આ લખાય છે ત્યારે `વિશેષ માનસિક સ્થિતિ'માંથી પસાર થઇ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયા સામે ટેરિફ-ટેરિફના નામે ફૂંફાડા મારી રહ્યા છે. ભારત જેવા દેશ સામેથી તો એ રીતસર ઝેર ઓકી રહ્યા છે. જિઓપોલિટિક્સના નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનું આ `ઝેર' ઘાતક છે, પણ જીવલેણ નથી. જો ભારતની સરકાર અને પ્રજા આફતમાં અવસર શોધીને સાવચેતીપૂર્વક ચાલશે તો આ ઝેર જ ભવિષ્યમાં દેશની ઇકોનોમી માટે `અમૃત' જેવું કામ કરશે. આમેય કહેવત છે કે ઝેરનું મારણ ઝેર. સાપના કાતિલ ઝેરમાંથી જ ઝેરનું મારણ બને છેને! સો ફ્રેન્ડ્સ, આજે આપણે સર્પના ઝેર વિશે જ થોડી વાતો કરવાની છે.
સાપના ઝેરમાંથી જ તેનો એન્ટિડોટ (ઝેર વિરોધી દવા) બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં સાપના ઝેરને અલ્પ માત્રામાં ઘોડા કે બકરી જેવાં પ્રાણીઓના શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ પ્રાણીઓની રોગપ્રતિકારક શક્તિ સર્પના ઝેર વિરુદ્ધ એન્ટિબોડીઝ બનાવે છે. પછી આ એન્ટિબોડીઝને શુદ્ધ કરીને એન્ટિવેનમ (એન્ટિડોટ) તૈયાર કરવામાં આવે છે, જે સાપના ઝેરની અસરને નિષ્ક્રિય કરે છે. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને વૈજ્ઞાનિક રીતે નિયંત્રિત હોય છે. ઝેરનું મારણ ઝેરવાળી કહેવત વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સંપૂર્ણ સાચી જ છે. વાસ્તવમાં સાપનું ઝેર અનેક શક્યતાઓનો ભંડાર છે. વૈજ્ઞાનિકો સાપના ઝેર પર વિવિધ સંશોધનો કરતા જ રહે છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ ઝેરના એન્ટિડોટ સિવાયની પણ ઘણી દવાઓ સાપના કાતિલ ઝેરમાંથી જ બને છે, કારણ કે સાપના ઝેરની રાસાયણિક સંરચના અત્યંત જટિલ હોય છે. ઝેરના બંધારણમાં વિવિધ પ્રોટીન્સ અને એન્ઝાઇમ્સ સહિતનાં અનેક બાયોએક્ટિવ સંયોજનો હોય છે. ચોક્કસ પરિસ્થિતિમાં આ ઘટકો `દવા' તરીકે કામ કરે છે. એટલા માટે જ સાપના ઝેરનો દવા તરીકે ઉપયોગ થાય છે.
એ તો બહુ જાણીતી વાત છે કે ઝેરના ન્યૂરોટોક્સિન્સ મનુષ્યની નર્વસ સિસ્ટમના સિગ્નલિંગને અસર કરે છે. આ ગુણનો ઉપયોગ કરીને સાપના ઝેરમાંથી એપિલેપ્સી, પાર્કિન્સન અને અલ્ઝાઇમર જેવા રોગોની સારવાર માટે સંશોધન થઈ રહ્યાં છે. સાપના ઝેરમાં રહેલું હેમોટોક્સિન્સ નામનું પ્રોટીન રક્ત પરિભ્રમણને અસર કરે છે. આથી આ પ્રોટીનનો ઉપયોગ રક્ત ગંઠાઈ જવાની સમસ્યાઓ (જેમ કે થ્રોમ્બોસિસ)ની સારવાર માટે થાય છે. દાખલા તરીકે બ્રાઝિલના વાઇપર સાપના ઝેરમાંથી મળેલા બેટ્રોક્સોબિન જેવા ઘટકો રક્તના ગંઠનને નિયંત્રિત કરવા માટે દવાઓમાં વપરાય છે. કેટલાક સાપના ઝેરમાં ન્યૂરોટોક્સિન હોય છે, જે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. આ ઘટકોનો ઉપયોગ દીર્ઘકાલીન પીડાની સારવાર માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે કોન સ્નેલ(cone snail)ના ઝેરમાંથી બનાવેલી દવા ઝિકોનોટાઇડનો ઉપયોગ ગંભીર પીડા નિવારણ માટે થાય છે. બ્રાઝિલમાં જોવા મળતો એક પ્રકારનો વાઈપર સ્નેક પણ પોતાના ઝેર દ્વારા તમારું બ્લડપ્રેશર ડાઉન કરી શકે છે, કેમ કે એના ઝેરમાં બ્રેડિકાઇનિન-પોટેન્શિયેટિંગ પેપ્ટાઇડ્સ (BPPs) રહેલું છે. એનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરની સારવાર માટે ઉપયોગી સાબિત થાય છે.
સૌથી રસપ્રદ બાબત એ છે કે ઝેરના કેટલાક ઘટકો કેન્સરના કોષોને નષ્ટ કરવામાં પણ અસરકારક હોય છે. ઉદાહરણ તરીકે, રેટલસ્નેકના તમારા શરીરના ચોક્કસ કોષોને લક્ષ્ય બનાવી શકે છે. આ ખાસિયતનો ઉપયોગ કરીને કેન્સરની સારવારમાં એનો ઉપયોગ કરવા માટે સંશોધકો પ્રયત્નશીલ છે. જો એવી કોઈ દવા મળી જાય, જેનાથી શરીરમાં વકરેલા કેન્સરના કોષોને ટાર્ગેટ કરીને ખતમ કરી નાખવામાં આવે, તો દુનિયાભરના લાખો દર્દીઓને જીવલેણ યાતનામાંથી છુટકારો આપી શકાય.
એ આપણને અનેક રોગોમાંથી બચાવી શકે છે, પણ કમનસીબે મનુષ્યને રોગોથી બચવા કરતાં વધુ રસ નશાખોરીમાં છે! એટલે જ ઝેરમાંથી બનતી દવાઓ શોધવામાં સંપૂર્ણ સફળતા નથી મળી, પણ સાપના ઝેરનો ઉપયોગ નશાખોરી માટે શી રીતે કરવો, એ શોધાઈ ગયું છે! યે ઔર બાત હૈ કી આ શોખ તમને જીવતેજીવ નરકનાં દર્શન કરાવે છે.
દુનિયાભરના નશેડીઓ ખાસ કરીને બદનામ રેવ પાર્ટીઝના શોખીનો સાપના ઝેરમાંથી નશો કરતા થયા છે. રેવ પાર્ટીઝમાં સાપના ઝેરનો ઉપયોગ સામાન્ય રીતે સાપને ઇરાદાપૂર્વક ડંખ મરાવીને કરવામાં આવે છે. જીભ અથવા પગ જેવા અવયવો પર સાપ દંશ દે, એ પછી નશેડીના શરીરમાં ઝેરની અસર વર્તાવા માંડે છે. કઈ રીતે થાય છે આખી પ્રોસેસ?
સાપના ઝેરમાં ઘણા બાયોએક્ટિવ ઘટકો હોય છે, જેમાંથી કેટલાક ન્યૂરોટોક્સિન્સ નશીલા પદાર્થ તરીકે કામ કરી શકે છે. આ ઘટકો શરીરમાં પ્રવેશ્યા બાદ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. દાખલા તરીકે, કોબ્રા અને ક્રેટ જેવા સાપના ઝેરમાં રહેલા ન્યૂરોટોક્સિન્સ, મગજમાં ડોપામાઇનનું સ્તર વધારે છે. આનાથી યુફોરિયા (અત્યંત આનંદ), શાંતિ અને ઉન્માદની લાગણી થાય છે, પણ આ બધી મજા અંતે તો `સજા' જ બને છે. ઝેરના ન્યૂરોટોક્સિન્સ નશેડી વ્યક્તિની નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી લકવો (paralysis), શ્વસનતંત્રની નિષ્ફળતા અને મૃત્યુ સુધ્ધાં થઈ શકે છે. જીવતા બચી ગયેલા લોકો પણ લાંબા ગાળાના સેવનને પ્રતાપે હેલુસિનેશન, મૂંઝવણ અને ચિંતા (anxiety) જેવી સમસ્યાઓનો ખરાબ રીતે ભોગ બની જાય છે. આ રીતે પીડાતો વ્યક્તિ થોડા જ સમયમાં માનસિક સંતુલન ન ગુમાવે તો જ નવાઈ!
આખરે તો વિજ્ઞાન બેધારી તલવાર જેવું છે. કઈ રીતે વાપરવું એ આપણે વિવેકબુદ્ધિપૂર્વક નક્કી કરવાનું છે.