કોમનમેન માટે 144મી કલમ એટલે એક સ્થળે ચાર કરતાં વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ, પરંતુ 144મી કલમનો વ્યાપ બહુ વિશાળ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં અમલી 144મી કલમના જાહેરનામા પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે શહેરમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકસાથે એકત્ર થવા, મંડળી રચવી કે રેલી-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

લોક આંદોલનો પર પ્રતિબંધ, હથિયારોની હેરાફેરી અને ગેરકાયદે હથિયારો રાખવા પર પ્રતિબંધ, માનવજીવન, આરોગ્ય અને સલામતી પર ખતરો, જાહેર સુરક્ષામાં ગરબડ રોકવી, તોફાનો અને ઉપદ્રવ અટકાવવા જેવા કારણોસર 144મી કલમ હેઠળ પ્રતિબંધો લદાય છે. કોરોના મહામારીનો પ્રસાર રોકવા કે તોફાનોમાં જૂઠી અફવાઓ રોકવા ઈન્ટરનેટ બંધ કરવા પણ તેનો ઉપયોગ થાય છે. અસામાન્ય પરિસ્થિતિમાં અસાધારણ ઉપાયોની આવશ્યકતા રહે છે. હિંસા કે ઉપદ્રવની સ્થિતિને અટકાવવા તાત્કાલિક પગલાં જરૂરી છે. કંઈક આવા ઉદ્દેશોથી આ કલમ ઘડાઈ છે, પરંતુ આજે તો તેનો હાલતા અને ચાલતા મનસ્વી ઉપયોગ થાય છે.

ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) 1973ની કલમ 144 મૂળે તો બ્રિટિશરોની દેન છે. આઝાદીનાં આંદોલનોને રોકવા અંગ્રેજ સરકાર તેનો ઉપયોગ કરતી હતી. સંસ્થાનવાદનો જે કેટલોક વારસો સ્વતંત્ર ભારતે જાળવી રાખ્યો છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કલમ 144 છે. નવરચિત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023માં પણ તે કલમ 163 તરીકે જીવંત છે, તેથી ભારતની અપરાધિક ન્યાય વ્યવસ્થામાં કાગળ પર અને વ્યવહારમાં બ્રિટિશકાળના કેટલાક અંશો સચવાયેલા લાગે છે. એક અન્ય અભ્યાસ પ્રમાણે ઈ.સ. 1861માં ગુજરાતના બરોડા સ્ટેટમાં પોલીસ અફસર ઈ.એફ ડેબુ(E.F. DEBOO)એ કલમ 144 ઘડી હતી અને તેનો અમલ પણ થતો હતો.

સરકાર વિરોધી આંદોલનોને રોકવા 144મી કલમનો સતત ઉપયોગ થાય છે. એટલે તે બંધારણના અનુચ્છેદ 19થી મળેલ નાગરિકોના શાંતિપૂર્ણ અને કાયદેસરના વિરોધના મૂળભૂત અધિકારોનું હનન કરે છે. સરકાર વિરોધી દેખાવો, સભા, સરઘસોને વિફળ કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. લોકોના વિરોધને તે અટકાવે છે, તેથી નાગરિકોના અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકનું ઉલ્લંઘન થાય છે.

144મી કલમના મનસ્વી ઉપયોગને આઝાદી પૂર્વેથી માંડીને આજ સુધી અદાલતમાં પડકારવામાં આવતો રહ્યો છે. 1939માં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભના ચુકાદામાં કહેલું, એ વાતમાં કોઈ શંકા નથી કે ધારા 144 હેઠળ સરકાર સ્વતંત્રતાને બાધિત કરે છે, પરંતુ જાહેર સલામતીના સંદર્ભે આવું કરવું અનિવાર્ય હોય ત્યારે જ સરકારે કલમ 144નો ઉપયોગ કરી પ્રતિબંધો લાદવા જોઈએ. આ કલમથી એવા પ્રતિબંધો ન લગાવો જેની જરૂર ન હોય.

જન આંદોલનો જેમનો પ્રાણ હતો એવા સમાજવાદી નેતાઓ પર કલમ 144ના ભંગના ઘણા કેસો થતા હતા. એટલે રામ મનોહર લોહિયા, જ્યોર્જ ફર્નાન્ડિઝ અને મધુ લિમયેએ પણ 144મી કલમના દુરુપયોગ અંગે અદાલતોમાં ધા નાંખી હતી. અલાહાબાદ હાઈકોર્ટની જસ્ટિસ ગંગેશ્વરપ્રસાદની એકલ પીઠ સમક્ષ રામ મનોહર લોહિયાએ 11, 12 ઓગસ્ટ, 1966ના રોજ નિવેદન આપ્યું હતુ. 144મી કલમના વિરોધમાં અને તેને ગેરબંધારણીય ઠેરવવાની માંગ કરવા તેઓ અદાલતમાં આવ્યા છે, તેનું કારણ આપતા લોહિયાએ માર્કાની વાત કરી હતી કે જબ જનતા બલવાન નહીં હોતી હૈ તો સરકાર કે અન્યાય કા મુકાબલા ન્યાયાલયોં મેં હોના હી ચાહિયે. ઈસલિયે મુઝે આપ લોગોં કો કષ્ટ દેના પડ રહા હૈ. લોહિયાએ ધારા 144 અને તેની સજા નક્કી કરતી ધારા 188 બેઉને અસંવૈધાનિક ગણાવતી તર્કબદ્ધ દલીલો કરી હતી, પરંતુ અદાલતે 144મી કલમની બંધારણીયતા અને કાયદેસરતા બરકરાર રાખી હતી.

1970માં સમાજવાદી નેતા મધુ લિમયેની પિટિશન પર સર્વોચ્ચ અદાલતના સાત જજોની બેન્ચે ચુકાદો આપ્યો હતો. તેમણે જિલ્લા કલેક્ટરો અને પોલીસ કમિશનરોને મળેલી 144મી કલમ હેઠળ પ્રતિબંધો જાહેર કરવાની સત્તાને ન્યાયિક રીતે ઉપયોગમાં લેવાની અસામાન્ય સત્તા ગણાવી હતી અને તેની ન્યાયિક તપાસ થઈ શકે છે તેવું સ્પષ્ટ કર્યું હતું. કામદાર નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝે પણ બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. 2012માં સુપ્રીમ કોર્ટે ધારા 144નો દુરુપયોગ રોકવાની સલાહ આપી કહ્યું હતું કે આ ધારાની જોગવાઈઓનો ઉપયોગ જાહેર શાંતિ જાળવવા ગંભીર પરિસ્થિતિમાં જ કરવો જોઈએ. વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતે કલમ 144 અને 188ને બંધારણીય ઠેરવવા સાથે તેના ન્યાયોચિત ઉપયોગને વારંવાર દોહરાવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેની સિંગલ જજની બેન્ચનો તાજેતરનો ચુકાદો 144મી કલમના ન્યાયિક ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ છે. વડી અદાલતે અમદાવાદ પોલીસ કમિશનરનું 144મી કલમ અંગેનું જાહેરનામુ જ રદબાતલ ઠેરવ્યું છે. અદાલતે તેના ચુકાદામાં મહત્ત્વનાં અવલોકનો અને સૂચનો કર્યાં છે. પિટિશનરોએ અદાલત સમક્ષ 2019માં નાગરિકતા કાયદા વિરોધી આંદોલનોને રોકવા 2016થી 2019માં સતત 144મી કલમ જારી રાખી હતી તેના પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે સીઆરપીસીની ધારા 144(4)માં પ્રતિબંધોની નિર્ધારિત સમય સીમા બે માસ અને વધુમાં વધુ છ માસ ઠેરવી છે ત્યારે પણ સરકારે તેનો અસીમિત સમય માટે અમલ કર્યો હતો. સતત, પુનરાવર્તિત અને ઘણીવારના પ્રતિબંધોને લક્ષમાં લઈને અદાલતે 144મી કલમનું જાહેરનામું રદ કર્યું હતું. અદાલતે સરકારને માત્ર સરકારી ગેઝેટમાં જ નહીં, સોશિયલ મીડિયા અને બીજાં માધ્યમોમાં પણ 144મી કલમ દ્વારા પ્રતિબંધો જાહેર કર્યાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા આદેશ કર્યો છે.

કાયદાનો અમલ કરતી વખતે સરકારી તંત્ર કેવું નઘરોળ બની રહે છે તેની સાબિતી 144મી કલમ છે. પોલીસ અને વહીવટી તંત્ર સત્તાનો યથેચ્છ ઉપયોગ કરે છે. નાગરિકોને મળેલી કાયદાકીય સુરક્ષાની અવહેલના કરી સત્તાને મનસ્વી રીતે ભોગવે છે. ધારા 144નો લેખિત આદેશ કરતાં પૂર્વે પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવતી નથી. વળી, ચોક્કસ વિસ્તારને બદલે આખા શહેરમાં તે અમલી બનાવાય છે. લોહિયાએ અલાહાબાદ હાઈકોર્ટને વિનંતીના સૂરમાં કહ્યું હતું કે હો સકતા હૈ કિ તાજીરાત હિન્દ કી જો કલમેં દૂષિત હૈં, ઉસે ઠીક કરને કી આશા હમ સર્વોચ્ચ ન્યાયાલય યા ઉચ્ચ ન્યાયાલયોં સે હી કર સકતે હૈં - લોકસભા મેં તો શાયદ ઈતની તાકત કભી ન હોગી જો ઉસે ઠીક કરે. લોહિયાની આ અરજ પછી સંસ્થાનવાદના અવશેષ સમી 144મી કલમને કાયદાપોથીમાંથી દૂર કરીને સાચી અભિવ્યક્તિની સ્વતંત્રતા સ્થપાય તેવી આશા રાખી શકાશે?

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો