આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા(ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)એ જાન્યુઆરી, 2026 માટે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અપડેટ જાહેર કરી છે.

આ નોંધમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દર માટે નવી આગાહી રજૂ કરવામાં આવી કે 2026માં વિશ્વ GDP લગભગ 3.3% અને 2027માં 3.2% સુધી વધશે, જે ઓક્ટોબર, 2025ની આગાહી કરતાં નાના ખૂણાથી વધારે છે અને આ વૃદ્ધિનો મુખ્ય આધાર ટેક્નોલોજીમાં રોકાણ, નીતિ આધાર અને ખાનગી ક્ષેત્રની લવચીકતા પર દર્શાવવામાં આવ્યો છે.

આ અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે, કારણ કે વેપાર તણાવ અને ઓછી વૃદ્ધિના સમય વચ્ચે પણ ગ્લોબલ અર્થતંત્ર સ્થિર રહેવાનો સંકેત આશાસ્પદ બાબત છે. સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક મંચ પર દેશો અને કોર્પોરેટ નેતાઓએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી જેમ કે, વૈશ્વિક સહકાર, ટેક્નોલોજી, નીતિ અને પૃથ્વીના મર્યાદિત સંસાધન વચ્ચે સમૃદ્ધિ વધારવાની યોજનાઓ. વિદેશ નીતિના ગંભીર સંદર્ભમાં વૈશ્વિક સ્તરે કેટલાક મુદ્દાઓ વધુ ગરમ રહ્યા. ખાસ કરીને અમેરિકી પ્રશાસન અને યુરોપ વચ્ચે સૈન્ય, અાર્થિક અને સલાહકાર ક્ષેત્રે તણાવ. ઈરાનની પરિસ્થતિ પણ ચર્ચામાં રહ્યા.

ઓસ્ટ્રેલિયામાં શાર્કનો આતંક : 12 વર્ષના કિશોરનું મોત, 30 બીચ બંધ

ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત સિડની હાર્બર વિસ્તારમાં `જમ્પ રોક' નામના સ્થળે પોતાના મિત્રો સાથે 20 ફૂટ ઊંચા ખડક પરથી દરિયામાં કૂદકા મારી રહેલા 12 વર્ષના કિશોર નિકો એન્ટિક પર એક વિશાળ શાર્કે હુમલો કર્યો. નિકો પર થયેલો આ હુમલો એટલો ભયાનક હતો કે એક અઠવાડિયા સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ તેનું અવસાન થયું છે. છેલ્લા 48 કલાકમાં સિડનીના દરિયાકાંઠે શાર્ક હુમલાની કુલ 4 ઘટનાઓ નોંધાઈ છે. દરિયાઈ જીવવિજ્ઞાનીઓના મતે આ હુમલાઓ પાછળ `બુલ શાર્ક' જવાબદાર હોવાનું મનાય છે. આ શાર્ક તેના આક્રમક સ્વભાવ અને મીઠા તેમજ ખારા પાણીના મિશ્રણમાં રહેવાની ક્ષમતા માટે જાણીતી છે. વૈજ્ઞાનિકોએ આ અસામાન્ય વધારા પાછળ ભારે વરસાદ અને ક્લાઇમેટ ચેન્જને મુખ્ય કારણ ગણાવ્યું છે. આ ઘટના બાદ ન્યૂ સાઉથ વેલ્સ સરકારે તાત્કાલિક ધોરણે સિડનીના 30થી વધુ બીચ બંધ કરી દીધા છે. પર્યટકો અને સ્થાનિકોની સુરક્ષા માટે દરિયાકાંઠે ડ્રોન સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે.

ઈન્ડોનેશિયામાં ભીષણ ભૂસ્ખલન અને સ્પેનમાં ખોરવાયેલું જનજીવન

દક્ષિણ-પૂર્વ એશિયાના ટાપુ દેશ ઈન્ડોનેશિયામાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઈન્ડોનેશિયાના પશ્ચિમ બાન્ડુંગ વિસ્તારમાં પાછલા દિવસોમાં થયેલા અતિ ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભીષણ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર પહાડો પરથી ધસી આવેલા કાદવ અને પથ્થરોના કાટમાળ નીચે અનેક મકાનો દબાઈ ગયાં છે. અત્યાર સુધીમાં 8 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 80થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલન એટલું ભયાનક હતું કે આખા ગામનો સંપર્ક મુખ્ય માર્ગોથી તૂટી ગયો છે. બીજી તરફ યુરોપિયન દેશ સ્પેનમાં પણ વાતાવરણમાં આવેલા પલટાએ હાહાકાર મચાવ્યો છે. સ્પેનના કેટલોનિયા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને અવિરત વરસાદને કારણે રેલવે સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સતત બીજા અઠવાડિયે ક્યુમટર ટ્રેન સેવાઓ સ્થગિત રહેતાં હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે. સ્પેનિશ સરકારના મતે આ માત્ર સામાન્ય વરસાદ નથી, પરંતુ બદલાતી આબોહવાની ગંભીર અસરો છે, જે યુરોપના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પડકાર ફેંકી રહી છે. હાલમાં રેલવે લાઈનો પરથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરતાં તંત્ર એલર્ટ મોડ પર છે.

એક તરફ `બોર્ડ ઓફ પીસ'ની સ્થાપનાબીજી તરફ યુદ્ધવાહક જહાજ તૈનાત

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે `બોર્ડ ઓફ પીસ'ની સ્થાપના માટેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. આ સંસ્થાનો ઉદ્દેશ ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષનો કાયમી ઉકેલ લાવવાનો છે. ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ અને અનેક આરબ દેશોએ આ બોર્ડમાં જોડાવા સંમતિ આપી છે. બીજી તરફ ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મધ્ય-પૂર્વના સમુદ્રમાં પોતાનું અત્યાધુનિક એરક્રાફ્ટ કેરિયર (વિમાનવાહક જહાજ) તૈનાત કર્યું છે. ટ્રમ્પે તેને અમેરિકાનું `આર્મડા' (નૌકાદળનો કાફલો) ગણાવ્યું છે. આ પગલાથી આ ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે. અગાઉ ગ્રીનલેન્ડ પર અંકુશ મેળવવાના મુદ્દે અમેરિકાએ યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જોકે, ગત સપ્તાહ દરમિયાન નાટો (NATO) સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ટ્રમ્પે આ ટેરિફ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આર્કટિક સુરક્ષા માટે એક નવું `ફ્રેમવર્ક' તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધોમાં સુધારો થશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો