એક તો વરસાદી બફારો હતો, કારજમાં આવેલ મનેખનો ધસારો હતો ને તેમાં મૃતકનાં છાજિયાં લેવા ગણી શકાય નહીં એટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓ કુંડાળે પડી હતી. ખુલ્લી જગ્યા ભરચક થઇ ગઈ હતી. પગ મૂકી શકાય એવું રહ્યું નહોતું. કહેવાય કે, હૈયેહૈયું દળાતું હતું. ખટકાનું મરણ હતું એટલે રોકકળ એકધારી ચાલુ હતી. આવા કરુણ માહોલ વચાળે કાન પડ્યું સાંભળવું શક્ય નહોતું. તેમાં હીરને રાજિયા ગાવાના હતા. જ્યાં ઢોલ-નગારાંના નાદ ટૂંકા પડે ત્યાં પિપૂડીનો અવાજ કોણ સાંભળે? પણ રિવાજ કહો કે પરંપરા, પણ રાજિયા, મરસિયા ગાયા વગર ચાલે એવું નહોતું. કહો કે ફરજિયાત હતા.     

 હીરને એક વાતની ધાસ્તી હતી, હું સૌનાં હૈયાં હળવાં કરાવીશ, પણ મારું હૈયું તો ભરેલું રહેશેને?    

મરસિયા ગવડાવવા એ હીરનો પોતાનો ધંધો નહીં પણ વારસાગત ધરમ હતો. પરગણામાં ક્યાંય એવું મૃત્યુ થાય એટલે તેમનું બારમું રાખ્યું હોય કે પછી કારજ, પણ તે દિવસે ત્યાં ગામમાં પહોંચી જવાનું. ત્યાં જઇ છાજિયાં લેવા વેળાએ સૌની વચાળે ઊભા રહી હૈયું ઉલેચાઇ જાય એવા કરુણાસભર સાદે ગાવાનું. સાંભળનાર સૌ કોઈને રડવું ન આવતું હોય તો પણ રડવું આવી જાય. આ જરાય સહેલું નહોતું, પણ કરવું પડતું હતું, કારણ કે આ એક ધરમ સાથે સેવાનું કામ પણ હતું. સ્વજનના મરણના લીધે કોઈને છાતીમાં ડૂમો ભરાઈ જવા છતાં તે મન મોકળું મૂકી રડી શકતું ન હોય તેને રડાવી, હૈયું હળવું કરવાનું હોય, જેથી દુઃખ તો ઓછું થાય સાથે હૃદયના હુમલાની શક્યતા ઓસરી જાય. એક રીતે મનોમાવજતનું કામ હતું.     

પણ હીરને ખુદને છાની કોણ રાખશે. એ ચિંતા કીડીઓના જેમ સુંવાળા શરીરે ચટકા ભરવા લાગી હતી. વળી, પોતાનું રડવાનું જોઈ કોઈ બાઇ મોં ચઢાવીને બોલે પણ ખરી: `અલી બાઇ! તુંને આટલું શેનું રડવું આવે છે?' પછી કોઈ મમરો મૂકે પણ ખરી: `કોને ક્યાં રડવું આવે ઇ ક્યાંય કે'વાય એવું નથી હોં.' શું જવાબ આપવો? થાય કે જવાબ તો હૈયે ને હાથવગો છે, પણ હોઠે આવે એમ નથી.     

`એ બાયું, જરીક આઘી આઘી ઊભી ર્યો તો કૂટવાનું ફાવે.' કોઈ મોટીયાર બાઈ આવું બોલ્યા પછી હીરને નોંધી હતી: `એલી મૂંઇ આ હંધુય તારે કે'વાનું, કરાવવાનું હોય.' આવું સાંભળી હીર સોખમણ અનુભવવા લાગી હતી. થયું હતું, પોતાને આવવાના બદલે ઘરમાંથી બીજી કોઈ બાઇને ધકેલી દેવાની જરૂર હતી, પણ વળતી પળે ઊગી આવ્યું હતું: `મનમાનીતા મનેખના આવા આખર ટાણે ન આવું તો મનખો લાજે.'    

એકવાર દેવરાજે હસતાં હસતાં કહ્યું હતું: `હેં હીર, તારે મારા મરસિયા ગાવા આવવું પડશેને?' ત્યારે હીરથી એકદમ અકળાઈ દેવરાજના મોં આડે હાથ દઈ બોલી જવાયું હતું: `મરે રે તમારા દુશ્મન.'     

છાજિયાં લેવા સ્ત્રીઓ ગોળ કુંડાળે ગોઠવાયા પછી દેવરાજની છબી મનોમન ગોઠવીને ગાવું શરૂ કર્યું હતું: `એ ખાનદાન ખોરડાનો મોભી જાય.' પાછળથી સ્ત્રીઓ ઝીલવા લાગી હતી: `હોય લાડા, હાય હાય.' આ વેળા દરેક સ્ત્રીના હાથ પહેલાં છાતી પર ને પછીથી સાથળ પર કુટાતા હતા. તેનો એકસરખો તાલ કરુણતામાં એક જાતની ગંભીરતા ઊભી કરતો હતો. ઘડીભર સ્થળ-કાળ થંભી સ્તબ્ધ થઇ ગયું હતું. છાજિયાં વધારે ચાલે તો કોઈનું હૃદય બેસી જાય. ભૂતકાળમાં બનાવો બન્યા હતા, તેથી કોઈનું સૂચન આવ્યું હતું: `બાયુ, બાપા ફરતી રેજ્યો!' ગોળ કુંડાળામાં અગ્ર ભાગે હોય તેને વધારે તકલીફ પડે એટલે ફરતા જગ્યા બદલતા રહેવાનું કહેવું પડે, પણ હીરે તો એકધારું ફૂટતું ને ગાતું રહેવાનું હોય, તેની તકલીફની કોણ દરકાર કરે ને કહે: `એ બાયું, બાપા જગ્યા બદલતા ર્યો.' હીર આજ લગી પારકાના મરસિયા ગાતી આવી હતી. હવે પણ પોતાનાના મરસિયા ગાવાનું કેટલું વસમું ને પીડાકારક હોય તે પહેલીવાર સમજાયું હતું, પણ માંહ્યલી પીડા તો મન જ જાણે.     

એકવાર આ દેવરાજ ફળિયામાં આવી ઊભો રહ્યો હતો. કહે: `ગામતરે જાવા નીકળ્યો તે થયું, જસાભાની ખબર પૂછતો જાઉં.' યજમાન સાથે સોળવલા સોના જેવો સાચો ને નક્કર સંબંધ. તે પછી છાશ પીધા વગર જાવા નહોતા દીધા. આ વેળા બેઉ આંખો ઘટક ઘટક કરતી અંતરનો અમીરસ પી ગઈ હતી, પણ છોરું-માવતર જેવાં ઊજળા સંબંધમાં બીજું કાંઇ બોલી કે કબૂલી શકાય એવું નહોતું.     

પછી તો ક્યાંક કોઈ એવા સારા-માઠા પ્રસંગે મળવાનું બને ત્યારે હોઠ હસે, પાંપણ પલકે ને બાકી મનની મનમાં રહી જાય, પણ હીરના મનમંદિરમાં દેવરાજની મૂર્તિ કાયમી સ્થાપિત થઇ ગઈ હતી.     

છાજિયાં લેતી સ્ત્રીઓની ગતિ તેજ થઇ હતી. કોઈ તો દેહનું ભાન ભૂલી જઇ છાજિયાં લઇ રહ્યું હતું. સહિયારા દુઃખમાં સામેલ થવા આભ પણ ટપક ટપક કરતું વરસવા લાગ્યું હતું.     

હીરના હૈયેથી દેવરાજની સારપના ઉદ્ગારો વછૂટવા લાગ્યા હતા ને તે ક્યારે બેભાન થઇ ઢળી પડી તેની હરવર રહી નહોતી. આ વેળા મરસિયા ગાનારીને કાંઇક આપવું જોઈએ એવું સમજી છાજિયાં લઇ છૂટેલી સ્ત્રીઓ હીર પર પાવલી આઠ આનાના સિક્કા નાખી રહી હતી.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો