સંપત્તિ અને સફળતાને જ સુખ માની બેસતા લોકો પાછળથી પસ્તાતા હોય છે. વાસ્તવમાં સાર્થક જીવનથી મળતો આનંદ જ જીવનની અણમોલ ક્ષણ છે. પૈસા પાછળ આખી જીંદગી દોટ મૂક્યા બાદ એ સત્ય સમજાય છે અને એ પછી શાંતિની શોધ શરૂ થાય છે. નવા યુગમાં એ શોધ માટે સાયલન્સ ટુરિઝમનો ક્રેઝ વધી રહ્યો છે!
અઢળક કમાઈ લઈને ભૌતિક સુખની ઘેલછા પૂરી કરવાની લગન સાથે યુવાનીમાં સતત કામ કરતા રહેવાને પગલે, નોકરી કે વ્યવસાયમાં આગળ વધવાનું ધ્યેય પામવાની દોડમાં સતત તણાવ વધતો રહે છે. એ તણાવ હળવો કરવા માટે મહદઅંશે લોકો સિગારેટ કે શરાબને અજમાવે છે. એમાંથી વળી સ્વાસ્થ્યનું નવું જોખમ ઊભું થાય છે. એ તણાવની સાથે સાથે શાંતિ અને સ્વાસ્થ્ય બંને ભરખાઈ જતા હોય છે. અશાંત અને સતત તણાવની વચ્ચે ધ્યાન કરવું ઘણી રાહત આપી શકે છે, પરંતુ એ માટે પાછો સમય છે કોની પાસે? સરવાળે જીવન દોઝખ બની જતું હોય છે. પરંતુ સતત દોડતા રહેવાથી થાકી જવાતું હોય છે. એ સંજોગોમાં બધાને જ બધું છોડીને ભાગી જવાનું મન થતું હોય છે, એમાંથી જ સાયલન્સ ટુરિઝમ શરૂ થયું છે. દુનિયાભરના લોકો વિશ્વભરના એવા સ્થળો છે, જ્યાં કોઈ કોલાહલ ન હોય, શાંતિનો માહોલ હોય અને પ્રકૃત્તિનો નજારો હોય એવા સ્થળોએ લોકોએ પ્રવાસ કરવાનું શરૂ કર્યું છે.
એવા અનેક સ્થળોમાં એક છે બાલીનું ડે ઓફ સાયલન્સ. ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર દર વર્ષે ન્યેપીનો દિવસ ઉજવવામાં આવે છે. એ કોઈ તહેવાર નથી. પરંતુ એ દિવસે એ ટાપુ પર જાણે લોકડાઉન લાગી ગયું હોય એમ રસ્તો સૂમશાન થઈ જતો હોય છે. એક પણ વાહન ચાલતું નથી, ન તો વિમાન ઉડે કે ન તો રાત્રે કોઈ લાઈટ ઝળહળે. આખો દિવસ રાત લોકો ઘરમાં જ ભરાઈ રહીને આત્મચિંતન કરે કે ધ્યાન ધરે. વાસ્તવમાં એ સન્નાટો ઘોંઘાટમાંથી આવનારાને નિરવ શાંતિનો અનુભવ કરાવે, જેની અનુભૂતિ એક નવી સ્ફૂર્તિ જીવનમાં ભરી દે.
તો વળી સાહિત્યિક વારસા માટે જાણીતી આયરલેન્ડની રાજધાની ડબલીનમાં શાંતિનો અહેસાસ માટે લોકો લાયબ્રેરીમાં જાય છે! કેટલીય જુની બુક શોપો છે, ત્યાં પુસ્તકોની સાથે સાથે કેફે સંસ્કૃતિ પણ વિકસી છે. લોકો અહીં ભાગદોડથી દૂર શાંતિના માહોલમાં મગજને શાંતિ મળે. એ જ રીતે સ્પેનના બાર્સિલોનામાં કાઈટ પાર્કમાં પાઈનના ગાઢ જંગલ, તો જુના ખંડેર જેવા ઘરો અને શાંત વાતાવરણ જ પ્રકૃતિમાં તરબોળ કરી એવા છે. અહીં મોબાઈલ, વાતચીત અને બીજા ઘોંઘાટથી દૂર સાવ પક્ષીઓનો કલરવ અલૌકિક અનુભવ કરાવે અને તેને કારણે જ લોકો અહીં મનની શાંતિ માટે આવતા હોય છે.
મનને શાંત કરવું એ જીવન માટે ખૂબ જ જરૂરી છે એટલે જ શાંતિનો અનુભવ થાય એવા સ્થળોએ લોકો પ્રવાસ કરતા થયા છે. ઓસ્ટ્રેલિયામાં સાયલન્ટ કેફે એવું જ એક સ્થળ છે. આ કેફેની વિશેષતા એ છે કે અહીં મોટાભાગના કર્મચારીઓ બહેરા છે. એટલે એમની સાથે સાંકેતિક ભાષામાં જ વાત કરવી પડે. એ કેફેમાં એટલો પણ અવાજ સાંભળવા નહીં મળે. હોટલ હોવા છતાં સંગીત વાગતું નથી, સરવાળે ભોજન- નાસ્તાની સાથે શાંત માહોલ લોકોને આકર્ષે છે. જ્યારે જાપાનમાં ઈચિરાન ટેઈન હોટલ દરેક ગ્રાહકને એક બૂથ આપે છે. ઓર્ડર આપવા માટે પણ કોઈ જ અવાજ કરતું નથી.
એકલા બૂથમાં ઓર્ડર આપી નિરાંતે બેસી શકો, એ માહોલમાં મનમાં ચાલતો શોરબકોર શાંત થવા માંડે. આસપાસ કોઈ જ ન હોય ધ્યાનમાં બેઠા હોય એવો અનુભવ થાય છે. જ્યારે તાઈવાનમાં સાયલન્સ ટુરિઝમ માટે અર્બન જંગલ વિકસાવાયા છે. પાટનગર તાઈપેની વચ્ચોવચ આવેલા જંગલમાં વૃક્ષો, પક્ષીઓ અને કુદરતી માહોલ વચ્ચે શાંતિનો એવો અનુભવ થાય કે તણાવ ઓછો થઈ જાય.
જ્યારે ઈંગ્લેન્ડમાં વળી સાવ અનોખું સ્થળ લોકોને આકર્ષે છે. એમ તો ઓક્સફોર્ડ તેની યુનિવર્સિટી માટે જાણીતું છે. ઓક્સફોર્ડ શહેરમાં સ્ટેશનરીની અનેક જુનીપુરાણી દુકાનો છે. દુકાનની જેમ તેમાં જુના જમાનાનું જ ફર્નીચર છે, પીંછામાંથી બનતી પેન છે, બીજી ચીજો પણ એ જ જમાનાની યાદ અપાવે એવી તો વાતાવરણ પણ એવું જ કોલાહલ વિનાનું એટલે નિરવ શાંતિ જ સ્થપાઈ જાય, એ જ તો ખરો આનંદ ને?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો