હાલમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. યુદ્ધ સમાપ્ત થવાની કોઈ સંભાવના દેખાઈ નથી રહી. એવામાં દરેક દેશ પોતાનાં શસ્ત્રો અત્યાધુનિક હોય એવી હોડમાં લાગ્યા છે. જોકે, યુદ્ધમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું સાધન ટેન્ક છે. દુનિયાભરના દેશોમાં સૌથી શક્તિશાળી ટેન્કમાંથી એક રશિયાની ટેન્ક T-14 આર્મટા છે.
શા માટે અત્યારે T-14 આર્મટા ચર્ચામાં છે?
આમ તો રશિયાની સૌથી મોંઘી ગણાતી આ ટેન્ક અત્યારે ચાલી રહેલ યુદ્ધમાં ઊતરવાથી બચાવાઇ છે, કારણ કે તે મોંઘી હોવાની સાથે એટલી સશક્ત છે કે, તેનો મર્યાદિત રીતે ઉપયોગ કરવો રશિયાને યોગ્ય લાગ્યું, જેથી આવનારા ભવિષ્યમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી શકે. રશિયાને તેની ટેક્નોલોજી ગુમાવવાનો પણ છુપો ભય રહેલો છે. T-14 આર્મટા વિશ્વની સૌથી આધુનિક ટેન્કોમાંથી એક માનવામાં આવે છે, કારણ કે તેમાં નવી પેઢીની ટેક્નોલોજી, ઓટોમેશન અને સુરક્ષા સિસ્ટમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેન્ક પ્રથમ વખત વર્ષ 2015માં મોસ્કોની વિક્ટરી ડે પરેડ દરમિયાન દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
T-14 આર્મટાની વિશેષતા શું છે?
T-14 આર્મટાની સૌથી મોટી ખાસિયત તેનો `અનમેન્ડ ટુરેટ' છે, એટલે કે તે કોઈ પણ ક્રૂ-મેમ્બર વગર જાતે ચાલી શકે છે. સામાન્ય રીતે ટેન્કમાં ગનર અને કમાન્ડર એક ટાવર જેવી રચનામાં બેસતા હોય છે, પણ અહીં T-14 આર્મટામાં સંપૂર્ણપણે સ્વયં સંચાલિત એટલે કે, ફુલ્લી ઓટોમેટેડ છે, જેમાં આગળના ભાગમાં ત્રણ સૈનિકો આર્મ્ડ કેપ્સ્યૂલમાં બેસે છે. જેના કારણે ક્રૂની સુરક્ષામાં વધારો થાય છે. જોકે, તેનામાં વપરાયેલ ટેક્નોલોજી વિરોધી દેશોની મિસાઇલોને અડધે રસ્તેથી જ અટકાવવામાં સક્ષમ છે. આ ઉપરાંત, ટેન્કમાં રડાર, થર્મલ સેન્સર અને ડિજિટલ ફાયર કંટ્રોલ સિસ્ટમ છે, જે તેને રાત્રે અથવા તો ખરાબ હવામાનમાં પણ અસરકારક બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટેન્ક રિમોર્ટ કંટ્રોલથી પણ ચાલી શકે છે. જોકે, આ ટેન્ક એટલી અત્યાધુનિક છે કે, તેની સુરક્ષા માટે અફઘાન એક્ટિવ પ્રોટેક્ટ સિસ્ટમ અને મલાકાઈટ રિએક્ટિવ આર્મર જેવી અદ્યતન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે.
T-14 આર્મટાની ઉપયોગિતાઓ
આ ટેન્કની ઉપયોગિતા મુખ્યત્વે આધુનિક યુદ્ધ માટે છે, જ્યાં ડ્રોન, મિસાઇલ અને સ્માર્ટ હથિયારોનો ખતરો વધી રહ્યો છે. T-14 આર્મટા એવી રીતે બનાવવામાં આવી છે કે તે નેટવર્ક આધારિત યુદ્ધમાં અન્ય સૈન્ય વાહનો અને કમાન્ડ સિસ્ટમ સાથે જોડાઈ શકે. ટૂંકમાં, T-14 આર્માટા એ ક્રૂની સુરક્ષા, મજબૂત આર્મર પ્રોટેક્શન અને અદ્ભુત ફાયર પાવરનું એક અત્યાધુનિક મિશ્રણ છે, જે તેને પરંપરાગત ટેન્કો કરતાં એક પગલું આગળ રાખે છે, તેથી તેને `ફ્યૂચરિસ્ટિક ટેન્ક' પણ કહેવામાં આવે છે. જોકે તેની ઊંચી કિંમત, મર્યાદિત ઉત્પાદન અને વાસ્તવિક યુદ્ધમાં ઓછા ઉપયોગને કારણે તેની કાર્યક્ષમતાને લઈને વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો