મનુષ્યો પોતાની દુઃખદ યાદોને દૂર કરી કે ભૂંસી શકતો નથી. જોકે, અમેરિકાના બોસ્ટન યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ પ્રોફેસર સ્ટીવ રામીરેજે આ વિષય પર રિસર્ચ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આપણી યાદો મગજમાં મેમરી ટ્રેસના રૂપમાં એકઠી થાય છે. જ્યારે આપણે કોઇ ઘટના યાદ કરીએ છીએ તો કેટલીક ખાસ કોશિકાઓ સક્રિય થાય છે અને યાદો બને છે. જેને રિકન્સોલિડેશન કહેવાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ બદલી શકાય છે. વર્ષ 2009માં કેનેડિયન વૈજ્ઞાનિકોએ ઉંદરો પર એક પ્રયોગ કર્યો. તેમણે તેમને અવાજ સાથે હળવો ઇલેક્ટ્રિક શોક આપ્યો. થોડા સમય પછી ઉંદરો ફક્ત અવાજથી જ ડરવા લાગ્યા. પછી વૈજ્ઞાનિકોએ મગજના કોષોને દૂર કર્યા જે આ ભયની યાદશક્તિ સંગ્રહિત કરતા હતા. આશ્ચર્યજનક રીતે ઉંદરોએ અવાજથી ડરવાનું બંધ કરી દીધું. અલબત્ત, વર્ષ 2012માં પણ ઉંદરો પર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે સારી યાદશક્તિને ખરાબ યાદશક્તિ સાથે જોડીને ભયને ઘટાડી પણ શકાય છે. અલબત્ત, હવે આ પ્રયોગ મનુષ્યો પર કરી શકાય કે નહીં તે બાબતે ચર્ચા-વિચારણા ચાલી રહી છે, કારણ કે સીધી મગજની કોશિકાઓથી છેડછાડ કરવી જોખમભર્યું સાબિત થઇ શકે છે.


જાપાનનું અનોખું નાઇટ ટાઇમ ક્રાઇંગ કાફે

આમ તો કોઇ પણ કાફે ઓપન ફોર ઓલ માટે હોય છે, પરંતુ આ પૈકીના કેટલાક કાફે મોડી રાત્રે બંધ હોય છે. જાપાનમાં મેમુરો શહેર સ્થિત એક એવું કાફે છે જે નવજાત અને તેની માતા માટે રાતભર ખુલ્લું રહે છે. આ કાફેનું નામ `નાઇટ ટાઇમ ક્રાઇંગ કાફે' છે. અહીં આખી રાત માતાઓ પોતાના જાગતા બાળકની દેખભાળ કરી શકે છે. મૂળ મોડી રાતે નવજાત બાળકોના સતત રડવાથી કે જાગવાથી કેટલીક માતાઓને માનસિક તણાવ, થાક અને એકાંતપણું લાગતું હોય છે. આ સમયે આ કાફે તેમને વિશેષ મદદ કરે છે. અહીં તેઓ મુક્તપણે અન્ય માતાઓ સાથે વાતચીત કરી શકે છે. આ કાફેમાં તમામ સ્ટાફ જે તે માતાઓ માટે ખડેપગ હાજર રહે છે અને બાળકો માટે આરામદાયક મેટ, સ્તનપાન માટેનો અલાયદો રૂમ તેમજ ડાયપર બદલવાની સુલભ સુવિધાઓ પણ આપવામાં આવે છે. કાફેનો ઉદ્દેશ માતાઓ એકદમ રિલેક્સ અનુભવે તે છે. અહીં રવિવારે માતાઓને મોડી રાત્રે સંપૂર્ણ ફ્રી સર્વિસ આપવામાં આવે છે. આ કાફેને ધ્યાનમાં લઇને જાપાનનાં અન્ય શહેરો પણ આ પ્રકારના નાઇટ કાફે બનાવવા પ્રેરાઇ રહ્યા છે.

દુનિયાની સૌથી નાની ફેશન મોડલ 

જ્યારે મોડલનું નામ ચહેરા પર આવે ત્યારે વધુ લંબાઇ ધરાવતા પાંચ ફૂટ અગિયાર ઇંચથી માંડીને છ સાડા છ ફૂટ સુધીના મેલ-ફિમેલ મગજમાં રમવા લાગે છે. જોકે, સ્વાભાવિક છે આપણે હંમેશાં લાંબી ઊંચાઇ ધરાવતા મોડલને જ જોતા આવ્યા છીએ, તેથી સેમી સાઇઝ-હાઇટ ધરાવતા મોડલની નોંધ ક્યાંથી લઇએ, પરંતુ અમેરિકાના મિયામીમાં રહેતી 23 વર્ષીય વાઇલ્ડિન ઓમોઇથેને દુનિયાની સૌથી નાની હાઇટ ધરાવતી મોડલ ગણવામાં આવે છે. વાઇલ્ડિનની ઊંચાઇ માત્ર 2 ફૂટ 4 ઇંચ જ છે! તેથી તેનું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું છે. તેમ છતાં તે હાર માનતી નથી અને વ્હીલચેરનો ઉપયોગ કરીને તે તમામ કામોને પાર પાડી લે છે. વાઇલ્ડિનને ઊઠવા બેસવા માટે પોતાની માતાનો સહારો લેવો પડે છે. નોંધનીય છે કે, વાઇલ્ડિનનો જન્મ `સૈડન ડિસ્પ્લેજિયા' નામની દુર્લભ બીમારીની સાથે થયો છે. વધુમાં તે એક વ્યાવસાયિક મોડલ હોવા ઉપરાંત, તે એક ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનર પણ છે અને તેના કારકિર્દીનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સતત સખત મહેનત કરી રહી છે. વર્ષ 2021માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નાની ઊંચાઇ ધરાવતી યુવતીમાં તેનું નામ નોંધવામાં આવ્યું હતું. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: