જીવને સમસ્યા તો હોવાની જ! કોઈકને નોકરીની સમસ્યા, કોઈકને ધંધાની સમસ્યા, કોઈકને લગ્ન માટે છોકરી મેળવવાની સમસ્યા, કોઈકને છોકરી યોગ્ય યુવક સાથે પરણાવવાની સમસ્યા. સમસ્યાના સમાધાન માટેના માનવીય પ્રયત્નો સરવાળા, ગુણાકારમાં પરિણામો આપે, ત્યારે જમા ખાતે ખુશી નોંધાય, પરંતુ જ્યારે બાદબાકી અને ભાગાકારમાં પરિણમે ત્યારે ઉધાર ખાતે નિરાશા, હતાશા નોંધાય, જે માણસને આખરે નાસીપાસ કરી નાખે છે. જેમ ડૂબતો માણસ જીવવાની આશાએ તરણું ઝાલે તેમજ નિરાશાના અંધકારમાં ડૂબેલી વ્યક્તિને દૂરથી કોઈ ટમટમતા દીવાનો આછેરો ઉજાશ દેખાય, તો તે પણ ઝીલી લેવાની કોશિશ કરે અને એ દીવાનો આછેરો ઉજાશ તેમના જીવનને ઉજાસથી ભરી દે અને સમસ્યા હલ કરી દે એવી લાગણી પ્રકટે જ.

ઓસ્ટ્રેલિયામાં રહેતાં એક દંપતીને 37-38 વર્ષની મોટી દીકરી. દીકરીનાં લગ્ન માટે મુરતિયો મળતો નથી તો બીજા એક કપલને દીકરો બધી જ રીતે યોગ્ય હોવા છતાં છોકરી મળતી નથી. આપણને અહીં બેઠાં બેઠાં કદાચ પરિસ્થિતિનો ખ્યાલ નહિ આવે, પરંતુ વિદેશમાં રહેતા ગુજરાતી-ભારતીય પરિવારો માટે `છોકરી'ની સમસ્યા નોકરી કરતાં વધુ ગંભીર રૂપ ધારણ કરી વકરી ચૂકી છે, કેમ કે વિદેશમાં જન્મી, ઉછરેલી છોકરીને ભારતીય યુવક સાથે લગ્ન કરવામાં વાંધો નથી, પરંતુ ભારત પસંદ નથી. જ્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી બદલાયેલ દેશ અને વિદેશની આર્થિક સંભાવનાઓ અને પ્રવર્તર્તી અસ્થિરતાને કારણે દેશમાં જન્મેલ, ઉછરેલ છોકરીઓને (અપવાદ સિવાય) હવે વિદેશનો મોહ અગ્રીમ રીતે પ્રભાવિત નથી કરતો. પરિણામ સ્વરૂપ વિદેશમાં અનેક ભારતીય દીકરા-દીકરી મોટી ઉંમરે પણ કુંવારાં રહે છે.

ઉપરોક્ત જેમની મોટી દીકરીનો ક્યાંય મેળ નથી પડતો તે હતાશ, નિરાશ અને નાસીપાસ થઇ જાય તે સ્વાભાવિક છે. હતાશાના આ દિવસોમાં તેઓ ક્યાંકથી કોઈ વિકાસ-ફિકાસ કે વિપુલ-ઝિપુલનો પોડકાસ્ટ જુએ છે, જેમાં રાજસ્થાન સ્થિત A તાંત્રિક દાવો કરે છે કે તેઓ લગ્ન અડચણે આવતાં દરેક વિઘ્નો પોતાની શક્તિ વડે દૂર કરી જોડાં મેળવી આપશે. આવા દાવાઓ કરતા અનેક લોકો જોવા સાંભળવા મળે છે, જેઓ તમારા જીવનની દરેક સમસ્યા હલ કરી આપવાની ઘુટ્ટી પીવડાવે છે. દંપતી ઉજાસમાં ઉજાસ પ્રાપ્ત કરવાની અપેક્ષામાં તણાઈ જાય છે અને પોડકાસ્ટમાં આપેલ નંબર પર ફોન કરી બેસે છે. ફોન પર ફરી એ જ દાવા કરવામાં આવે છે જે પોડકાસ્ટમાં કરવામાં આવ્યા હોય છે. એથીય આગળ જાતજાતની ખાતરી કરવા-કરાવવામાં આવે છે ને દંપતી પૂરી રીતે ટ્રેપ (જાળમાં) ફસાઈ જાય છે.

પ્રારંભે ત્રણ લાખ રૂપિયાની માગણી પૂરી કર્યા પછી વિવિધ છાયા-પડછાયાના નામે ડરાવવામાં આવે છે. વિધિના નામે રૂપિયા ખંખેરતા રહેવામાં આવે છે. આ દરમ્યાન દંપતી નિરાશામાં અટવાતાં અન્ય લોકોને પણ પ્રાપ્ત થયેલી ચમત્કારિક જડીબુટ્ટીની મિત્રભાવે માહિતી આપે છે અને અન્યો પણ આશામાં તરણું ઝાલે છે. જાળમાં ફસાયાનો અહેસાસ થાય, ત્યાં સુધીમાં કોઈ પાંચ લાખ, કોઈ પંદર લાખ ભોગવીને, `ભોગ લાગ્યા'ની પીડા અનુભવી ચૂક્યા હોય છે. આ માયાજાળ શિષ્ય Aથી ગુરુ D પર પૂર્ણ થાય. શિષ્ય કામ બાકી રાખે 'ને ગુરુ હું ખાતરીપૂર્વક કરી આપીશ કહી મેદાને પડે છે.

પોડકાસ્ટ કરનારા `આવા તો ઘણા અમારી પાસે આવતા હોય છે' કહી હાથ અધ્ધર કરી દેતા હોય છે. વર મરે કે કન્યા મરે, વરનાં માતા-પિતા ભોગવે કે કન્યાનાં માતા-પિતા ભોગવે, લેભાગુઓનાં બેંક ખાતાં તરબતર કરતા નાળામાં કદાચ આવા પોડકાસ્ટિયા પણ હાથ મેલા કરી દેતા હશે. ખૈર, આવા કેટલાક કિસ્સાઓ વારંવાર છાપાંઓમાં, ટીવીઓમાં પણ ઉછળતા રહેતા હોવા છતાં લોકો છેતરાતા રહે છે, કેમ કે સીધા સાદા માણસો અનેક પ્રયત્નો છતાં મળેલી નિષ્ફળતાના કારણે નાસીપાસ થાય ત્યારે આવા નાસીપાસ થયેલા લોકોની લાગણીની લણણી લેભાગુઓ કરતા હોય છે. ગંદા હૈ પર ધંધા હૈ! સમય વર્તે સાવધાન જ ઉપાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો