કોઈપણ સંસ્થા, સંગઠન કે રાષ્ટ્રને ચલાવવા માટે એક સક્ષમ લીડરની જરૂર હોય છે, પરંતુ સવાલ એ થાય છે કે એક સાચા લીડરની સર્વોચ્ચ પ્રાથમિકતા શું હોવી જોઈએ? શું તેણે માત્ર નૈતિકતા, આદર્શો અને નિયમોની વાતો કરીને સંસ્થા ચલાવવી જોઈએ કે પછી પોતાનો પાવર, પ્રભાવ અને સંસાધનો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? આ દ્વંદ્વ નવો નથી. મહાભારતના શાંતિપર્વમાં જ્યારે ભીષ્મ પિતામહ શરશય્યા પરથી યુધિષ્ઠિરને રાજધર્મ અને લીડરશીપના પાઠ ભણાવે છે, ત્યારે તેઓ અત્યંત વહેવારુ અને કદાચ આજના જમાનાના મેનેજર્સને ચોંકાવી દે તેવી વાત કરે છે. ભીષ્મ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એક લીડરે તેનું સંપૂર્ણ ધ્યાન બળના ઉપાર્જનમાં, એટલે કે પાવર ગેઈન કરવા પર કેન્દ્રીત કરવું જોઈએ.
પિતામહ ભીષ્મના મતે, ધર્મ અને બળ આ બંનેમાં બળનું મહત્ત્વ ઘણું વધારે છે. આ પાછળનું તર્ક એ છે કે એકલો ધર્મ કે નૈતિકતા વ્યવહારિક જગતમાં કશું જ ઉખાડી શકતા નથી. તમારી પાસે ગમે તેટલા સારા વિચારો હોય, ગમે તેટલી શુદ્ધ દાનત હોય, પણ જો એ વિચારોને અમલમાં મૂકવા માટેનું બળ કે પાવર ન હોય, તો એ નૈતિકતા માત્ર કાગળ પર જ રહી જાય છે. એક શક્તિશાળી લીડર જ પોતાના બળના માધ્યમથી સંસ્થા કે સમાજમાં સાચા અર્થમાં ધર્મ અને શિસ્તનું પાલન કરાવી શકે છે. નિર્બળ લીડર ક્યારેય આદેશોનું પાલન કરાવી શકતો નથી, પછી ભલે તે ગમે તેટલો સજ્જન કેમ ન હોય.
આજના કોર્પોરેટ જગતમાં પણ આપણને બે પ્રકારના લોકો જોવા મળે છે : એક છે લીડર અને બીજા છે મેનેજર. એક સામાન્ય મેનેજર માત્ર આપેલા નિયમો, પ્રક્રિયાઓ અને ધારાધોરણોને વળગી રહે છે. તે ધર્મના એ પરંપરાગત માળખામાં જીવે છે જે સંસ્થાએ નક્કી કર્યું છે, પરંતુ એક સાચો લીડર જાણે છે કે જો પાવર અને સંસાધનો નહીં હોય, તો મેનેજમેન્ટના આ બધા નિયમો નકામા સાબિત થશે. શાંતિપર્વમાં ભીષ્મ એક બહુ મોટી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે. તેઓ કહે છે કે ધર્મ અને અધર્મના જે ફળોની વાતો ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવી છે, તે ફળો પૃથ્વી પર ક્યાંય પ્રત્યક્ષ રીતે તરત જ દેખાતા નથી. ઘણીવાર અધર્મી કે અનૈતિક લોકો પણ સત્તા અને વૈભવ ભોગવતા દેખાય છે, જ્યારે પરમ નૈતિક લોકો સંઘર્ષ કરતા જોવા મળે છે. તો પછી એક વ્યવહારુ લીડરે ધર્મ અને અધર્મના કાલ્પનિક ફળોની માયાજાળમાં કે કાગળ પરની નૈતિકતાની વાતોમાં શા માટે સમય બગાડવો જોઈએ?
એના કરતાં વધુ હિતાવહ એ છે કે લીડરે પાવર ગેઈન કરવા પર, પોતાની ક્ષમતા અને બળ વધારવા પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે એક લીડર બળવાન બને છે, ત્યારે જે-તે ક્ષેત્રમાં કે જગતમાં તેની બોલબાલા ઊભી થાય છે. એ બળના માધ્યમથી જ તે સર્વોચ્ચ પ્રતિષ્ઠા, કીર્તિ અને સંપત્તિનું ઉપાર્જન કરી શકે છે.
પરંતુ અહીં એ સમજવું જરૂરી છે કે ભીષ્મ જે બળની વાત કરે છે, તે માત્ર શારીરિક કે લશ્કરી બળ નથી. આજના સંદર્ભમાં આ બળ એટલે આર્થિક સદ્ધરતા, ટેકનોલોજીકલ પ્રભુત્વ, યોગ્ય નેટવર્કિંગ અને નિર્ણય લેવાની ક્ષમતા. જો એક સીઈઓ કે લીડર માત્ર આદર્શોની વાતો કર્યા કરે અને કંપની પ્રોફિટ ન કરે, તો તે લીડર લાંબો સમય ટકી શકતો નથી.
સત્તા અને પાવર વિના કોઈપણ લીડરનો પ્રભાવ શૂન્ય થઈ જાય છે. જ્યારે લીડર પાસે બળ હોય છે, ત્યારે તેની પાછળ આખી સિસ્ટમ આપોઆપ ચાલવા લાગે છે. લીડર અને મેનેજર વચ્ચેનો મૂળભૂત તફાવત જ આ છે કે મેનેજર સત્તાની રાહ જુએ છે, જ્યારે લીડર પોતાની ક્ષમતાથી સત્તા અને બળ ઊભું કરે છે. બળ પ્રાપ્તિનો અર્થ એ નથી કે લીડરે અત્યાચારી કે ક્રૂર બની જવું, પણ તેનો અર્થ એ છે કે તેણે એટલા સક્ષમ અને પ્રભાવશાળી બનવું કે કોઈ તેમના હુકમને પડકારી ન શકે.
શાંતિપર્વનો આ દૃષ્ટિકોણ કદાચ શરૂઆતમાં કઠોર કે ભૌતિકવાદી લાગી શકે, પરંતુ તે અત્યંત વહેવારુ સત્ય છે. એક નેતા કે જે સત્તાવિહીન છે, તે ક્યારેય પોતાના પક્ષ, સંસ્થા કે રાષ્ટ્રનું ભલું નથી કરી શકતો. બળ જ એ ચુંબકીય તત્ત્વ છે જે પ્રતિષ્ઠા અને કીર્તિને ખેંચી લાવે છે. જ્યારે તમારી પાસે પાવર હોય છે,
ત્યારે લોકો તમારી નૈતિકતાને પણ આદર આપે છે. નિર્બળ માણસની સજ્જનતાને દુનિયા તેની લાચારી ગણે છે, જ્યારે બળવાન માણસની નમ્રતાને દુનિયા તેનો ગુણ ગણે છે.
તેથી જ, પ્રત્યેક લીડરે ધર્મની માત્ર વાતો કરવાને બદલે, પૃથ્વી પરના પ્રત્યક્ષ સત્ય એવા `બળ'ને ઓળખવું જોઈએ. બળ મેળવવું એ જ લીડરનો પ્રથમ અને મુખ્ય ધર્મ બની જાય છે, કારણ કે એ બળના પાયા પર જ પ્રગતિ, સમૃદ્ધિ અને સામ્રાજ્યની ભવ્ય ઇમારત ચણી શકાય છે. જો જગતમાં પોતાની બોલબાલા રાખવી હોય અને સફળતાના શિખરો સર કરવા હોય, તો લીડરે પાવર ગેઈન કરવાની પ્રક્રિયાને જ પોતાની અંતિમ સાધના બનાવવી પડશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો