તમે અત્યાર સુધી બેટમેનને કોમિક્સમાં અથવા તો ફિલ્મોમાં જોયો જ હશે. બેટમેન જે તે અપરાધીને પકડીને તેને હથકડી કે દોરી વડે બાંધીને પોલીસ માટે છોડી દેતો હતો, પરંતુ હકીકતમાં મેક્સિકોમાં એક એવો બેટમેન જોવા મળ્યો છે જે બાઇકચોરોને પકડી લે છે. મેક્સિકન લોકો તેને રિઅલ બેટમેન કે સિક્રેટ બેટમેન તરીકે ઓળખાવે છે. મૂળ મેક્સિકોના જાલિસ્કો રાજ્યના લાગોસ ડી મોરેનો શહેરમાં આ બેટમેન બાઇકચોરને પકડીને તેને ડક્ટ ટેપ(ભારે ગુંદરવાળી ટેપ)થી થાંભલા સાથે બાંધી દે છે. વધુમાં તે બાઇકચોરના માથામાં સ્પેનિશ ભાષામાં ચોર કે પોકેટમાર જેવું કંઇક લખીને તેના ચહેરા પર બિલાડી જેવી મૂછો બનાવી દે છે. ત્યારબાદ તે ચોરી કરેલી બાઇકને પણ ત્યાં જ મૂકી રાખે છે, જેથી પુરાવા સાથે ચોર પકડાઇ ગયો છે એમ સાબિત થાય. મેક્સિકોમાં હાલ તો આ બેટમેન ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે. મેક્સિકન લોકો બેટમેનના આવા વર્તનથી ખુશ જણાય છે અને બાઇકચોરોમાં હવે આ સિક્રેટ બેટમેનને લઇને ફફડાટ પેસી ગયો છે. જોકે, પોલીસ બેટમેનને પણ પકડવા માંગે છે, કારણ કે કાયદો પોતાના હાથમાં લેવો એ પણ એક ગુનો ગણાય છે.
11 લાખ પગાર જોઈતો હોય તો રીંછ બનો
એક-બે વર્ષ પહેલાં જ ચીનના હેબેઇ પ્રાંતમાં `મંકી કિંગ' બનવાની નોકરી ખાલી પડી હતી. જેમાં ગુફામાં બેસીને માત્ર પર્યટકો દ્વારા આપવામાં આવેલ કેળાં કે સફરજન ખાવાનાં હોય છે. આ નોકરીમાં દર મહિને 70 હજાર રૂપિયા મળતા હતા. હવે ફરી એકવાર ચીનના હેનાન પ્રાંતના લુઓહે શહેરમાં આવેલા ઝૂમાં એક નોકરીની જાહેરાત બહાર પડી છે જેમાં નોકરિયાતે રીંછ બનીને ઝૂમાં આવેલા લોકોનું મનોરંજન કરવાનું રહે છે. આ નોકરી માટે બનાવટી પણ આબેહૂબ રીંછ જેવાં કપડાં પહેરીને ઝૂની મુલાકાતે આવેલા લોકોની સાથે હરવા ફરવાનું હોય છે. આ રીંછની નોકરીની મુખ્ય શરતો એટલી છે કે, તમારે મુલાકાતીઓની સાથે કોઇ પણ પ્રકારની વાતચીત નહીં કરવાની તેમજ માત્ર ઈશારાથી જ કામ ચલાવવાનું હોય છે, પણ હા, તમે રીંછની જેમ ઘૂરકી શકો છો. આ નોકરી માટે મેલ-ફિમેલ કોઇ પણ કરી શકે છે, પરંતુ તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ. આ નોકરી માટે 1 લાખ યુઆન જેટલો (અંદાજિત 11 લાખ રૂપિયા) પગાર નક્કી કરવામાં આવ્યો છે. તેમજ 6 કલાકની નોકરી અને મહિનાની ચાર રજા પણ આપવામાં આવશે.
કમોડમાં વાનગીઓ પીરસતી રેસ્ટોરાં!
ખાવાના શોખીનો માટે રેસ્ટોરાંના માલિકો કે હોટલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો અવનવી થીમનાં રેસ્ટોરાં-હોટલ બનાવે છે. જેમાં કાર થીમ, જંગલ થીમ, ડાર્ક નાઇટ થીમ, ઓફિસ થીમ ઉપરાંત રેલવે કે ટ્રક થીમનો સમાવેશ થાય છે, પરંતુ તાઇવાનની એક રેસ્ટોરાં છેલ્લા કેટલાક સમયથી ટોઇલેટ થીમને લઇને જબરદસ્ત ચર્ચામાં છે. જો તમે અહીં કંઇ ખાવાનું ઓર્ડર કરો છો તો તમને તે ખાવાનું પ્લેટમાં નહીં, પરંતુ સેમી સાઇઝના કમોડમાં પીરસવામાં આવે છે. વધુમાં મરચું, મીઠું કે મસાલા માટે મસાલાશેકર કે સોલ્ટશેકરમાં પુપ આકારના શેકર જોવા મળે છે. અલબત્ત, પહેલી નજરમાં તમને સૂગ ચડી શકે છે, પરંતુ અહીં ખાનપાનની વસ્તુઓને બાથરૂમ-ટોઇલેટમાં વપરાતી વસ્તુઓ દ્વારા એકદમ આકર્ષક રીતે પીરસવામાં આવે છે, જેને સહજ સ્વીકારી શકાય છે. તાઇવાનની આ રેસ્ટોરાંમાં દેશ-વિદેશથી લોકો મજેદાર ફોટો શૂટ ઉપરાંત રીલ્સ, શોર્ટ કે વીડિયો બનાવવા માટે પણ આવે છે. ટૂંકમાં, જો તમારે રેસ્ટોરાંના સોફા-ખુરશીની જગ્યાએ કમોડ ખુરશી વિથ કમોડ ફૂડનો અનુભવ લેવો હોય તો એકવાર અહીં મુલાકાત કરી શકાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો