ફિફા વર્લ્ડકપનું સમાપન થયું છે. 4 વખતની વર્લ્ડકપ વિજેતા જર્મની માટે આ ટૂર્નામેન્ટ કોઈ ખરાબ સપના જેવી સાબિત થઈ છે. ગ્રૂપ સ્ટેજમાં એક્વાડોર સામે 2-1થી હાર્યા બાદ, રાઉન્ડ ઓફ 32ના નોકઆઉટ મુકાબલામાં જર્મનીને અંડરડોગ ગણાતી પેરાગ્વેની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને બહાર ફેંકી દીધું છે. આ શરમજનક પ્રદર્શન બાદ જર્મનીના દિગ્ગજ ગોલકીપર મેન્યુઅલ ન્યુઅરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ ઉપરાંત બે વખતની ભૂતપૂર્વ ચેમ્પિયન ઉરુગ્વેની ટીમ ગ્રૂપ-Hમાં એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી અને સાઉદી અરેબિયા તથા કેપ વર્ડે સામે નબળું પ્રદર્શન કરીને ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ છે. બીજી તરફ ફૂટબોલ નકશા પર પ્રમાણમાં નાના ગણાતા દેશોએ કમાલ કરી છે. આફ્રિકન ટાપુ દેશ કેપ વર્ડે(Cabo Verde)એ ફૂટબોલ જગતને સ્તબ્ધ કરી દીધું છે. તેમણે ભૂતપૂર્વ ચેમ્પિયન સ્પેનને ગોલરહિત (0-0) ડ્રો પર રોકી રાખ્યું હતું અને પોતાના ગ્રૂપમાં અજેય રહીને નોકઆઉટમાં જગ્યા બનાવી છે. આ ઉપરાંત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો(DR Congo)એ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મજબૂત પોર્ટુગલ ટીમને 1-1થી ડ્રો પર રોકીને મોટી ઊલટફેર કરી હતી. મોરોક્કોએ પણ બ્રાઝિલને 1-1ની બરાબરી પર રોકીને સાબિત કર્યું કે હવે ફૂટબોલમાં કોઈ નાનું કે મોટું રહ્યું નથી. નાના દેશોના આ જુસ્સાએ 2026ના વર્લ્ડકપને ઇતિહાસનો સૌથી રોમાંચક વર્લ્ડકપ બનાવી દીધો હતો. 

ભારતીય સ્પેસ સેક્ટરમાં ઇતિહાસ : ઇસરોના સહયોગથી પ્રથમ પ્રાઇવેટ રોકેટનું લોન્ચિંગ

ઇસરોમાં વૈજ્ઞાનિકોનાં રાજીનામાં વચ્ચે ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા(ISRO)ના ઈતિહાસમાં અને ભારતના ખાનગી સ્પેસ સેક્ટર માટે જુલાઈનું આ ત્રીજું સપ્તાહ સુવર્ણ અક્ષરે લખાશે. બેંગલુરુસ્થિત સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ `સ્કાયરૂટ એરોસ્પેસ' (Skyroot Aerospace) દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત ભારતનું પ્રથમ ઓર્બિટલ-ક્લાસ પ્રાઇવેટ રોકેટ `વિક્રમ-1' (Vikram-1) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થવા જઈ રહ્યું છે. `મિશન આગમન' નામની આ ઐતિહાસિક ઉડાન ઈસરોના સંપૂર્ણ ટેક્નિકલ સપોર્ટ અને લોન્ચપેડ સુવિધા સાથે સાકાર થઈ રહી છે. 7 માળ જેટલી ઊંચાઈ ધરાવતું આ મલ્ટિ-સ્ટેજ રોકેટ ઓલ-કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચર અને 3D-પ્રિન્ટેડ એન્જિનથી સજ્જ છે, જે 350 કિલો સુધીના સેટેલાઈટ્સને પૃથ્વીની નીચલી કક્ષા(LEO)માં સ્થાપિત કરી શકે છે. ખાનગી કંપનીના આ સાહસથી સ્મોલ સેટેલાઈટ લોન્ચ માર્કેટમાં ભારત વૈશ્વિક હબ બનવા તરફ આગળ વધશે. 

એશિયાઈ હાથીઓ સમુદ્ર સપાટીથી 3,266 મીટરની ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યા   

વન્યજીવ ક્ષેત્રે ભારતમાંથી બે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અહેવાલો આવ્યા છે. પ્રથમ ઘટનામાં વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર (WWF-India) અને અરુણાચલ પ્રદેશ વન વિભાગના સંયુક્ત રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, એશિયાઈ હાથીઓ સમુદ્ર સપાટીથી 3,266 મીટરની ઐતિહાસિક ઊંચાઈ પર (ઇગલનેસ્ટ વાઇલ્ડલાઇફ સેન્કચ્યુઅરીમાં) કેમેરા ટ્રેપમાં કેદ થયા છે, જે વિશ્વમાં હાથીઓની સૌથી વધુ ઊંચાઈ પર હાજરીનો નવો રેકોર્ડ છે. ક્લાઈમેટ ચેન્જ અને માનવ દખલના કારણે હાથીઓ પહાડો તરફ જઈ રહ્યા છે. બીજી તરફ આ જ સપ્તાહે આસામ સરકારે દર વર્ષે 150થી વધુ માનવ જિંદગીઓ લેતા `માનવ-હાથી સંઘર્ષ'(Human-Elephant Conflict)ને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વન સિવાયના વિસ્તારોમાં હાથીઓ પર નિયંત્રણ મેળવવા માટે પરંપરાગત પદ્ધતિ `મેળા શિકાર' (જંગલી હાથીઓને પકડીને પાળવાની પ્રક્રિયા)ને વૈજ્ઞાનિક અભ્યાસ બાદ પુનઃ જીવિત કરવા કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની કવાયત હાથ ધરી છે.  

ટ્વેન્ટી-20 ક્રિકેટમાં એક જ મેચમાં સદી, 

હેટ્રિકનો રેકોર્ડ ધરાવતા ડેનલીની નિવૃત્તિ

ક્રિકેટ જગતમાં ઇંગ્લેન્ડના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન અને ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ ખેલાડી જો ડેનલીએ (Joe Denly) 2026ની ચાલુ સીઝનના અંતે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટ્વેન્ટી-20 ક્રિકેટમાં એક જ મેચમાં સદી અને હેટ્રિક લેવાનો અનોખો રેકોર્ડ ધરાવતા ડેનલીની નિવૃત્તિથી કાઉન્ટી ક્રિકેટના એક યુગનો અંત આવશે. બીજી તરફ ન્યૂયોર્ક ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત `TIME100 સ્પોટ્સ ગર્લા'(TIME100 Sports Gala)માં વૈશ્વિક સ્તરે નવા રેકોર્ડ સર્જનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું, જેમાં 2026 વિન્ટર ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ફિગર સ્કેટર એલિસા લિયુ (Alysa Liu) અને ન્યૂયોર્ક નિક્સ ટીમને 50 વર્ષ બાદ ઐતિહાસિક એનબીએ (NBA) ચેમ્પિયનશિપ જિતાડનાર જેલન બ્રુન્સનની સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી હતી.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો