અમેરિકા અને ઈરાનના યુદ્ધમાં આવેલા આંશિક વિરામ બાદ ફરીથી યુદ્ધની સંભાવના મંડરાઈ રહી છે. ઈરાન દ્વારા તેલનાં જહાજો જ્યારે રોકવામાં આવ્યાં ત્યારે એવી પણ અફવાઓ ફરતી થઈ હતી કે, ઇરાને ઘણી મોટી સંખ્યામાં હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ માઈન્સ બિછાવી દીધાં છે. હવે જો આ માઈન્સના સંપર્કમાં આવતાં જ તેલનાં જહાજો વિસ્ફોટ થઈ તબાહ થઈ શકે છે અને દુનિયાભરમાં ઊર્જાક્ષેત્રે ભાવ વધી શકે છે. ત્યારે એ જાણવું અને સમજવું જોઈએ કે, આખરે આ માઈન્સ ઇરાને કેમ બિછાવ્યાં છે અને આ માઈન્સ કેમ આટલાં ખતરનાક છે? હોર્મુઝ સ્ટ્રેટ એ દુનિયાભરમાં તેલવહનનો મુખ્ય માર્ગ છે, જ્યાંથી લગભગ રોજ 2 કરોડ બેરલ તેલ પસાર થાય છે. ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશો આ જ જગ્યાએથી પોતાનાં ટેન્કરો મોકલે છે. જેમાં ઇરાને પોતાના આ દરિયાઈ માઈન્સ મૂક્યાં હતા. જેનો નકશો બનાવવાનું ચૂકી જતા દરેક દેશો એ અડચણમાં મુકાયા હતા કે, આખરે હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થવું કે કેમ?

 ઈરાની માઈન્સ શા માટે ચર્ચાનો વિષય બન્યું છે?

ઈરાનનું આ માઈન્સ ચર્ચામાં આવવાનું મુખ્ય કારણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝની અને લાલ સમુદ્રમાં વધતો તણાવ છે. દુનિયાનો લગભગ 20% તેલ પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગો પરથી પસાર થાય છે. ઈરાને તેની નેવલ સ્ટ્રેન્થ બતાવવા માટે આ માઈન્સનો વ્યૂહાત્મક ઉપયોગ કરવાની ધમકી આપી હોવાની અફવાઓ ઊડી હતી. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાનની આ આધુનિક માઈન્સ છે, જે રડાર કે સોનાર દ્વારા સરળતાથી પકડી શકાતી નથી, જેના કારણે દરેક દેશોમાં પોતપોતાનાં જહાજોને લઈને ચિંતા વધી છે.

શું છે આ દરિયાઈ માઈન્સનો ઇતિહાસ?

 દરિયાઈ માઈન્સ અથવા નૌકાદળ માઈન્સ, સમુદ્રમાં ઊંડાં છુપાયેલાં ઘાતક શસ્ત્રો છે, જે સદીઓથી નૌકાદળની વ્યૂહરચનાનો અભિન્ન ભાગ રહ્યાં છે. તે પાણીની અંદર વિસ્ફોટક ડિવાઈસ છે, જે દુશ્મન જહાજો, સબમરીન અથવા તો માછીમારીની બોટનો નાશ કરવા માટે બિછાવાયેલાં હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લેન્ડમાઇન એક અત્યંત અસરકારક અને વ્યૂહાત્મક શસ્ત્ર બન્યાં. `ઓપરેશન સ્ટારવેશન' તેનું મુખ્ય ઉદાહરણ હતું. યુદ્ધના અંતની નજીક યુનાઇટેડ સ્ટેટ્સે પેસિફિક મહાસાગરમાં એક વિશાળ માઈન્સ બિછાવવાનું અભિયાન શરૂ કર્યું. જાપાની જહાજોના માર્ગોને અવરોધવા માટે 12,000 માઈન્સ પાથર્યાં. આ માઈન્સે 650 જાપાની જહાજોને ડૂબાડી દીધાં અને તેમની દરિયાઇ પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે બંધ કરી દીધી. જોકે, ઈરાને દરિયાઈ માઈન્સ બનાવવાની શરૂઆત 1980ના દાયકામાં ઈરાન-ઈરાકના ટેન્કર વોર દરમિયાન કરી હતી. તે સમયે ઈરાને રશિયન ડિઝાઈન પર આધારિત માઈન્સનો ઉપયોગ કર્યો હતો. સમય જતાં ઈરાને રિવર્સ એન્જિનિયરિંગ દ્વારા પોતાની સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી હતી. આમ, માઈન્સ દેખાવમાં નાનાં હોય છે પણ વિપુલ પ્રમાણમાં વિનાશ નોતરે છે.

દરિયાઈ માઈન્સને `સમુદ્રના છુપાયેલા શાતિર દુશ્મનો' ગણાય છે. તેનાં મુખ્ય ત્રણ કારણો છે. તે પાણીની સપાટીની નીચે છુપાયેલી હોય છે, જે નરી આંખે દેખાતી નથી. આમ તે અદૃશ્ય હોય છે. એક સામાન્ય માઈન્સ બનાવવાનો ખર્ચ થોડા હજાર ડોલર હોય છે, પરંતુ તે કરોડો ડોલરના વિશાળ ટેન્કર કે યુદ્ધજહાજને ડુબાડવાની ક્ષમતા ધરાવતી હોય. જો દરિયામાં એક પણ માઈન્સ હોવાની શંકા જાય, તો સમગ્ર શિપિંગ રૂટ બંધ કરવો પડે છે, જે વૈશ્વિક બજારમાં તેલના ભાવ રાતોરાત વધારી શકે છે. આથી દુનિયાભરના દેશો પર એક પ્રકારનું માનસિક દબાણ બની રહે છે.

ઈરાન માટે આ માઈન્સ ઍસેમેટ્રિક વોરફેરનું મુખ્ય હથિયાર છે. અન્ય કોઈ પણ દેશની નેવી સાથે સીધી લડત માંડવા કરતાં ઈરાન આ માઈન્સની જાળ બિછાવીને પણ યુદ્ધ લડી શકે છે. જોકે, ઘણા નેવી એક્સપર્ટ્સનું માનવું છે કે, ઇરાનનું આ પગલું ખૂબ ભારે પડી શકતું હતું, જો કોઈ માઈન્સ વિસ્ફોટ થયો હોત તો એની સાફસફાઈમાં જ મહિનાઓનો સમય લાગી જતો. ત્યાં સુધીમાં તો દુનિયાના અર્થતંત્રને ઘણું નુકસાન પહોંચી શકે છે. આમ, આવું વિશિષ્ટ યુદ્ધશસ્ત્ર ઘણું મોટું નુકસાન કરી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો