મેઘાલય રાજ્યની રાજધાની શિલોંગ કે જેને `પૂર્વનું સ્કોટલેન્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના ઉત્તર-પૂર્વ ક્ષેત્રનું એક આકર્ષક અને લોકપ્રિય હિલ સ્ટેશન છે. તેની સુંદર પહાડીઓ, આહ્લાદક આબોહવા, ધોધ અને જીવંત સંસ્કૃતિ મુલાકાતીઓને શાંતિ અને તાજગી પૂરી પાડે છે. ખાસી પહાડીઓમાં લગભગ 4,908 ફૂટની ઊંચાઈ પર સ્થિત શિલોંગનું નામ એક સ્થાનિક દેવતા `લેઈ શિલોંગ' પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન આ શહેર તેની સુંદરતા અને યુરોપના પહાડી વિસ્તારો જેવી આબોહવાને કારણે પ્રખ્યાત બન્યું હતું, જેના કારણે તેને `સ્કોટલેન્ડ ઓફ ધ ઈસ્ટ'નું ઉપનામ મળ્યું.
શિલોંગની આબોહવા વર્ષભર ખુશનુમા જ રહે છે. ઉનાળો (માર્ચથી મે) હળવો અને આરામદાયક હોય છે, જ્યારે શિયાળો (નવેમ્બરથી ફેબ્રુઆરી) ઠંડો હોય છે. જોકે, મેઘાલયમાં ચોમાસુ (જૂનથી સપ્ટેમ્બર) ભારે હોય છે. આ સમય દરમિયાન રસ્તાઓ પર ધ્યાન રાખવું પડે છે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી જૂન વચ્ચેનો યોગ્ય રહે છે.
સંસ્કૃતિ અને સંગીત
શિલોંગ સંસ્કૃતિ અને સંગીત માટે પણ જાણીતું છે. તેને ભારતનું `રોક કેપિટલ' પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં સંગીત અને રોક બેન્ડ્સ પ્રત્યે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ખાસી, ગારો અને જયંતિયા જાતિના લોકો અહીં વસે છે, જેમની પરંપરાઓ અને વાનગીઓ પ્રવાસીઓને આકર્ષે છે.
શિલોંગની ફરવાલાયક જગ્યાઓ
શિલોંગની મુલાકાત લેતી વખતે નીચેનાં મુખ્ય સ્થળે જરૂર જવું જોઈએ.
શિલોંગ પીક : આ શહેરનું સૌથી ઊંચું બિંદુ છે. અહીંથી આખા શહેર અને આસપાસની ખીણોનું ભવ્ય પેનોરેમિક દૃશ્ય જોવા મળે છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે દૃશ્યો અદ્ભુત હોય છે.
એલિફન્ટ ફોલ્સ : ત્રણ તબક્કામાં નીચે પડતો આ ધોધ શિલોંગથી 12 કિલોમીટર દૂર સ્થિત છે. આ ધોધ ગાઢ હરિયાળીથી ઘેરાયેલો છે અને ફોટોગ્રાફી માટે ઉત્તમ સ્થળ છે.
ઉમિયમ તળાવ : શિલોંગથી 15 કિલોમીટર દૂર આવેલું આ માનવસર્જિત તળાવ એક વિશાળ જળાશય છે. અહીં બોટિંગ અને અન્ય જળ પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકાય છે. શાંત વાતાવરણ અને આસપાસના પહાડોનું પ્રતિબિંબ મનને શાંતિ આપે છે.
ડોન બોસ્કો મ્યુઝિયમ : ઉત્તર-પૂર્વ ભારતનાં આઠ રાજ્યોની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા, વારસા અને હસ્તકલાને દર્શાવતું આ મ્યુઝિયમ ખાસ મુલાકાત લેવા જેવું છે.
પોલીસ બજાર : શિલોંગનું મુખ્ય વ્યાવસાયિક કેન્દ્ર, જ્યાં સ્થાનિક વસ્ત્રો, વાંસની હસ્તકલા અને પરંપરાગત ખાદ્યપદાર્થો ખરીદી શકાય છે. આ શહેરની ધબકતી જીવંતતાનો અનુભવ કરાવે છે.
લેડી હૈદરી પાર્ક : એક સુંદર જાપાનીઝ શૈલીનો બગીચો છે, જે શાંતિપૂર્ણ સહેલગાહ માટે યોગ્ય છે.