સંશોધન મુજબ માનવી આફ્રિકામાં ઉત્ક્રાંતિ પામ્યા બાદ તે આખી દુનિયામાં વસી ગયો છે, પરંતુ એક ટાપુ એવો છે કે જ્યાં માનવી જઈ શકતો નથી. એ ટાપુ પર ડગલે ને પગલે મોત મોં ફાડીને ઊભું હોય ત્યારે ત્યાં જવાની હિંમત પણ કોણ કરી શકે? હા, આપણી પૃથ્વી પર જ એક ટાપુ એવો છે, જ્યાં માનવી જઈ શકતો નથી, કેમ કે ત્યાં ચારેબાજુ મોતનો પર્યાય બની રહેલા સાપો જ સરકતા નજરે પડે. એ ટાપુ એટલે સ્નેક આઈલેન્ડ !
માનવી ઉત્ક્રાંતિ પામીને આફ્રિકાથી નીકળીને અમેરિકાથી ન્યૂઝીલેન્ડ સુધી આખી દુનિયામાં વસતો ગયો છે. આજે દરેક ખંડમાં માનવી જોવા મળે છે. હા, આર્કટિક ખંડ પર માનવી વસ્યો નથી, પરંતુ સંશોધન માટે તે સતત અવરજવર કરતો રહે છે. કેટલાક ટાપુ હજુ પણ વેરાન છે, જ્યાં માનવી વસ્યો નથી. એમ તો માનવી એવો વિનાશક રહ્યો છે કે વાઘ-સિંહ જેવાં પ્રાણીઓને પણ નામશેષને આરે પહોંચાડી દેતો હોય ત્યારે જમીન પર સરકતા કોઈ જીવથી માનવી પગ પણ માંડી ન શકે એવું તો વિચારી પણ ન શકાય. એ વિચાર ભલે ન આવે, પણ વાસ્તવિકતા એ જ છે કે બ્રાઝિલનો એક ટાપુ એવો છે કે જ્યાં માનવી જતાં થરથર ધ્રૂજી ઊઠે છે. એ ટાપુ પર સાપોનું વર્ચસ્વ એટલું છે કે ડગલ ને પગલે સાપ જ નજરે પડી જાય.
સાપ ઝેરી પણ હોય અને બિનઝેરી પણ હોય છે. આખી દુનિયામાં સાપોની જુદી જુદી 3 હજાર પ્રજાતિ વસે છે. એ ખરું કે સાપ માનવીનો મિત્ર પણ છે. ખેતરમાં દેડકા તથા બીજા જીવોને ભરખી જઈને તે ખેતી બચાવે છે. છતાં સાપની કેટલીક પ્રજાતિ એટલી ઝેરી હોય છે કે દંશે તો પાણી પણ પીવા ન રહીએ. સામાન્ય રીતે માનવીનો પગરવ સાંભળીને પણ તે દૂર જતો રહે છે. જમીન પર એટલી ઝડપથી સરકી જતો હોય છે કે પળવારમાં તે દેખાતો પણ બંધ થઈ જાય છે. છતાં ક્યારેક તેને ભય લાગે ત્યારે ડંશ મારવાનું પણ ચૂકતો નથી. એમાંય વાઈપર સાપ ખૂબ જ ઝેરી હોય છે. વાઈપર સ્નેક ડંખ મારે તો ક્ષણમાં જ રામ નામ સત્ય હૈ થઈ જતું હોય છે. આપણે આસપાસમાં જોઈએ તો બિનઝેરી સાપ વધુ જોવા મળે છે, પરંતુ બ્રાઝિલના દક્ષિણ કિનારે આવેલો સ્નેક આઈલેન્ડ ટાપુ પર હજારો સાપ રહે છે. એ સાપોમાં પણ સૌથી વધુ ઝેરી ગણાતા લાન્સહેડ વાઈપર સ્નેક વસે છે. આ ખડકાળ ટાપુ પર બે હજારથી વધુ લાન્સહેડ વાઈપર સાપ હોવાનું માનવામાં આવે છે.
ફક્ત લાન્સહેડ વાઈપર સ્નેક સિવાય બીજા કોઈ જીવો ભાગ્યે જ જોવા મળે છે, એમ કેમ? વિજ્ઞાનીઓ માને છે કે લગભગ 11000 વર્ષ પહેલાં સમુદ્રની જળસપાટી વધવાને કારણે આ ટાપુ અમેરિકા ખંડની મુખ્ય ભૂમિથી તે અલગ થઈ ગયો હતો. એ સમયે સ્નેક આઈલેન્ડ પર ગોલ્ડન લાન્સહડ વાઈપર સાપ એ ટાપુ પર ફસાઈ ગયા હતા. એ સમયથી આ ઝેરી સાપ નાના-મોટા જીવજંતુઓ અને પક્ષીઓનો શિકાર કરીને અસ્તિત્વ ટકાવી રહ્યા છે. સતત સાપનો ભોગ બની જવાને કારણે હવે એ ટાપુ પર પક્ષીઓ કે બીજા નાના જીવો તો જોવા મળતા જ નથી. હા, તો સવાલ એ થાય કે તો સાપ કઈ રીતે જીવતા હશે? જીવવા માટે ખોરાક પણ જરૂરી ખરોને?
ટાપુ પર પક્ષીઓ વસતાં નથી, પરંતુ બીજાં અનેક પ્રવાસી પક્ષીઓ ટાપુ પર લટાર મારવા આવતાં હોય છે. એ પક્ષીઓને મારીને સાપ પેટ ભરી લેતા હોય છે. કદાચ, એ જ કારણ છે કે આ સાપનું ઝેર એટલું કાતિલ થઈ ગયું છે કે ઊડીને ભાગી જતાં પક્ષીઓ પણ બચી શકતાં નથી. આટલા કાતિલ ઝેરવાળા સાપોની વસ્તી જ વસતી હોય, ત્યારે માનવી ત્યાં પહોંચે તો પાછો જીવિત આવે એવી સંભાવના સાવ ઓછી રહે છે. એ જ કારણે બ્રાઝિલે 1985માં એ ટાપુ પર જવા ઉપર પ્રતિબંધિત મૂકી દીધો છે. એમ તો એ વર્ષે ટાપુને સંરક્ષિત ઈકોસિસ્ટમ જાહેર કરીને સાપની સુરક્ષા માટેનાં તમામ પગલાં લેવાયાં છે અને એ કારણે જ લગભગ ચાર દાયકાથી માનવી એ ટાપુ પર ગયો નથી, જઈ શકતો નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો