એમ તો ગુજરાતની પડોશમાં આવેલું મધ્યપ્રદેશ કીમતી પથ્થર એટલે કે હીરા માટે જાણીતું છે, તો તેના પડોશમાં આવેલું ઉત્તરપ્રદેશ પણ એક અનોખા પથ્થર માટે જાણીતું છે. કોટા કહો કે આરસપહાણ જેવા જમીનમાંથી મળતા પથ્થરો વિશેષ હોય છે, તો બાંધકામમાં વપરાતા પથ્થરોની ખાણ પણ મહત્ત્વની છે, પરંતુ ઉત્તરપ્રદેશમાંથી મળતા પથ્થર તો સાવ જ અનોખા છે, એ પથ્થર દુર્લભ ગણાય છે. એ પથ્થરના પ્રેમમાં એકી નજર પડી જવાય એવી તેની અનોખી ભાત છે. એ અનોખા પથ્થર એટલે શજર પથ્થર.
ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશમાં પથરાયેલું બુંદેલખંડ કીમતી પથ્થરો માટે જાણીતું છે, તો પડોશમાં આવેલા મધ્યપ્રદેશમાં આવેલા પન્ના જિલ્લામાં હીરાની ખાણ આવેલી છે, તેથી એ પથ્થરો તો કીમતી જ હોય એ સમજી શકાય એમ છે. ઉત્તરપ્રદેશમાં આવેલા બાંદા જિલ્લામાંથી મળતો પથ્થર પણ કીમતી છે. કુદરતના પેટાળની સક્રિયતાને પગલે જમીનમાં જુદા જુદા પ્રકારના પથ્થરો તથા બીજી ખનિજોની ખાણ આવેલી છે. એ જ રીતે શજર પથ્થર પણ એવો દુર્લભ છે કે તેને ઘડવામાં કુદરતને લાખો વર્ષ નીકળી ગયાં છે. શજર એમ તો ફારસી શબ્દ છે. ભલે એ શબ્દનો અર્થ વૃક્ષ થાય છે, પણ એ ખાસ પથ્થર નદીમાંથી જ મળે છે. એ પણ બાંદા જિલ્લામાં વહેતી કેન નદીના આસપાસના વિસ્તારમાંથી જ આ પથ્થર મળે છે. બાંદા જિલ્લા અને હીરાની ખાણ માટે જાણીતા પન્નાના સરહદ વિસ્તારમાં કેટલાક ખાસ વિસ્તારમાં ડૂબકી મારો કે નદીના પટમાં ડૂબકી મારીને શજર પથ્થર શોધી લાવતા હોય છે. જોકે, નર્મદા નદીમાં ડૂબકી મારીને શ્રદ્ધાળુઓએ ફેંકેલા પૈસાનો સિક્કો શોધવા જેવું આ કામ નથી. એ માટે પારખી નજર પણ હોવી જોઈએ. નદીના પટમાં કે પેટાળમાં અનેક પથરાઓ પડેલા હોય છે, તેમાંથી શજરની પરખ કરવી એ મુશ્કેલ તો છે જ.નદીમાં ડૂબકી મારીને શજર પથ્થર શોધવાનું કામ પણ પેઢી દર પેઢીથી ચાલતું આવેલું છે. પરંપરાગત રીતે શજર પથ્થર પાણીમાંથી શોધવાની કુનેહ કેટલાય પરિવારોમાં પેઢી દર પેઢીથી ઊતરી આવી છે. પાણીમાં રહીને આ ખાસ પથ્થરને શોધવો એ ભગીરથ કાર્ય છે. એ બાદ પથ્થરને ઘસીને તેના પર પોલિશ કરી તેને ખૂબસૂરત બનાવાય છે. આ પથ્થરોને પાસા પાડીને તેમાંથી આભૂષણ બનાવાય છે. આ આભૂષણોની વિદેશમાં ખૂબ માંગ છે. આભૂષણ ઉપરાંત તેમાંથી ખાસ કલાકૃતિ પણ બનાવાય છે.
