે ઓળંગી ગઈ જ્યારે શર્લી રોબિન્સન નામની 18 વર્ષની યુવતી તેમના સંપર્કમાં આવી. શર્લી તે સમયે ગર્ભવતી હતી અને નવાઈની વાત એ હતી કે તે રોઝમેરીના પતિ ફ્રેડ વેસ્ટના જ બાળકને જન્મ આપવાની હતી. રોઝમેરીને જ્યારે આ વાતની જાણ થઈ, ત્યારે તેની ઈર્ષ્યા અને ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે અને ફ્રેડે મળીને મે 1990માં શર્લીની હત્યા કરી અને તેની લાશને પણ એ જ મકાનમાં દફનાવી દીધી. હવે રોઝમેરી માટે જીવ લેવો એ કોઈ રમત સમાન બની ગયું હતું.

1987માં આ વાર્તામાં સૌથી મોટો વળાંક આવ્યો જ્યારે રોઝમેરીની પોતાની દીકરી હીધર વેસ્ટ ગાયબ થઈ ગઈ. હીધરે તેનાં માતા-પિતા દ્વારા થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. 16 વર્ષની હીધરને રોઝમેરી અને ફ્રેડે મળીને ગળું દબાવીને મારી નાખી અને બગીચાના એક ખૂણે દફનાવી દીધી. જ્યારે પડોશીઓએ હીધર વિશે પૂછ્યું, ત્યારે રોઝમેરીએ ઠંડા કલેજે જવાબ આપ્યો કે તે કોઈ હોટલમાં કામ કરવા બહાર ગઈ છે. વર્ષો સુધી હીધરના ગાયબ થવા પાછળનું રહસ્ય અકબંધ રહ્યું, પરંતુ રોઝમેરીના પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો હતો. 1992માં જ્યારે પોલીસ અન્ય એક તપાસના સંદર્ભમાં આ ઘર પર આવી અને

રોઝમેરીની અન્ય પુત્રીઓએ તેમની સાથે થતા જાતીય શોષણની ફરિયાદ કરી, ત્યારે તપાસની દિશા બદલાઈ.

જ્યારે પોલીસ તપાસ તેમના ઘર સુધી પહોંચી, ત્યારે રોઝમેરીએ અત્યંત ઠાવકાઈથી બધું નકારવાનો પ્રયાસ કર્યો. તે સમયે ગ્લૉસ્ટરશાયર પોલીસને અંદાજ પણ નહોતો કે તેઓ બ્રિટનના ઇતિહાસના સૌથી ભયાનક કબ્રસ્તાન ઉપર ઊભા છે. 24 ફેબ્રુઆરી, 1994ના રોજ જ્યારે પ્રથમ હાડપિંજર મળ્યું, ત્યારે તપાસકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. રોઝમેરી સતત પોલીસને ગેરમાર્ગે દોરતી રહી કે આ બધું ફ્રેડે કર્યું છે અને તેને કશી ખબર નથી, પરંતુ ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે કેટલીક હત્યાઓ તો ત્યારે થઈ હતી જ્યારે ફ્રેડ જેલમાં હતો અથવા તો ઘરથી દૂર હતો. તેનો અર્થ એ થયો કે રોઝમેરી પોતે જ મુખ્ય ખૂની હતી. તપાસના દરેક તબક્કે રોઝમેરીએ જે રીતે ઠંડા કલેજે જૂઠું બોલવાનું ચાલુ રાખ્યું તે જોઈને અનુભવી પોલીસ અધિકારીઓ પણ હેરાન હતા. તેણે હીધરની હત્યાની વાત સ્વીકારવાને બદલે એવો દાવો કર્યો કે હીધર તો ભાગી ગઈ છે અને કદાચ લેબનોનમાં કોઈની સાથે મજા કરી રહી છે. આ પ્રકારની નિર્દયતા તેની મૌલિક ઓળખ બની ગઈ હતી.

જેમ જેમ મકાનમાં શોધખોળ અને ખોદકામ આગળ વધ્યું, તેમ તેમ ઘરના ભોંયરામાંથી અને કોંક્રિટના સ્તરો નીચેથી નીકળતી લાશોએ ફોરેન્સિક વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા. લ્યુસી પાર્ટિંગ્ટન જેવી તેજસ્વી વિદ્યાર્થિની જે 1973ના ક્રિસમસની રાત્રે ગાયબ થઈ હતી, તેના અવશેષો જોઈને તેના પરિવારે 20 વર્ષ પછી જે આઘાત સહન કર્યો તે કલ્પનાતીત હતો. રોઝમેરી આ હત્યાઓમાં માત્ર સાક્ષી નહોતી, પણ પીડિતોને બાંધવા, તેમને ટોર્ચર કરવા અને છેલ્લે પુરાવાનો નાશ કરવા માટે કોંક્રિટ મિશ્ર કરવામાં પણ તે સહભાગી હતી. આ ઘર એક કસાઈખાના જેવું બની ગયું હતું, જ્યાં રોઝમેરી નક્કી કરતી કે કઈ યુવતી ક્યારે અને કેવી રીતે મરશે.

કોર્ટના ટ્રાયલ દરમિયાન રોઝમેરીના વકીલોએ તેને એક `પીડિત પત્ની' તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ફ્રેડના ડરથી બધું કરતી હતી, પરંતુ જ્યારે રોઝમેરીના બચેલાં બાળકોએ સાક્ષી આપી, ત્યારે સત્યનો સૂરજ ઊગ્યો. બાળકોએ જણાવ્યું કે કેવી રીતે રોઝમેરી તેમને મારતી અને કલાકો સુધી અંધારા ઓરડામાં પૂરી રાખતી. સાક્ષીઓની જુબાની મુજબ રોઝમેરી સેડિસ્ટિક (બીજાને પીડા આપીને આનંદ મેળવનાર) વૃત્તિ ધરાવતી હતી. તેના મનમાં સ્ત્રીઓ પ્રત્યે એક અજીબ નફરત હતી, જેના કારણે તે પોતાની દીકરીઓ અને શિકાર બનેલી યુવતીઓ પર અત્યંત ક્રૂર પ્રયોગો કરતી હતી. તેનાં બાળકોની જુબાનીએ વાસ્તવિકતા રજૂ કરી કે કેવી રીતે રોઝમેરી તેમના પર જાતીય હુમલાઓ કરવા માટે ફ્રેડને પ્રોત્સાહિત કરતી હતી, જે એક માતા તરીકેના દરેક પવિત્ર સંબંધને લજવે તેવું હતું.

વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં ચાલેલા 7 અઠવાડિયાંના કેસ બાદ કોર્ટની જ્યૂરીએ માત્ર થોડા કલાકોની ચર્ચા પછી ચુકાદો આપ્યો. 1995માં રોઝમેરી વેસ્ટને 10 હત્યાઓના ગુનામાં સર્વાનુમતે દોષિત ઠેરવવામાં આવી. જજ જસ્ટિસ મૈન્ટેલે તેને `ક્યારેય બહાર ન આવી શકે તેવી' સજા આપતાં કહ્યું હતું કે તે સમાજ માટે કલંક છે. જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો, ત્યારે રોઝમેરીના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. તેણે જે રીતે હીધર, લિન્ડા, લ્યુસી અને અન્ય યુવતીઓના જીવનનો અંત આણ્યો હતો, તે સાંભળીને કોર્ટમાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સજા સંભળાવ્યા પછી પણ તેણે ક્યારેય પસ્તાવો વ્યક્ત કર્યો નથી કે ન તો ક્યારેય કોઈ માફી માંગી, જે સાબિત કરે છે કે તે અંદરથી કેટલી પથ્થર જેવી ક્રૂર હતી.

ફ્રેડ વેસ્ટે ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ ન્યૂ યરના દિવસે 1995માં જેલમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી, પરંતુ રોઝમેરી આજે પણ જેલના અંધકારમાં તેનાં પાપોની સજા ભોગવી રહી છે. 25 ક્રોમવેલ સ્ટ્રીટનું એ મકાન આજે તોડી પાડવામાં આવ્યું છે અને ત્યાં હવે એક જાહેર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે, જેથી તે કાળી યાદોને ભૂંસી શકાય. રોઝમેરી વેસ્ટની આ દાસ્તાન દુનિયાને એ યાદ અપાવે છે કે ક્યારેક સૌથી સામાન્ય દેખાતા ચહેરા પાછળ સૌથી ભયાનક રાક્ષસ છુપાયેલો હોય છે.