બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાને ભારતના સૌથી ધનિક સેલિબ્રિટી તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હોવાનું હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2025 દ્વારા જાહેર થયું છે. આ રિચ લિસ્ટમાં બિઝનેસ, ઈન્ડસ્ટ્રી, એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રોના સૌથી ધનિક ભારતીયોની વિગતો આપવામાં આવી છે. આ વર્ષે શાહરુખની સંપત્તિ 870 મિલિયન ડોલરથી વધીને 1.4 બિલિયન ડોલરે (અંદાજે 12,490 કરોડ રૂપિયા) પહોંચી છે. શાહરુખ બાદ તેની બિઝનેસ પાર્ટનર અને ફ્રેન્ડ જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા બીજા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 880 મિલિયન ડોલર (અંદાજે 7,790 કરોડ રૂપિયા) છે. સ્વાભાવિક છે કે જુહી ફિલ્મોમાં તેની અન્ય જુનિયર અભિનેત્રીઓ જેટલી સક્રિય ન હોવા છતાં બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રી છે. રિતિક રોશન 2,160 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બોલિવૂડની સૌથી ધનિક સેલિબ્રિટીઓમાં ત્રીજા સ્થાને છે, જેમાં તેની બ્રાન્ડ HRXનું મોટું યોગદાન છે. કરણ જોહર 1,880 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા ક્રમે જ્યારે અમિતાભ બચ્ચન પરિવાર 1,630 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે. આ રિચ લિસ્ટમાં સલમાન ખાન, અક્ષય કુમાર વગેરે નથી.
આવતા મહિનાથી યુકેના નવા પાસપોર્ટ
ઉપર કિંગ ચાર્લ્સનું પ્રતીક ચિન્હ છપાશે
ડિસેમ્બરથી યુકેના નવા પાસપોર્ટ પર કિંગ ચાર્લ્સનું પ્રતીક ચિન્હ (કોટ ઓફ આર્મ્સ) છપાશે. તે ઉપરાંત યુકેમાં સામેલ 4 દેશના બેન નેવિસ, ધ લેક ડિસ્ટ્રિક્ટ, થ્રી ક્લિફ બે અને જાયન્ટ કોઝવે એમ ચાર કુદરતી સ્થળો પણ પ્રદર્શિત કરાશે. પાંચ વર્ષમાં પહેલીવાર બ્રિટિશ પાસપોર્ટમાં બદલાવ થવા જઇ રહ્યો છે. પાંચ વર્ષ પહેલાં બ્રિટિશ પાસપોર્ટનો રંગ બ્લૂથી બદલીને બરગન્ડી કરાયો હતો. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પ્રતીક ચિન્હ સાથેના પાસપોર્ટ એક્સપાયર થશે ત્યાં સુધી માન્ય ગણાશે. આમ તો વર્ષ 2023થી જ કિંગના નામે પાસપોર્ટ જારી કરવાનું શરૂ કરી દેવાયું હતું, પરંતુ તેના કવર પર ક્વીનનું પ્રતીક ચિન્હ યથાવત્ હતું.
અમેરિકાની યુનિવર્સિટીઓથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ : 40 ટકાનો ઘટાડો
ઉચ્ચ શિક્ષણ માટે યુએસએ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકા સુધીનો ભારે ઘટાડો નોંધાયો છે. ઘણી અમેરિકન યુનિવર્સિટી ઘણી હદ સુધી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર આધાર રાખે છે. તેમના માટે આ ચિંતાનો વિષય છે. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે એક સમયે ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહેલું અમેરિકા હવે પોતાની ચમક ગુમાવી રહ્યું છે. વિદ્યાર્થીઓ હવે શિક્ષણની ગુણવત્તાની સાથે સાથે વિઝા સ્ટેબિલિટી, રહેવાનો ખર્ચ અને અભ્યાસ પછી કામ કરવાની તકને પણ મહત્ત્વ આપી રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી માટેના મોહભંગ માટે ઘણાં પાસાં જવાબદાર છે. તેમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન પોલિસી અને વિઝા પ્રક્રિયામાં અનિશ્ચિતતા મુખ્ય છે. તે ઉપરાંત, અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ અને રહેવા ખાવાનો વધતો ખર્ચ પણ વિદ્યાર્થીઓને અન્ય કિફાયતી વિકલ્પો શોધવા મજબૂર કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થી હવે વધારે સમજીવિચારીને અને જોખમનું મૂલ્યાંકન કરીને સ્ટડી ડેસ્ટિનેશનની પસંદગી કરી રહ્યા છે. તેઓ એવા દેશોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જે તેમને ભણવાથી રોજગાર સુધીનો રસ્તો આપી શકે. અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન ન લેવા પાછળ ઘણાં મોટાં ફેક્ટર્સ છે. તેમાં વિઝા સાથે સંકળાયેલી સમસ્યાઓ સૌથી સામાન્ય છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ આનાથી પ્રભાવિત છે. અમેરિકાની યુનિવર્સિટીના મોહભંગનું સૌથી મોટું કારણ વિઝા સંબંધી અનિશ્ચિતતા છે. તાજેતરનાં વર્ષોમાં વિઝા સંબંધિત નિયમ ઘણા કડક થઈ ગયા છે.અમેરિકાની નેશનલ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ઓફિસના કહેવા પ્રમાણે અમેરિકામાં આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ માસમાં અમેરિકન યુનિવર્સિટીઝમાં નવું સત્ર ચાલુ થાય છે. ઓગસ્ટ-2024ની સરખામણીએ ઓગસ્ટ-2025માં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓએ આવવાનો ઉમળકો બતાવ્યો નથી. તેના કારણે અમેરિકન યુનિવર્સિટીઝમાં અસંખ્ય બેઠકો ખાલી રહેશે.
પાળેલાં પ્રાણીઓના અંદરોઅંદરના ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ
મધ્યપ્રદેશનામાં પાળેલાં પ્રાણીઓના અંદરોઅંદરના ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવી ગઈ છે. હવે સગાંવહાલાંની મદદથી બંને પતિ-પત્નીને કાયદાકીય સલાહ અપાઇ રહી છે. તેમનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. પતિ-પત્ની બંનેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. બંનેએ ડિસેમ્બર 2024માં લવમેરેજ કર્યા હતા. લગ્ન પછી પત્ની પોતાની સાથે બિલાડી લઈને સાસરે આવી હતી. જ્યારે પતિએ ઘરમાં પહેલાંથી જ કૂતરાં અને માછલીઓ પાળેલાં હતાં. આથી બંને પક્ષનાં પાળેલાં પ્રાણીઓ અંદરોઅંદર ઝઘડતાં રહેતાં હતાં. આ ઓછું હોય તેમ પત્ની છેલ્લા કેટલાક સમયથી તેના પિયરથી સસલું પણ લાવવાની જીદ કરી રહી હતી, પરંતુ પતિ સાથેના મતભેદોના કારણે તે સસલું ભોપાલ પોતાના ઘરે લાવી શકતી નહોતી. આથી છૂટાછેડા માટે પતિ-પત્ની બંને વકીલ પાસે પહોંચ્યાં હતાં. પત્નીનું કહેવું છે કે તેના પતિનો કૂતરો તેની બિલાડી પર હુમલો કરે છે. જ્યારે પતિનું કહેવું છે કે બિલાડી માછલીઓ પર હુમલો કરે છે અને તેને શાંતિથી જીવવા દેતી નથી. હવે તેમને સમજાવવા સહુ કામે લાગ્યા છે.