બેંગ્લોર (બેંગલુરુ), વર્ષ 2007. શહેરની ભીડભાડ, ટેક્નોલોજીનો ઝળહળાટ અને રાત્રિના અંધકારમાં છુપાયેલા ગુનાઓ. આ શહેરની એક અલગ જ ઓળખ હતી.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક શાંત મહોલ્લાના એક નાનકડા મકાનમાંથી અચાનક જ કેટલાક કલાકોથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. આ દુર્ગંધના લીધે પાડોશીઓ અકળાયા અને આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મકાનમાંથી આવતી દુર્ગંધે પોલીસને ચોંકાવી દીધી. મકાનનો દરવાજો અંદરથી બંધ હતો, પણ પાછળની એક નાનકડી બારી ખુલ્લી હતી. પોલીસ ટીમના એક કોન્સ્ટેબલ બારી સુધી પહોંચ્યા અને બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો. અંદર જે દૃશ્ય હતું એ જોઈને પોલીસ કોન્સ્ટેબલના શ્વાસ થંભી ગયા. ઘરની ફર્શ પર એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ પડ્યો હતો. મૃતદેહ પરના ઘા અને ગળા પરની ઈજાઓ સ્પષ્ટપણે એ વાતની સાબિતી હતી કે, આ એક સામાન્ય મૃત્યુ નહોતું, પણ એક ખૂન હતું.
આ ખૂન પોલીસ માટે એક પઝલ જેવું હતું. ઘરમાંથી માત્ર એક નાની સોનાની ચેઈન અને થોડા પૈસા જ ગાયબ હતાં. પહેલી નજરમાં આ લૂંટના હેતુથી થયેલું ખૂન લાગતું હતું, પણ હત્યારાએ જે રીતે શાંતિથી બધું પતાવ્યું હતું, તે કોઈ શિખાઉ ગુનેગારનું કામ નહોતું. ખૂનની આ ઘટના પોલીસ ચોપડે એક સામાન્ય કેસ તરીકે નોંધાઈ, પણ આ તો માત્ર શરૂઆત હતી. આગામી દિવસોમાં બેંગ્લોરના અલગ-અલગ વિસ્તારોમાંથી આવી જ રીતે એક પછી એક વૃદ્ધ મહિલાઓના મૃતદેહો મળવા લાગ્યા. દરેક કેસમાં એક જ પેટર્ન હતી - ઘરમાં લૂંટ, મૃતદેહ પર પ્રહાર અને હત્યારાની કોઈ નિશાની નહીં. જાણે કોઈ ભૂત રાત્રિના અંધકારમાં આવતું અને પોતાનું કામ પતાવીને અદૃશ્ય થઈ જતું.
પોલીસ કમિશનરના ટેબલ પર એક પછી એક કેસની ફાઈલોનો ઢગલો થવા લાગ્યો. દરેક ફાઈલ પર મૃતકનું નામ, ઉંમર અને મૃત્યુનું કારણ એક જ હતું - ગળું દબાવીને કે માથામાં ગંભીર ઈજા પહોંચાડીને હત્યા. આ ઘટનાઓએ શહેરમાં એક અદૃશ્ય ભયનું વાતાવરણ ઊભું કર્યું. અખબારોમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો. `સીરિયલ કિલર' નામનો શબ્દ લોકોના હોઠ પર ફરતો થયો. પોલીસ પર દબાણ વધ્યું. આખરે એક ખાસ તપાસ ટીમને આ કેસ સોંપવામાં આવ્યો. ટીમના વડા ઇન્સ્પેક્ટર રાજશેખર એક અનુભવી અને તીક્ષ્ણ બુદ્ધિના અધિકારી હતા.
ઇન્સ્પેક્ટર રાજશેખરે તમામ કેસની ફાઈલો ફરીથી જોઈ. દરેક કેસમાં ગુનેગારની કોઈ પ્રત્યક્ષ નિશાની નહોતી. કોઈ ફિંગરપ્રિન્ટ નહીં, કોઈ સાક્ષી નહીં, કોઈ સીસીટીવી ફૂટેજ નહીં. આખરે તેમણે ગુનેગારની પેટર્ન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. દરેક ખૂન મધરાતે થયું હતું, જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા. ગુનેગાર હંમેશાં એકલી રહેતી વૃદ્ધ મહિલાઓને જ નિશાન બનાવતો હતો. લૂંટફાટ એ તેનો મુખ્ય હેતુ હતો, પણ સૌથી વિચિત્ર વાત એ હતી કે ગુનેગાર ઘરમાં પ્રવેશ કેવી રીતે કરતો હતો? દરેક ઘરમાં દરવાજા અને બારીઓ સવારના સમયે સલામત રીતે બંધ મળતાં હતાં.
રાજશેખરે પોતાની ટીમને દરેક ઘટનાસ્થળની ફરીથી બારીકાઈથી તપાસ કરવા આદેશ આપ્યો. આ વખતે તેમણે એક અસામાન્ય બાબત નોંધી. એક મકાનમાં જ્યાં ખૂન થયું હતું, ત્યાં પાછળની બાજુએ એક મોટી ડ્રેનેજ પાઇપ હતી જે છત સુધી જતી હતી. પાઇપ પર કેટલીક જગ્યાએ માટીનાં નિશાન હતાં, જે અસામાન્ય બાબત હતી. બીજા એક મકાનમાં પણ આવી જ પાઇપ હતી. રાજશેખરના મગજમાં એક ઝબકારો થયો. શું આ પાઇપ ગુનેગાર માટે પ્રવેશદ્વાર હતી?
આગળની તપાસમાં ખુલાસો થયો કે ગુનેગાર વાનરની જેમ ડ્રેનેજ પાઈપ પર ચડીને ઘરની છત પર પહોંચતો અને ખુલ્લી બારી કે વેન્ટિલેટર દ્વારા પોતાના શિકારના ઘરની અંદર પ્રવેશતો હતો. આ તારણથી પોલીસને પહેલીવાર ગુનેગાર વિશે કોઈ નક્કર કડી મળી. આગળની તપાસમાં પોલીસને એ પણ જાણ થઈ કે, હત્યારાનો શિકાર માત્ર વૃદ્ધ મહિલાઓ જ નહોતી, પણ એવી મહિલાઓ પણ હતી જેઓ એકલી રહેતી હતી. પોલીસને ખબર પડી કે ખૂનનો ભોગ બનેલી એક વૃદ્ધ મહિલા કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાની હતી.
પોલીસ ટીમે ચિત્રદુર્ગ તરફ પ્રયાણ કર્યું. ત્યાં સ્થાનિક પોલીસની મદદથી તેમણે ગુનાહિત રેકોર્ડ્સની તપાસ કરી. એક નામ વારંવાર સામે આવતું હતું : ઉમેશ રેડ્ડી. તેના પર નાની-મોટી ચોરીઓ અને ઘરફોડીના કેસ નોંધાયેલા હતા. તેનો ગુનાનો ઇતિહાસ જોતાં રાજશેખરને લાગ્યું કે આ જ તે વ્યક્તિ હોઈ શકે છે.
ઉમેશ રેડ્ડીનો ભૂતકાળ એટલો જ અંધકારમય હતો જેટલો તેનો વર્તમાન. તેનો જન્મ 1970ના દાયકામાં ચિત્રદુર્ગમાં થયો હતો. તે નાનપણથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેની યુવાની જેલ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં વીતી. તે ગુના કરવા માટે તેની શારીરિક ક્ષમતાનો ઉપયોગ કરતો. તે ખૂબ જ ઝડપથી પાઈપ પર ચડી શકતો અને દીવાલો કૂદી શકતો હતો. તેની આ ક્ષમતા જ તેના `ગુનાનું હથિયાર' બની ગઈ.
28 ફેબ્રુઆરી, 1998ના રોજ ઉમેશ રેડ્ડીએ એક 37 વર્ષીય વિધવા પર બળાત્કાર ગુજાર્યો અને તેની હત્યા કરી, પણ જ્યારે તેનો આઠ વર્ષનો પુત્ર શાળાએથી ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે રેડ્ડીને જોયો. પરિસ્થિતિનો ત્વરિત લાભ ઉઠાવીને રેડ્ડીએ છોકરાને કહ્યું કે તેની માતાના શરીરમાં ભૂતનો વાસ છે અને તે ડૉક્ટરને લઈને તરત પાછો ફરશે. પછી મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે રેડ્ડીએ મહિલાના મૃત શરીર સાથે પણ ઘણી વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
પોલીસે ઉમેશ રેડ્ડીને પકડવા માટે એક ખાસ યોજના બનાવી. તેમણે ચિત્રદુર્ગ અને બેંગ્લોરનાં વિવિધ સ્થળોએ તેની શોધખોળ શરૂ કરી. આખરે એક ગોપનીય બાતમીના આધારે તેને એક સ્થળેથી ગિરફ્તાર કરવામાં આવ્યો. ઉમેશ રેડ્ડીની ધરપકડથી પોલીસને થોડી રાહત થઈ, પણ આ રાહત ક્ષણિક હતી. ઉમેશ રેડ્ડી એક સામાન્ય ગુનેગાર નહોતો, તે ભાગી છૂટવાની કળામાં માહેર હતો. તેણે પોતાના જીવનમાં કુલ 18 વખત પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને 11 વખત સફળ પણ થયો હતો.
થોડા દિવસ બાદ 2 માર્ચ, 1998ના રોજ રેડ્ડીએ એક ગર્ભવતી મહિલા પર તેના ઘરે હુમલો કર્યો, પણ તે મહિલા ભાગી છૂટવામાં સફળ રહી અને મદદ માટે બૂમો પાડી. પડોશીઓએ તરત જ ભેગા થઈને તેને માર માર્યો અને પછી રેડ્ડીને પોલીસને સોંપી દીધો. તે સમયે પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન. ન્યાયમગૌડા, જેણે ઉમેશ રેડ્ડીને માઈકો લેઆઉટ પોલીસ સ્ટેશનમાં જોયો હતો. તેણે રેડ્ડીની ઓળખ છુપાવવાના પ્રયાસો છતાં તેને ઓળખી લીધો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ `વિધવાના બળાત્કાર-હત્યા કેસમાંથી અમારી પાસે ફિંગરપ્રિન્ટ્સ હતા. પોલીસે હુમલાનો ભોગ બનેલી મહિલાઓ પાસેથી પણ માહિતી એકઠી કરી હતી અને તેમાંથી બે મહિલાઓએ રેડ્ડીને ઓળખી બતાવ્યો.'
એક વખત તેને બેંગ્લોરની સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવી રહ્યો હતો. રસ્તામાં તેણે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી અને ભાગી છૂટ્યો. પોલીસે તેની શોધખોળ માટે મોટું ઓપરેશન હાથ ધર્યું.
શહેરના દરેક ખૂણામાં તેની તસવીરો લગાડવામાં આવી. આખરે તેની ફરીથી ધરપકડ કરવામાં આવી, પણ તેનો ભાગી છૂટવાનો સિલસિલો અહીં અટક્યો નહીં. તેને એક વખત ફરીથી કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો. આ વખતે તે પોલીસકર્મીઓની નજર ચૂકવીને ટ્રેનમાંથી કૂદી ગયો. તેની આ હિંમત અને ચાલાકીએ પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી દીધી હતી.
દરેક વખતે જ્યારે પણ તે ભાગી છૂટતો, ત્યારે તે ફરીથી ગુનાઓ કરવાનું શરૂ કરી દેતો. તેણે પોતાનું નામ અને ઓળખ બદલીને નવા ગુનાઓ આચર્યા. તેણે ક્યાંક ચોરી કરી, ક્યાંક બળાત્કાર ગુજાર્યો અને ક્યાંક હત્યા કરી. તેનો આતંક એક શહેરથી બીજા શહેર સુધી ફેલાઈ ગયો. આખરે કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસની સંયુક્ત ટીમે તેને મુંબઈમાંથી ગિરફ્તાર કર્યો. આ વખતે પોલીસે તેની સુરક્ષામાં કોઈ કસર છોડી નહીં. તેને ખાસ સુરક્ષા હેઠળ બેંગ્લોર લાવવામાં આવ્યો.
પોલીસ કસ્ટડીમાં ઉમેશ રેડ્ડીએ આખરે પોતાના બધા જ ગુનાઓના રાઝ ખોલ્યા. તેણે એક પછી એક પોતાના તમામ ગુનાઓની કબૂલાત કરી. તેનાં નિવેદનોએ પોલીસને પણ હચમચાવી દીધી. તેણે કુલ 21 હત્યાઓની કબૂલાત કરી, જેમાંથી મોટાભાગની હત્યાઓ એકલી રહેતી મહિલાઓની હતી. તેણે સ્વીકાર્યું કે તે લૂંટના ઇરાદે ઘરોમાં ઘૂસતો અને જો કોઈ તેને જોઈ જાય, તો તે કોઈ પણ જાતની દયા વિના હત્યા કરી નાખતો.
ઉમેશ રેડ્ડીનાં નિવેદનોએ માત્ર બેંગ્લોર પોલીસ જ નહીં, પણ દેશભરની પોલીસને ચોંકાવી દીધી હતી. તેણે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ જેવાં રાજ્યોમાં પણ ગુનાઓ આચર્યા હતા. પોલીસે તેનાં નિવેદનોના આધારે ગુનાહિત સ્થળોની ફરીથી તપાસ કરી. એક પછી એક તમામ ગુનાઓનો ભેદ ઉકેલાવા લાગ્યો.
ઉમેશ રેડ્ડી વિરુદ્ધનો કેસ કોર્ટમાં ચાલ્યો. તેના પર સંખ્યાબંધ ગુનાઓ, જેમાં હત્યા, બળાત્કાર અને લૂંટના આરોપ હતા. સરકારી વકીલે કોર્ટમાં તેના ગુનાઓનો સંપૂર્ણ ઘટનાક્રમ રજૂ કર્યો. પોલીસે રજૂ કરેલા પુરાવાઓ, જેમાં તેની કબૂલાત, ફિંગરપ્રિન્ટ્સ અને ગુનાહિત સ્થળોના ફોરેન્સિક પુરાવાઓનો સમાવેશ થતો હતો. તે એટલા નક્કર હતા કે તેનાથી બચવું અશક્ય હતું. ઉમેશ રેડ્ડીએ કોર્ટમાં પણ પોતાની ચાલાકીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પણ આ વખતે તેની કોઈ ચાલ સફળ ન થઈ. કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓનાં નિવેદનોને ધ્યાનમાં લીધાં બાદ તેને દોષિત ઠેરવ્યો.
વર્ષ 2011માં બેંગ્લોરની એક સેશન્સ કોર્ટે તેને મૃત્યુદંડની સજા સંભળાવી. આ ચુકાદાથી પીડિત પરિવારોને થોડી શાંતિ મળી, પણ કાયદાકીય પ્રક્રિયા અહીં અટકી નહીં. ઉમેશ રેડ્ડીએ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે પણ તેની સજાને યથાવત્ રાખી. આખરે તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટે પણ વર્ષ 2018માં તેની અપીલ ફગાવી દીધી.
ઉમેશ રેડ્ડી, જેણે પોતાના જીવનમાં ડઝનબંધ હત્યાઓ કરી હતી, હવે કાયદાના ગાળિયામાં ફસાયેલો હતો. તેની કાયદાકીય લડાઈનો અંત આવી ગયો હતો. 7 મે, 2012ના રોજ કર્ણાટક સરકારે રેડ્ડીની દયા અરજી ફગાવી દીધી. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિએ પણ 12 મે, 2013ના રોજ તેની દયા અરજી ફગાવી દીધી. ત્યારબાદ રેડ્ડીએ નવી અરજી દાખલ કરી, જે હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સમક્ષ પેન્ડિંગ છે. 4 નવેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેની મૃત્યુદંડની સજાને 30 વર્ષની કેદમાં ફેરવી દીધી.
