16 જાન્યુઆરી, 1997ની શાંત અને નિર્જન રાત્રે અમેરિકાના એરિઝોના રાજ્યના ફિનિક્સ શહેરના એક શાંત રહેણાક વિસ્તારમાં બનેલી ઘટનાએ સમગ્ર અમેરિકન ન્યાયપ્રણાલી અને તબીબી વિજ્ઞાનને હચમચાવી મૂકી હતી. એ અંધારી રાત્રે એક એવો અપરાધ આકાર લઈ રહ્યો હતો, જે આગળ જઈને ગુનાહિત ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ અને રહસ્યમય કેસોમાંનો એક બનવાનો હતો. આ વાર્તા છે સ્કોટ ફેલેટર અને તેની પત્ની યાર્મિલા ફેલેટરની. સ્કોટ ફેલેટર એક અત્યંત પ્રતિષ્ઠિત સોફ્ટવેર એન્જિનિયર હતો, જે એક કંપનીમાં કામ કરતો હતો. તે અને યાર્મિલા હાઈસ્કૂલના સમયથી એકબીજાના પ્રેમમાં હતાં. બંને મોર્મોન ધર્મના કટ્ટર અનુયાયીઓ હતાં. તેમનું દાંપત્યજીવન શાંતિપૂર્ણ હતું અને પડોશીઓ કે સગાંસંબંધીઓની નજરમાં તેઓ એક આદર્શ દંપતી તરીકે ઓળખાતાં હતાં. તેમના કોઈ મોટા કૌટુંબિક ઝઘડા કે આર્થિક મુશ્કેલીઓના પુરાવા પણ નહોતા, પરંતુ એ રાત્રે તેમના ઘરમાં કંઈક એવું ઘટ્યું જેણે આ આદર્શ જીવનની કાયમ માટે ધજ્જિયા ઉડાવી દીધી.

ઘટનાની શરૂઆત એ રાત્રે લગભગ 10:00 વાગ્યે થઈ. સ્કોટ ફેલેટર પોતાના ઘરના પાછળના ભાગમાં આવેલા સ્વિમિંગ પુલના પંપની મરામત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે છેલ્લા કેટલાક સમયથી કામના ભારે બોજ અને માનસિક તણાવથી પીડાતો હતો, જેના કારણે તેની ઊંઘ પૂરી થતી નહોતી. સ્કોટ પુલ પંપનું લીકેજ સરખું કરવા માટે મથામણ કરી રહ્યો હતો. રાત્રિના દસ વાગ્યાના સુમારે પડોશમાં રહેતા સ્ટીવન થોમસે પોતાના ઘરના પાછળના ભાગમાંથી અજીબોગરીબ અવાજો સાંભળ્યા. તેણે જ્યારે પોતાની વાડ પરથી ફેલેટર પરિવારના બેકયાર્ડ તરફ નજર કરી, ત્યારે તેણે જે દૃશ્ય જોયું તે જોઈને તેના પગ તળેથી જમીન સરકી ગઈ. સ્ટીવને જોયું કે સ્કોટ ફેલેટર એક સ્ત્રીને પુલના કિનારે ઢસડી રહ્યો હતો અને તેના પર સતત હુમલો કરી રહ્યો હતો.

સ્ટીવન થોમસ સ્તબ્ધ થઈ ગયો. તેણે જોયું કે સ્કોટ તેની પત્ની યાર્મિલા પર તીક્ષ્ણ હથિયાર વડે વારંવાર પ્રહાર કરી રહ્યો હતો. યાર્મિલા લોહીલુહાણ હાલતમાં તરફડી રહી હતી, પરંતુ ક્રૂરતાનો અંત અહીં ન આવ્યો; સ્કોટે યાર્મિલાને ઢસડીને સ્વિમિંગ પુલના પાણીમાં નાખી દીધી અને તેના માથાને પાણીની અંદર દબાવી રાખ્યું, જેથી તેનો દમ ઘૂંટાઈ જાય. આ ભયાનક દૃશ્ય જોઈને સ્ટીવન તરત પોતાના ઘરમાં ભાગ્યો અને 911 પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં પડોશી સ્ટીવને સ્કોટની વધુ કેટલીક વિચિત્ર પ્રવૃત્તિઓ જોઈ. હુમલો કર્યા પછી સ્કોટ ખૂબ જ શાંતિથી બેકયાર્ડમાંથી પોતાના ઘરમાં ગયો. તેણે પોતાના લોહીવાળાં કપડાં ઉતાર્યા, નવાં કપડાં પહેર્યાં, લોહીથી ખરડાયેલાં કપડાં અને એક મોટો શિકારી છરો (હન્ટિંગ નાઇફ) પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યાં અને તે થેલીને પોતાની વોલ્વો કારની ડેકીમાં સંતાડી દીધી. આ તમામ પ્રક્રિયા પૂરી કર્યા પછી તે પોતાના બેડરૂમમાં જઈને સૂઈ ગયો, જાણે કશું બન્યું જ ન હોય.

પોલીસની ગાડીઓ થોડી જ મિનિટોમાં સ્કોટના ઘરની બહાર સાયરનના અવાજ સાથે આવી પહોંચી. અધિકારીઓએ ઘરને ઘેરી લીધું અને પાછળના ભાગમાં તપાસ કરી. સ્વિમિંગ પુલમાં યાર્મિલાનું શરીર તરતું મળી આવ્યું. તેની સાસુ અને તબીબોની તાત્કાલિક મદદ મળવા છતાં યાર્મિલાના શરીરમાં પ્રાણ બચ્યા નહોતા. તેને તાત્કાલિક નજીકની ગુડ સેમરિટન રિજનલ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યાર્મિલાના શરીર પર તીક્ષ્ણ છરાના કુલ 44 ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ ઘા તેની છાતી, પેટ, હાથ અને ડોકના ભાગે હતા, જે દર્શાવતા હતા કે તેણે પોતાનો જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો.

પોલીસ અધિકારીઓએ સ્કોટ ફેલેટરના ઘરનો દરવાજો ખટખટાવ્યો. થોડી વાર પછી સ્કોટ ઉપરના માળેથી નીચે આવ્યો. તેના ચહેરા પર કોઈ ભય, ગભરાટ કે ગુનાની લાગણી દેખાતી નહોતી; તેના બદલે તે મૂંઝાયેલો અને અસ્તવ્યસ્ત દેખાતો હતો. જ્યારે પોલીસે તેને તેની પત્ની વિશે પૂછ્યું અને ધરપકડ કરી, ત્યારે સ્કોટે દાવો કર્યો કે તેને કશું જ ખબર નથી. તે સતત કહેતો રહ્યો કે તે ઊંઘમાં હતો અને તેણે પોતાની પત્ની પર આવો ભયાનક હુમલો કર્યો છે તેની તેને કોઈ જાણકારી નથી, પરંતુ ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સ્કોટના આ દાવા સાથે મેળ ખાતા નહોતા. પોલીસે તેની વોલ્વો કારની ડેકીમાંથી લોહીવાળાં કપડાં, ગ્લવ્ઝ, બૂટ અને હત્યામાં વપરાયેલો 6 ઈંચનો શિકારી છરો જપ્ત કર્યો.

આ ઘટના બાદ અમેરિકાના કાનૂની ઇતિહાસમાં એક અભૂતપૂર્વ કેસની શરૂઆત થઈ. જૂન, 1999માં મેરિકોપા કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જ્યારે સ્કોટ ફેલેટર સામે પ્રથમ ડિગ્રી મર્ડર(પ્રથમ શ્રેણીની હત્યા)નો મુકદમો શરૂ થયો, ત્યારે આખો દેશ આ કેસના ચુકાદાની રાહ જોઈ રહ્યો હતો. પ્રોસિક્યુટર માર્ક ગ્રીને આ કેસને અત્યંત ગંભીર અને આયોજિત હત્યા ગણાવી. પ્રોસિક્યુશનનો મુખ્ય તર્ક એ હતો કે કોઈ પણ વ્યક્તિ ઊંઘમાં આટલી બધી જટિલ અને ક્રમબદ્ધ ક્રિયાઓ કરી શકે નહીં. સ્કોટે 44 વખત છરાના ઘા ઝીંક્યા, પત્નીને પુલમાં ડુબાડી, પોતાના લોહીવાળાં કપડાં બદલ્યાં, હાથ ધોયા, પુરાવાનો નાશ કરવા માટે છરો અને કપડાં પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને કારની ડેકીમાં સંતાડ્યાં, કારને લોક કરી અને પછી ઘરનો પાછળનો દરવાજો લોક કરીને ફરીથી સૂઈ ગયો. પ્રોસિક્યુશન મુજબ આટલી જટિલ પ્રવૃત્તિઓ માત્ર જાગૃત અને સભાન મગજ જ કરી શકે.   

બીજી તરફ સ્કોટ ફેલેટરના બચાવ પક્ષના વકીલ રિચાર્ડ બાઇન્ડરે `સોમનામ્બ્યુલિઝમ' એટલે કે ઊંઘમાં ચાલવાની બીમારીની દલીલ રજૂ કરીને સ્કોટને બચાવવાનો પ્રયાસ કર્યો. બચાવ પક્ષે અદાલતમાં તબીબી નિષ્ણાતો અને સ્લીપ ડિસઓર્ડરના નિષ્ણાતોને રજૂ કર્યા. ડૉ. રોઝાલિન્ડ કાર્ટરાઇટ અને ડૉ. રિચાર્ડ બૂટઝિન જેવા અગ્રણી સ્લીપ એક્સપર્ટ્સે અદાલતમાં સાક્ષી આપતાં જણાવ્યું કે સ્કોટના પરિવારમાં ઊંઘમાં ચાલવાનો ઈતિહાસ હતો. સ્કોટ નાનપણથી જ ઊંઘમાં ચાલવાની ગંભીર સમસ્યાથી પીડાતો હતો. તબીબોએ દલીલ કરી કે ભારે માનસિક તણાવ, અતિશય થાક અને ઊંઘની કમીને કારણે સ્કોટ `સિવિયર સોમનામ્બ્યુલિઝમ'ની સ્થિતિમાં જતો રહ્યો હતો. આ સ્થિતિમાં વ્યક્તિનું મગજ અર્ધજાગૃત અવસ્થામાં હોય છે અને તે જટિલ શારીરિક ક્રિયાઓ કરી શકે છે, પરંતુ તેને પોતાની ક્રિયાઓનું ભાન કે તેના પરિણામની સમજ હોતી નથી.

અદાલતમાં વિજ્ઞાન અને કાયદા વચ્ચેનો જંગ વધુ રોમાંચક બન્યો. પ્રોસિક્યુશને સ્લીપ એક્સપર્ટ્સ સામે સવાલોનો મારો ચલાવ્યો. તેમણે પૂછ્યું કે શું ઊંઘમાં ચાલતી વ્યક્તિ ક્યારેય કોઈના પર 44 વખત હુમલો કરી શકે? શું તે કૂતરાને ભસતો સાંભળીને તેને શાંત કરી શકે? અને સૌથી મહત્ત્વનું, શું તે પુરાવા છુપાવવા માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીને પુરાવાઓ અને હથિયારને કારની ડેકીમાં મૂકી શકે?

પ્રોસિક્યુશને દાવો કર્યો કે આ બધી પ્રક્રિયાઓ સ્વ-બચાવ અને ગુનો છુપાવવાની સભાન મનોવૃત્તિ દર્શાવે છે. તેઓએ એવી પણ દલીલ કરી કે સ્કોટ અને યાર્મિલા વચ્ચે મૂર્તિપૂજા અને બાળકોના ઉછેરને લઈને અંદરખાને કેટલાક મતભેદો હતા. જોકે, આ મતભેદો હત્યા કરવા જેટલા મોટા નહોતા.

ટ્રાયલ દરમિયાન સ્કોટ ફાલેટરે પોતે પણ સાક્ષી બોક્સમાં ઊભા રહીને જુબાની આપી. તેણે આંસુ ભરેલી આંખો સાથે અદાલતને કહ્યું કે તે પોતાની પત્નીને પ્રેમ કરતો હતો અને તેને નુકસાન પહોંચાડવાનું તે સ્વપ્ને પણ વિચારી શકે નહીં. તેણે કહ્યું, `મને માત્ર એટલું જ યાદ છે કે હું સૂઈ ગયો હતો અને પછી પોલીસે મને જગાડ્યો. વચ્ચે શું બન્યું તેની મને કોઈ સ્મૃતિ નથી.' સ્કોટનો આ નિખાલસ ચહેરો અને તેની આંખોમાં દેખાતો પસ્તાવો કેસને વધુ ગૂંચવણભર્યો બનાવતો હતો.

જ્યૂરી માટે આ નિર્ણય લેવો અત્યંત મુશ્કેલ હતો. તેમને નક્કી કરવાનું હતું કે શું સ્કોટ ફેલેટર એક શાતિર અને ચતુર હત્યારો હતો, જેણે ઊંઘમાં ચાલવાનું નાટક કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો અથવા તો તે ખરેખર પોતાના મગજની એક અત્યંત દુર્લભ અને ભયાનક તબીબી સ્થિતિનો શિકાર બન્યો હતો જેના પર તેનો કોઈ કાબૂ નહોતો.

જ્યૂરીએ કલાકો સુધી ગહન વિચારવિમર્શ કર્યો. દરેક પુરાવા, પડોશીની જુબાની, તબીબી રિપોર્ટ્સ અને ઘટનાના કાળક્રમની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. આખરે જૂન, 1999માં જ્યૂરી પોતાના ચુકાદા પર પહોંચી. જ્યૂરીએ માન્યું કે જોકે, ઊંઘમાં ચાલવાની ઘટનાઓ શક્ય છે, પરંતુ આ કેસમાં ગુના પછી પુરાવા છુપાવવાની જે પદ્ધતિસરની કવાયત કરવામાં આવી હતી તે અર્ધજાગૃત મગજ દ્વારા થવી અશક્ય હતી. જ્યૂરીએ સ્કોટ ફેલેટરને પ્રથમ ડિગ્રી મર્ડર માટે દોષિત ઠેરવ્યો.

અદાલતે સ્કોટ ફેલેટરને કોઈ પણ પ્રકારની પેરોલ વગર આજીવન કેદની સજા ફટકારી. આ ચુકાદા સાથે જ અમેરિકાના કાનૂની જગતમાં સોમનામ્બ્યુલિઝમ ડિફેન્સની સીમાઓ સ્પષ્ટ થઈ ગઈ. સ્કોટ ફેલેટરને એરિઝોના સ્ટેટ પ્રિઝન કોમ્પ્લેક્સમાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં તે આજે પણ પોતાની આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. સ્કોટ ફેલેટરનો આ કેસ આજે પણ વિશ્વભરની લો સ્કૂલો અને ફોરેન્સિક સાયન્સના અભ્યાસક્રમોમાં એક લેન્ડમાર્ક કેસ તરીકે ભણાવવામાં આવે છે, જે માનવ મગજની અગાધ જટિલતા અને કાયદાની સીમાઓ વચ્ચેના સંઘર્ષની એક અમર અને રોમાંચક દાસ્તાન બનીને રહી ગયો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો