દિવાળી તહેવાર આવતાંની સાથે જ ભારતભરમાં ફટાકડા ફોડવામાં આવે છે. વાક્ બારસથી લઇને દિવાળી, બેસતું વર્ષ, ભાઇબીજ, લાભ પાંચમ અને દેવ દિવાળી સુધી ભારતના લોકો ફટાકડા ફોડતા જોવા મળે છે.
ફોડવામાં આવતા ફટાકડાઓમાં અવનવી વેરાઇટીઓ જોવા મળે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ભારતના 90% ફટાકડાનું ઉત્પાદન ભારતના તામિલનાડુના શિવકાશીમાં થાય છે, તેથી જ તેને ભારતની ફટાકડા ઉદ્યોગની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. અહીં અંદાજિત 8000 કરતાં પણ વધુ નાના-મોટા ફટાકડાનાં કારખાનાં જોવા મળે છે. શિવકાશીના ફટાકડામાં અવનવી વેરાઇટી જોવા મળે છે. જેમાં ચકરી, કલર ક્રેકર્સ, ક્રેકલિંગ ફટાકડા ઉપરાંત શોટ કેકનો સમાવેશ થાય છે. આ શોટ કેક રંગીન પેટર્ન બનાવે છે, જેમાં `પિક એન શૂટ' અને `બ્લેક ઘોસ્ટ'નો સમાવેશ થાય છે. વધુમાં અહીં સેફ્ટી માચીસનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. અહીં ઉત્પાદિત થતી સેફ્ટી માચીસ ભારતભરમાં જોવા મળે છે. અલબત્ત, ભારતની 80% માચીસનું ઉત્પાદન અહીં કરવામાં આવે છે. આ સિવાય પણ અહીં દર વર્ષે નિતનવા પ્રકારના ફટાકડાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે ફટાકડા ઉદ્યોગમાં ભારતનો ક્રમાંક બીજા નંબરે આવે છે.
દુનિયાના કેટલા દેશોમાં ફટાકડા પર બેન છે?
દુનિયાના કેટલાક દેશોમાં તહેવાર પર અને ન્યૂ યર તેમજ કોઇ ખાસ પ્રસંગે આતશબાજી કે ફટાકડા ફોડવામાં આવે છે, પરંતુ કેટલાક દેશોમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ બેન લગાવવામાં આવ્યો છે. આપણા પાડોશી દેશ નેપાળમાં ફટાકડા પર સખત રીતે બેન લગાવવામાં આવ્યો છે. આ બેન ખાસ કરીને દિવાળી જેવા તહેવાર પર લગાવવામાં આવ્યો છે, જે પાછળ તેમનો ઉદ્દેશ દિવાળી દરમિયાન થતી દુર્ઘટનાને ટાળવાનો છે. વધુમાં જો કોઇ વ્યક્તિ ફટાકડા ફોડે છે તો તેને દંડ તેમજ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવે છે. નોંધનીય છે કે, નેપાળે આ પ્રતિબંધ વર્ષ 2006માં લગાવ્યો હતો. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ફટાકડા પર બેન છે. પાકિસ્તાનમાં લગ્ન અને સમારોહમાં આતિશબાજીની પરવાનગી છે. બ્રિટનમાં પણ ફટાકડા ફોડવા પર સખત રીતે બેન લગાવવામાં આવ્યો છે. અહીં રાત્રે ફટાકડા ફોડવા પર બેન છે. તેમજ પબ્લિક પ્લેસ પર ફટાકડા ફોડવા પર દંડ વસૂલવામાં આવે છે. વર્ષ 1972થી સિંગાપોરમાં પણ ફટાકડા પર બેન લગાડવામાં આવ્યો છે. અહીં પણ ફટાકડા ફોડવા પર તમને જેલ થઇ શકે છે અને ચીનમાં વર્ષ 2014થી કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર બેન લગાડવામાં આવ્યો છે. જોકે, અહીં ન્યૂ યર પર આતશબાજી-ફટાકડા ફોડી શકાય છે.
દિવાળી દીપોત્સવના વર્લ્ડ રેકોર્ડ
ભારતમાં દિવાળીનું અનેરું અને ધાર્મિક મહત્ત્વ છે. ભારતભરમાં દિવાળી પર્વ ખૂબ જ ધાર્મિક રીતે ધામધૂમથી અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. દિવાળી પર્વ દરમિયાન ભારતમાં અને વિદેશોમાં વસતા હિન્દુઓ પોતાના ઘરઆંગણે દીવડાઓ પ્રગટાવતા હોય છે. ગત વર્ષ 2024માં દિવાળી પર બે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધવામાં આવ્યા છે, જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી હતી. આ રેકોર્ડમાં સૌથી વધુ આરતી ઉતારવાનો અને સૌથી વધુ દીવડા પ્રગટાવવાના રેકોર્ડનો સમાવેશ થાય છે. વર્ષ 2024માં અયોધ્યામાં 1,121 વેદાચાર્યો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી, જેની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી હતી. આ સિવાય સરયુ નદીના તટ પર કુલ 25,12,585 દીવડા પ્રગટાવવાનો રેકોર્ડ પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો હતો. ભારતની આ પ્રકારની વિશેષ દિવાળીની ઉજવણીની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવી હતી. આ વર્ષે દીવડા પ્રગટાવવાનો રેકોર્ડ બ્રેક થવાની સંભાવના છે, કારણ કે અયોધ્યામાં યોજવામાં આવતા દીપોત્સવમાં 26,11,000 દીવડા પ્રગટાવવામાં આવશે.