જે લોકો પોતાનું ગુજરાન ઘેટાં -બકરાંઓ ચારીને કરતા હોય છે, તે લોકોને પોતાનાં ઘેટાં-બકરાંને સિંહ, શિયાળ કે અન્ય હિંસક પ્રાણીઓથી ખૂબ ખતરો હોય છે. થોડા દિવસ પહેલાં જ દક્ષિણ ઓસ્ટ્રિયાના ફિલાચ શહેરમાં રહેતા રુડોલ્ફ શૌબાક નામના ખેડૂતે શિયાળોથી ઘેટાં-બકરાંના રક્ષણ માટે એક બોડી આર્મર (ખાસ પ્રકારનું જેકેટ) તૈયાર કર્યું હતું, જેમાં પ્લાસ્ટિકનું કવર અને થોડાં થોડાં અંતરે તીક્ષ્ણ ખીલા ફિટ કર્યા હતા, જેથી શિયાળ કે કોઇ હિંસક પ્રાણી તેને ગળેથી કે પેટેથી હુમલો કરવાની કોશિશ કરે તો તે તીક્ષ્ણ ખીલા તેના તાળવે કે મોઢે વાગી શકે છે અને તે શિકાર છોડી શકે છે. આમ, જે તે ઘેટાં-બકરાં હિંસક પ્રાણીઓથી સુરક્ષિત રહી શકે છે. જોકે, આ બોડી આર્મર હજી પ્રાયોગિક ધોરણ છે, કારણ કે ઘેટાં-બકરાંપાલકોનું કહેવું છે કે, શિયાળ ચાલાક પ્રાણી છે, તે ગળે કે પેટ પર હુમલો નહીં કરે, પરંતુ તે ઘેટાના મોઢે કે પગે હમલો કરી શકે છે. અલબત્ત, હજી ખેડૂત મોઢા પર અને પગ પર કયા પ્રકારનું કવચ લગાડવું તે વિશે વિચારી રહ્યો છે.
ત્રીસ સેકન્ડમાં અધધ કિસનો રેકોર્ડ
જો તમે તમારા લાઇફ પાર્ટનરને ચાહતા હોવ તો તેના માટે કંઇ પણ કરવા તૈયાર રહેતા જ હોવ છો. તમે તમારા પાર્ટનરને ખુશ કરવા મોંઘી ગિફ્ટથી લઇને લોંગ ડ્રાઇવ, ટ્રાવેલિંગ, કવિતા કે કૂકિંગ પણ કરી લેતા હોવ છો. આ બધા વચ્ચે કેટલાક પાર્ટનર એવા પણ હોય છે જે પોતાના લાઇફ પાર્ટનરને રોમાન્સથી ખુશ કરી દેતા હોય છે. બ્રાઝિલના એક કપલે રોમાન્સમાં ને રોમાન્સમાં ગિનીસ રેકોર્ડ નોંધાવી દીધો છે. બ્રાઝિલમાં રહેતા 32 વર્ષીય રેનાટો ગૈયા અને તેમની 33 વર્ષીય પાર્ટનર નૈરા રોબર્ટા રિબેરોએ માત્ર 30 જ સેકન્ડમાં 195 કિસ કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમની આ કિસનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. આ કપલ પૈકી રેનાટોએ અગાઉ પણ ગિનીસ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે, જેમાં પગને અસાધારણ રીતે વાળવાના રેકોર્ડનો સમાવેશ થાય છે. હવે પછીનું તેમનું લક્ષ્ય 60 સેકન્ડમાં સૌથી વધુ કિસ કરવાના રેકોર્ડ પર છે. જે માટે તેઓ રોજ કિસની પ્રેક્ટિસ પણ કરી રહ્યાં છે. નોંધનીય છે કે, 60 સેકન્ડમાં 277 કિસ કરવાનો રેકોર્ડ જાપાનના એક કપલના નામે છે! શું તમે પણ આ અધધ કિસનો રેકોર્ડ તોડવા તૈયાર છો?
અહીં તો સાવરણીથી શેકાય બરુન રોટી!
ખાણીપીણીના શોખીનો કોઇ પણ રોટલી ખાવા માટે દોડી જતા હોય છે. આપણે ત્યાં અનેક પ્રકારની રોટલીઓ જોવા મળે છે, જેમાં રુમાલી રોટી, ફૂલકા રોટી, સાદી રોટી કે પછી તંદૂરી રોટી અને અન્ય થેપલાં કે પરોઠાંનો સમાવેશ થાય છે. અલબત્ત, આ રોટીને બનાવવા માટે જે તે રસોઇયો ચીપિયો કે અન્ય નાના સળિયાની મદદ લેતો હોય છે, પરંતુ બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં રસોઇયો એક ખાસ પ્રકારની રોટી બનાવે છે જેને ત્યાં `બરુન રોટી' તરીકે ઓળખવામાં આવે છે. આ રોટી આમ તો સામાન્ય રોટીની જેમ જ બનાવવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ રોટીને વણ્યા બાદ અને તવામાં મૂક્યા બાદ તેના પર સાવરણી (ઝાડુ) મારવામાં આવે છે અને માત્ર એકવાર નહીં અનેકવાર મારવામાં આવે છે. મૂળ આ રોટી એકદમ પાતળી હોય છે. આ રોટીને તવા પર નાખતાં જ ખૂબ જ મોટી ફૂલી જાય છે. આ બરુન રોટી ખાવા માટે દેશ-વિદેશથી પર્યટકો ખાસ આવે છે. બાંગ્લાદેશના ઢઆતા તેમજ ચટગાંવ અને અન્ય લોકલ વિસ્તારોમાં આ સાવરણી મારતી બરુન રોટી જોવા મળે છે. આ રોટી ક્રિસ્પી હોય છે જેને નાસ્તા, લંચ-ડિનરમાં નોનવેજ આઇટમ સાથે મજાથી ખાવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો