મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે લીડર માટેના જે સૂક્ષ્મ નિયમો સમજાવ્યા છે, તેમાં એક વાત સ્પષ્ટપણે બહાર આવે છે કે માત્ર બુદ્ધિ, કૌશલ્ય (Skill) કે સામર્થ્ય પૂરતું નથી; સફળ નેતૃત્વ માટે અવિરત ઈચ્છાશક્તિ એટલે કેWill અને દૃઢતા અનિવાર્ય છે.

Skill એ તો સાધન છે, પણ Will એ એન્જિન છે જે સાધનને સતત ગતિમાન રાખે છે. એટલે આજે જેમ સાર્વત્રિક રીતે માત્ર સ્કિલ સ્કિલનો કકળાટ ચાલી રહ્યો છે, એમાં ઈચ્છાશક્તિનો પણ ઉમેરો કરવો પડશે. નહીંતર શાંતિપર્વમાં ભીષ્મ સ્પષ્ટપણે કહે છે કે લીડરનું કર્તવ્ય માત્ર જ્ઞાન મેળવવાનું નથી, પણ અણગમતા સંજોગોમાં પણ પોતાના ધ્યેય તરફ અડગ રહેવાનું છે. તેઓ જણાવે છે કે કૌશલ્ય તો સમય સાથે બદલાય છે, પણ સત્ય અને ધર્મ પ્રત્યેની અટલ ઈચ્છાશક્તિજ નેતૃત્વનો પાયો છે. કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની કે આગળ વધવાની `ઈચ્છા' જ લીડરને સામાન્ય માણસથી અલગ પાડે છે. આને સીધી ભાષામાં સમજીએ તો જો લીડર પાસે Skill હોય, પણ Will ન હોય, તો લીડર સંકટ સમયે પલાયન કરી જાય છે અથવા અનિર્ણાયકતામાં અટવાઈ જાય છે, કારણ કે વિલ તમને કરેજ આપે છે. ખોડાયેલા રહેવાની ક્ષમતા આપે છે! આખરે આ `Will' જ લીડરને ભય, લોભ અને અંગત સુખનો ત્યાગ કરીને સમૂહના એટલે કે પોતાની સંસ્થા કે પોતાની પાર્ટીના કલ્યાણ માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

પિતામહ ભીષ્મની સલાહ મુજબ લીડર પાસે સાહસ અને ક્ષમા જેવા ગુણો હોવા અત્યંત જરૂરી છે. સાહસ એ Willનો શારીરિક પ્રયોગ છે, જે પડકારોનો સામનો કરવા માટે જરૂરી છે. જ્યારે લીડર પાસે દૃઢ ઈચ્છાશક્તિ હોય છે, ત્યારે જ તે મહાન જોખમો લેવા સક્ષમ બને છે. Skill તમને જણાવશે કે રણનીતિ શું હોવી જોઈએ, પણ Will તમને તે રણનીતિને છેવટ સુધી વળગી રહેવાની શક્તિ આપશે. ભીષ્મ કહે છે કે લીડરે ભલે નરમ હોવું જોઈએ, પણ નમવું ન જોઈએ. આ અટળતા જ તેની `Will' છે.

શાંતિપર્વમાં એક મહત્ત્વનો વિચાર આત્મનિયંત્રણ એટલે કે સેલ્ફ કંટ્રોલ પર મૂકવામાં આવ્યો છે. ભીષ્મ અનુસાર જે લીડર પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી રાખી શકતો, તે ક્યારેય સફળતાપૂર્વક અન્ય લોકોનું નેતૃત્વ કરી શકતો નથી. આત્મનિયંત્રણ એ Willનું એક સ્વરૂપ છે. ભ્રષ્ટાચાર, આળસ કે વિલાસમાં ન પડવાની દૃઢ ઈચ્છાશક્તિ જ લીડરને પવિત્ર રાખે છે. જો Skill અપ્રતિમ હોય, પણ આત્મનિયંત્રણની Will ન હોય, તો તે Skillનો ઉપયોગ આખરે વ્યક્તિગત સ્વાર્થ માટે થવાનો છે, જે સમૂહ માટે ઘાતક સાબિત થાય છે.

વળી, ભીષ્મ પિતામહ આગ્રહ રાખે છે કે લીડરે પ્રજાનું કે તેની સાથે કામ કરતા લોકોનું મન જાણીને સતત કાર્યરત રહેવું જોઈએ. તેમનું માનવું છે કે લીડરે ક્યારેય અહંકારમાં કે ઘમંડમાં રાચવું ન જોઈએ. આ `અવિરત કાર્ય કરવાની Will' જ લાંબા ગાળાની સફળતાની ચાવી છે. Skill તમને ઝડપી સફળતા આપી શકે છે, પણ માત્ર Will જ તમને પતનમાંથી બચાવશે અને લડાઈ ચાલુ રાખવા માટે પ્રેરશે, ભલે પરિણામો તરત ન મળતાં હોય. ભીષ્મનું આ દર્શન આધુનિક લીડરશિપના કન્ટિન્યૂઅસ સુધારાના સિદ્ધાંત સાથે મેળ ખાય છે.

ઈનશોર્ટ, મહાભારતનું શાંતિપર્વ લીડરશિપના શાશ્વત નિયમોનું પ્રદર્શન કરે છે. ભીષ્મ પિતામહના મતે Skill એ એક આવશ્યક સાધન છે, પણ તે માત્ર એક સાધન છે. જ્યારે લીડર મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, જ્યારે તેની તમામ રણનીતિઓ નિષ્ફળ જાય છે, ત્યારે માત્ર તેની અખૂટ ઈચ્છાશક્તિ (Will) જ તેને ટકાવી રાખે છે અને વિજય તરફ દોરી જાય છે. Skill હારી શકે છે, પણ Will ક્યારેય હાર માનતી નથી. આથી જ સાચા અને સફળ લીડર માટે `Will'નું મૂલ્ય `Skill' કરતાં અનેકગણું વધારે છે.