દરેક દેશની પોતાની આગવી એર ડિફેન્સ સિસ્ટમ હોય છે અને એવી જ રીતે અટેક સિસ્ટમ પણ હોય છે. દરેક દેશ તેને વધુ ને વધુ કડક, સશક્ત બનાવવાના પ્રયત્નો કરતા રહેતા હોય છે, પણ આ બધામાં સૌથી ઘાતક અને નવું આધુનિક યુદ્ધ શસ્ત્ર આવ્યું છે એ છે ડ્રોન. આપણે અહીં વાત કરી રહ્યા છીએ ઇરાનના શાહેદની. શાહેદ - 1૩6 નામક આ ડ્રોન વર્તમાન યુદ્ધકળાનું સૌથી ઘાતક હથિયાર છે. જે `કામિકાઝે' અથવા `સ્યુસાઇડ ડ્રોન' તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે સૌ પહેલાં લક્ષ્ય સાથે અથડાય છે અને પછી વિસ્ફોટ પામે છે.

આમ તો આ ડ્રોન જે હદે ઘાતક ક્ષમતા ધરાવે છે તે મુજબ રશિયા-યુક્રેનના યુદ્ધ વખતથી ચર્ચામાં રહ્યું છે, પરંતુ ઈરાનનું આ ડ્રોન એ ઈરાન દ્વારા વિકસિત એક લોઇટરિંગ મ્યુનિશન છે, જે હવામાં ઘણા વખત સુધી રહી શકે છે અને જેવું તેને લક્ષ્ય દેખાય તે તેના પર ત્રાટકે છે. અત્યારે ચર્ચામાં હોવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે, તેની ટાઇમલીનેસ પરફેક્ટ છે. રશિયાએ યુક્રેનનાં શહેરો અને ઘણાં પાવર હાઉસ પર હુમલો કરવા માટે આ ડ્રોનનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો. જ્યાં તેને ગેરાન - 2 નામ આપવામાં આવ્યું હતું. તો વળી, તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેમ ઇરાને પણ સીધા હુમલામાં ઘણાં મોટાપાયે આ ડ્રોન વાપર્યાં હતાં. તેને લીધે પણ હાલ તે વૈશ્વિકપણે ચર્ચામાં છે.

કહેવાય છે આ ડ્રોનની કિંમત 20 હજારથી લઈને ૩0 હજાર ડોલરની આસપાસની છે. જે મોંઘી મોંઘી મિસાઈલો કરતાં ઘણી ઓછી છે. શાહેદ - 1૩6 દેખાવ કરતાં ઘણું પાવરફુલ છે. ટેક્નિકલી પણ ખાસ્સું અસરકારક છે. આ ડ્રોન `ડેલ્ટા-વિંગ' એટલે કે ત્રિકોણ આકારનું હોવાથી હવામાં સ્થિર રહી શકે છે. તે સાથે જ તેનું એન્જિન પણ ઈરાની બનાવટનું છે, જેમાં માડો MD-550 પિસ્ટન એન્જિન વાપરવામાં આવ્યું છે, જે મૂળે જર્મન ટેક્નોલોજી પર આધારિત છે. આ ડ્રોનના એન્જિનનો અવાજ લોન મોવર એટલે કે ઘાસ કાપવાના મશીન જેવો હોય છે. આ ડ્રોન મુખ્યત્વે સિવિલિયન ગ્રેડ અને ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે તેને અગાઉથી નક્કી કરેલ લક્ષ્ય સુધી લઈ જવામાં મદદ કરે છે. જોકે, આ ડ્રોનની સ્વોર્મ એબિલિટી ગજબની હોય છે. એટલે કે, સમૂહમાં છોડવામાં આવતા આ ડ્રોનના સમૂહમાંથી જો દુશ્મનો એકાદ- બેને તબાહ કરે તો પણ બાકીનાં ડ્રોન મૂળ લક્ષ્ય પાસે પહોંચીને વિસ્ફોટ કરવામાં સફળ રહે છે.

ઈરાને આ ડ્રોનનો ઉપયોગ પોતાની રણનીતિ અનુસાર ઘણાં યુદ્ધમાં કર્યો છે. તેમ રશિયા દ્વારા પણ યુક્રેનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને નાશ કરવા આ ડ્રોન વાપરવામાં આવ્યાં હતાં. ત્યારે યમનના હુતી બળવાખોરો દ્વારા પણ સાઉદીના પેટ્રોલ પંપ નષ્ટ કરવા આ ડ્રોનનો ઉપયોગ કરાયો હતો એવું અહેવાલોનું કહેવું છે. ત્યારે વળી, ઈરાક અને સીરિયાએ પણ અમેરિકી સૈન્ય મથકોને ધ્વસ્ત કરવા માટે આ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. એપ્રિલ-2024માં ઇરાને પણ ઈઝરાયેલ પર આ ડ્રોન વડે સીધો હુમલો કર્યો હતો.

આ પરથી એવું નક્કી થાય છે કે, દરેક વખતે દુશ્મનોને હરાવવા માટે મોટી અને મોંઘી મિસાઈલોની જરૂર નથી હોતી, પણ શાહેદ - 1૩6 જેવા ડ્રોનના ઉપયોગથી પણ યુદ્ધમાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે. આવા ડ્રોન એ ગરીબ દેશો કે કોઈ એક પ્રકારનાં સંગઠનો માટે કોઈ ક્રૂઝ મિસાઇલ સમાન જ સાબિત થઈ શકે છે. જોકે, એ વાત માનવી રહી કે, ડ્રોનની ગતિ થોડી ધીમી છે, પણ તે જ્યારે સેંકડોની સંખ્યામાં હુમલો કરે છે ત્યારે મોંઘામાં મોંઘી અને દુનિયાભરની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માટે તે એક મહત્ત્વનો પડકાર બની જાય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો