ધોમ ધખ્યો હતો. તડકો આકરો હતો. ધૂળિયો મારગ આદત મુજબ ધૂળ ઉડાડતો હતો. સ્વામીજીના વિચરણમાં જાણે-અજાણ્યે વિક્ષેપ પડી રહ્યો હતો. શિયાળાની ટાઢ હોય કે હાડ ગાળતો હિમાલય હોય, પણ સ્વામીજી ક્યારેય થડક્યા કે વિચલિત થયા નહોતા, પણ ત્યારે એવું થયું નહોતું.
ગામનું પાદર આવતાં રસ્તાના કાંઠે એક વૃદ્ધાને જોઈ. તે જરી ગયેલા સાડલાના છેડાથી પોતાની ઊંડી ઊતરી ગયેલી આંખોના ખાબોચિયામાંથી ઊભરાતાં આંસુને રોકવાનો જાણે મરણિયો પ્રયાસ કરી રહી હતી. તે જોઈ સ્વામીજીના ચરણ અટકી ગયા. દિલમાં દયા ઊભરાઇ, તેથી પૃચ્છા કર્યા વગર રહી શક્યા નહીં: `માજી, રડો છો કેમ?' પડખે નજર કરી આગળ પૂછ્યું: `આ કોણ છે?' સામે કલ્પાંત સમો જવાબ મળ્યો: `બાપુ, મારો દીકરો તાવમાં ધખધખે છે. ગામના દાગતરે કીધું, મોટા દવાખાને લઇ જાવ.' સ્વામીજીના જીભે આવી ગયું હતું: `તે લઇ જાવને, રાહ કોની જુઓ છો?' પણ માજીની આંખમાં તરવરતી ગરીબાઇથી સ્વામીજી સઘળું પામી ગયા હતા. પોતાની પાસે જે કાવડિયા હતા, તે માજીના હાથમાં આપીને ભારે હૈયે વિચરણ કરવા લાગ્યા હતા. પણ એક વાત મનમાં આંટો વાઢી ગઈ હતી: ગરીબ માણસોને બેવડો માર પડતો હશેને, એક તો માંદગીની પીડા, બીજી મોંઘવારીનો માર ને સારવાર માટે આર્થિક દેણું કર્યાનો ભાર!
આ વાત હતી હિમાલયની કંદરાઓમાં કઠોર તપ, ધ્યાન કરી ચૂકેલા, વેદાંતના પ્રખર જ્ઞાની એવા સ્વામી નિર્દોષાનંદજીની. આ ઘટના પછી રાત વેરણ થઇ હતી. સામે એક વિકરાળ પ્રશ્ન મોં ફાડીને ઊભો થયો હતો: `સ્વામી તમે શાસ્ત્રો ભણ્યા, આત્મા-પરમાત્માની વાતો કરી, પણ જેનો દેહ વ્યાધિથી પીડાતો હોય તેને આ જ્ઞાન ખપ લાગે ખરું?' તો સામે જાણે વીજળી જેવો ચમકારો થયો હતો: `રોગીને ખપ લાગે, સમયસરની સારવાર!' જાત સાથે સંવાદ થયો હતો: `તમે મૂર્તિ કે મંદિરમાં આરતી ઉતારશો પણ માનવમાં વસેલો દેવ દવા કે સારવાર વગર તરફડતો હોય તેનું શું? અને આ માનવસેવા માટેનાં મંદિરો ક્યારે બનશે?'
પછી તો એક સત્સંગસભામાં ભક્તો વચ્ચે નિર્ધાર વ્યક્ત કર્યો હતો: `મારે એક એવું માનવમંદિર બનાવવું છે કે જ્યાં ગામડાનો ગરીબ દર્દી પણ નિ:શુલ્ક સારવાર પામી શકે.' સત્સંગીઓ તો અવાક થઇ ગયા હતા. હજુ હમણાં સુધી તો સ્વામીજી આપ એક એવો આશ્રમ સ્થાપો જ્યાં દિન-રાત જ્ઞાનની ગંગા વહેતી હોય. એવી ચર્ચા થતી ત્યાં સ્વામીજીએ તો હોસ્પિટલ બનાવવાની વાત કરી. એકાએક રવૈયો બદલાઈ કેમ ગયો? મનમાં વસેલા કારણ અને તારણ ઝટ દઈ કોઈને હાથ લાગે એમ નહોતા. કોઈ સાધુ-સંત આશ્રમ ઊભો કરવાનું કહે એવું જ લોકમાનસમાં જડાઇને બરાબર ઘડાઇ ગયું હતું.
`લ્યે કર્ય વાત, સ્વામીએ તો ભારે ગતકડું કાઢ્યું.' ત્યાં કોઈ બીજા વાંકદેખાએ વ્યંગમાં વધારો કર્યો હતો: `એ... આ બધું વાતુંમાં હારુ લાગે, બાકી મફત દવાખાનું હાલે ખરું?' પછી પ્રસ્તાવ કર્યો હતો: `એલા આ મોંઘવારીમાં દાગતરના પગાર, દવા, બીજા ખર્ચા ખમવા ને હંધુંય કમઠાણ ભેગું કરીને હાંકવું ઈ કાંઈ ગગાના ખેલ નથી.' તળમાટીના જાણતલ સ્વામીજી આવી કોઈ ટીકા-ટિપ્પણીથી જરાય અજાણ નહોતા. પછી તો જાહેરમાં જણાવ્યું હતું: `જો જગતનો નાથ સમગ્ર સૃષ્ટિને હવા, પાણી ને ઉજાસ વિના મૂલ્યે આપી શકતો હોય તો એના ગરીબ સંતાનોની સારવાર માટે વ્યવસ્થા નહીં કરી શકે?' ત્યાં કોઈએ ડહાપણ ઉમેરીને કહ્યું હતું: `સ્વામીજી, આ સઘળું વાતુંમાં સારું લાગે, વાસ્તવમાં નહીં.' પણ ત્યાં બીજાએ મમરો મૂક્યો હતો: `સરકારી ગ્રાન્ટ મળે ઈ લેશે.' પણ સ્વામીજી આ બાબતે સ્પષ્ટ હતા: `મારે તો ઉદાર અને મહામના લોકોના હૃદયની ગ્રાન્ટ જોઈએ છે, સરકારી નહીં.' નેવાંનાં નીર મોભે ચઢાવવાં જેવું કપરું કામ હતું.
પણ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીનો જીવનમંત્ર હતો : જ્યાંથી પતન ન થાય એવું અભયપદ પ્રાપ્ત કરો. દીન-દુઃખી, ગરીબોને દુઃખમુક્ત કરવા એ જ સાચો માનવધર્મ છે. તેને ચરિતાર્થ કરવો હતો. સ્વામીજીનો જન્મ કવિ કલાપીના લાઠી પાસે અકાળા ગામમાં થયો હતો. નાનપણથી જ આધ્યાત્મિક રુચિ ધરાવતા હતા. તેઓએ સંન્યાસ ગ્રહણ કરી હિમાલયમાં કઠોર સાધના કરી હતી. વેદાંતના પ્રખર વક્તા હતા. પોતાની કથા દરમ્યાન ઝોળી ફેરવી કહેવા લાગ્યા હતા: `મારે મારા ગરીબ નારાયણો માટે હોસ્પિટલ બનાવવી છે, તમારે યથાશક્તિ જે આપવું હોય તે આપો.' અને લોકોએ સ્વામીજી પરની શ્રદ્ધા અને વિશ્વાસના લીધે આ સત્કાર્ય માટે ઝોળી છલકાવી દીધી હતી.
ભાવનગર જિલ્લામાં ધોળા જંક્શન પાસેના ટીંબી ગામમાં સાકાર થયેલું સ્વામીજીનું સમણું, એક વીસમી સદીની અજાયબીથી જરાય ઓછું નથી. ઓપરેશન થિયેટરમાં વપરાતી સોયથી લઇ મોંઘી દવાઓ તેમજ દર્દી સમેત સાથે આવેલા સગાને પણ સાત્ત્વિક ભોજન મળે છે. સઘળું જ નિ:શુલ્ક. વળી ઊડીને આંખે વળગે એવી સ્વચ્છતા. દર્દીને થાય પોતે પ્રભુના પ્રાંગણમાં પ્રવેશ્યો છે. સ્વામીજી 2009માં બ્રહ્મલીન થયા, પણ માનવસેવા એ જ સાચી સાધના છે એ સૂત્રની સાર્થકતા રૂપે શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ સેવારત છે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો