દક્ષિણ એશિયામાં અનેક સુંદર દેશો આવેલા છે, જેમાં શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે. આમ જોવા જઇએ તો શ્રીલંકા એ નાનકડો દેશ છે. શ્રીલંકામાં ભગવાન શ્રીરામ અને રાવણની લંકા સાથે જોડાયેલ અનેક પ્રમાણો મળે છે. આ પ્રમાણોમાં સિગિરિયા રોક કિલ્લો પણ સામેલ છે.સિગિરિયા કિલ્લાને સિંહગિરી અથવા લાયન રોક તરીકે પણ ઓળખવામાં આવે છે. દરિયાઇ સપાટીથી આશરે 370 મીટરની ઊંચાઇ પર આવેલ આ કિલ્લો કુદરતની કરામત નથી, પરંતુ પ્રાચીન સ્થાપત્ય કળા, એન્જિનિયરિંગ અને ઇતિહાસના લોહીલુહાણ સંઘર્ષનો સાક્ષી છે.
સિગિરિયાનો ઇતિહાસ
પાંચમી સદીના રાજા કશ્યપ ઇ.સ. 477થી 495 સાથે સિગિરિયાનો ઇતિહાસ જોડાયેલો છે. કશ્યપ રાજા ધાતુસેનનો પુત્ર હતો, પરંતુ તેની માતા પટરાણી ન હોવાથી તે રાજગાદીનો વારસદાર નહોતો. પરિણામે કશ્યપે સત્તાના મોહમાં પિતાને જીવતા દીવાલમાં ચણી નખાવી તેમની હત્યા કરી, ત્યારબાદ પોતે રાજા બની ગયો. એ સમયે સત્તાનો સાચો વારસદાર અને તેનો ભાઇ મૌગલન જીવ બચાવવા ભારત ભાગી ગયો. કશ્યપ રાજા તો બન્યો, પણ ભવિષ્યમાં ભાઇ વેર ન વાળે એટલે તેણે રાજધાનીને સિગિરિયાના દુર્ગમ પર્વત પર સ્થાપિત કરી દીધી. તેણે આ પર્વતની ટોચ પર એક અત્યંત આધુનિક મહેલ અને આસપાસ અભેદ કિલ્લો બનાવડાવ્યો. જોકે, 18 વર્ષ પછી મૌગલન પાછો આવ્યો અને બંને ભાઇઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું, જેમાં કશ્યપની હાર થઇ. અંતે કશ્યપે આત્મહત્યા કરી અને સિગિરિયા ફરી બૌદ્ધ ભિક્ષુઓ માટે આશ્રયસ્થાન બની ગયું.
એન્જિનિયરિંગની અજાયબી
સિગિરિયાની સ્થાપત્ય કળા અને એન્જિનિયરિંગ આજે પણ સંશોધકો માટે ચર્ચાનો વિષય છે. મહેલના પ્રવેશદ્વાર પર સિંહના બે વિશાળ પંજા કોતરેલા છે. પ્રાચીન સમયમાં અહીં સિંહનું આખું મુખ હતું. જેની અંદરથી સીડીઓ મહેલ તરફ જતી હતી. જોકે, આજે સિંહના પંજા જ અસ્તિત્વ ધરાવે છે, જે આ સ્થાપત્યની ભવ્યતા દર્શાવે છે. કિલ્લાની પશ્ચિમ બાજુની દીવાલ પર રંગીન ચિત્રો બનાવવામાં આવ્યાં છે. આ ચિત્રોમાં રાજકુમારીઓ અને અપ્સરાઓને દોરવામાં આવી છે. નવાઇની વાત તો એ છે કે સદીઓ પસાર થઇ ગઇ હોવા છતાં આ ભીંતચિત્રો આજે પણ એટલાં જ તેજસ્વી લાગે છે. કિલ્લામાં એક દર્પણ દીવાલ છે. આ દીવાલને રાજાના સમયમાં એટલી બધી પોલિશ કરવામાં આવી હતી કે એમાં વ્યક્તિનું પ્રતિબિંબ જોઇ શકાતું હતું. એવું કહેવાય છે કે રાજા પોતાનું પ્રતિબિંબ આ દીવાલ પર જોતા હતો. આજે આ દીવાલ પર જૂના જમાનાના પ્રવાસીઓએ કોતરેલી કવિતાઓ જોવા મળે છે.
સિગિરિયામાં બનાવવામાં આવેલા બગીચા અને ફુવારાઓ એ સમયના હાઇડ્રોલિક એન્જિનિયરિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં વોટર ગાર્ડન્સ બનાવવામાં આવ્યા છે. એ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે એવી નહેરો બનાવવામાં આવી છે. તમને જાણીને નવાઇ લાગશે કે આજે પણ જ્યારે વરસાદ પડે ત્યારે પ્રાચીન ફુવારાઓ આપમેળે કાર્યરત થઇ જાય છે. આ કરામત જોઇને સવાલ થાય કે, 1500 વર્ષ પહેલાં લોકો પાસે દબાણ અને ગુરુત્વાકર્ષણનું આટલું સચોટ જ્ઞાન ક્યાંથી આવ્યું હશે? બીજું, પર્વતની ટોચ પર મહેલની સાથે રાજા માટે એક વિશાળ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો. આટલી ઊંચાઇ પર પથ્થર કોતરીને સ્વિમિંગપુલ બનાવવો એ તે સમયની અદ્ભુત સિદ્ધિ કહેવાય.
રોમાંચક બાબતો
એવું કહેવાય છે કે, સિગિરિયાના કિલ્લા સાથે રામાયણનું કનેક્શન છે. મય દાનવ દ્વારા જે કુબેરનો મહેલ બનાવવામાં આવ્યો હતો,
જેના ઉપર પછીથી રાવણે કબજો કર્યો હતો એ મહેલ એટલે સિગિરિયા. રાવણના કબજા પછી કુબેરના મહેલને રાવણનો મહેલ કહેવામાં આવતો હતો. રાવણ સીતામાતાનું હરણ કરીને પહેલાં આ મહેલમાં લઇ આવ્યો હતો. 1200 સીડીઓ ચઢીને સિગિરિયાની ટોચ પર પહોંચવું એ જીવનના એક યાદગાર અનુભવ સમાન છે. એના ઉપર ચડ્યા બાદનો નજારાને જોઇને એવો અહેસાસ થાય કે રાજાએ એ જમાનામાં પોતાના માટે અદ્ભુત કલ્લેબંધી કરી હતી.
સિગિરિયાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક કિંમતને ધ્યાનમાં લઇને 1982માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી હતી. સિગિરિયા આજે પણ પ્રવાસીઓ અને એન્જિનિયરો માટે આકર્ષક સ્થળ છે. આ સ્થળ કળા અને બુદ્ધિશક્તિનું પ્રતીક છે. એક બાજુ ત્યાં સત્તા માટે લોહિયાળ સંઘર્ષની વાતો છે, તો બીજી બાજુ સ્થાપત્યની અપ્રતીમ સુંદરતા છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
