ભાવનાત્મક સુરક્ષા યાને ઇમોશનલી સેફ્ટી દરેક ઊંડા અને સ્થાયી સંબંધોની આધારશીલા છે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડૉ. જ્હોન ગોટમેટના મતાનુસાર જ્યારે સંબંધોમાં સલામતીની ખામી હોય છે ત્યારે સામેનો પાર્ટનર હંમેશાં ડિફેન્સિવ મોડમાં રહે છે, જેથી સંવાદને બદલે ખુદનો બચાવ કરતી અને સામી વ્યક્તિની ખામી શોધતી દલીલો થાય છે. એનાથી વિપરીત ભાવનાત્મક સુરક્ષા એ માહોલ છે કે જ્યાં બે વ્યક્તિ કોઇ પણ જાતના ડર, દંભ, હિચકિચાટ અને નકાબ પહેર્યા વિના વાસ્તવિક રૂપમાં રહી શકે છે.
ઇમોશનલ સિક્યોરીટીની પ્રથમ નિશાની એ છે કે એક પાર્ટનર બીજા પાર્ટનર સમક્ષ પોતાનું વરવું યાને ખરાબ રૂપ દર્શાવતા ડરતા નથી. મોટાભાગે જીવનસાથીની નજરમાં શ્રેષ્ઠ દેખાવા માટે સ્વભાવ પર આંચળો ઓઢીને અનેક લોકો વર્તે છે. પોતાની શારીરિક, ડ્રેસિંગ કે સ્ટાઇલની સામાન્યતાને છુપાવી પરફેક્ટ દેખાવાનો પ્રયત્ન કરે છે. ટી.વી. જોતાં જોરથી હસવું, હાથથી ખાવું કે સામાન્ય કપડામાં રહેવા જેવી બાબતો કે દુનિયાથી છુપાવીને રાખે છે તે છુપાવતા નથી. માનસશાસ્ત્રી આ સંદર્ભે એવું કહે છે કે જ્યારે આપણે આપણી કમીઓ અને નિષ્ફળતાને કોઇ આવરણમાં લપેટ્યા વિના બીજાની સમક્ષ મૂકી શકીએ છીએ તો એ સામાજિક સુરક્ષા અને ઊંડા લગાવને સાબિત કરે છે.
જ્યારે સંબંધોમાં પૂરેપૂરી સલામતી દેખાય ત્યારે એક પાર્ટનર બીજા પાર્ટનરની વાત પર અસહમતી દર્શાવી શકે છે. અગર બાળકોનાં એજ્યુકેશન, ઇન્વેસ્ટમેન્ટ કે રાજકીય મુદ્દે સામસામાં મત હોય તો પણ સંબંધો તૂટવાનું જોખમ અહીં ઓછું હોય છે અને જુદો મત ધરાવતી વ્યક્તિ પોતાની વાતને સાચી સાબિત કરવાનો પ્રયાસ આરામથી કરી શકે છે.
મેરીલેન્ડ યુનિવર્સિટીની એક શોધ મુજબ જે પાર્ટનર પોતાની ભાવનાત્મક કમીઓને વ્યક્ત કરી સહજતાથી સહયોગ માંગી શકે છે એમના સંબંધોમાં ઓક્સિટોસિન યાને બોન્ડિંગ હોર્મોન્સનું સ્તર વધારે હોય છે, જે સુરક્ષાની ભાવના વધારે છે. જ્યાં અહમ્ અથવા વિશ્વાસનો અભાવ હોય છે, ત્યાં પાર્ટનર સપોર્ટ માંગતી નથી. એમને અપમાન અને અસ્વીકારનો ડર લાગે છે. બીજું, અહીં એક પાર્ટનર બીજા પાર્ટનરની પ્રતિક્રિયા માટે હંમેશાં જજમેન્ટલ નથી બનતા. જેમ કે, ક્યારેક ફોન ન લેવો કે મેસેજનો જવાબ આપવો, રસોઇમાં એકની એક ભૂલ થવી કે વારંવાર કોઇ વાત ભૂલી જવી. સિક્યોર સંબંધોમાં પાર્ટનર એને માનવસહજ ભૂલ ગણીને સ્વીકારી લે છે. અમુક ભૂલોને કારણે પાર્ટનર વ્યક્તિત્વનું મૂલ્યાંકન નથી કરતા, પરંતુ ભૂલોને ઇગ્નોર કરે છે અથવા એકાદ પ્રેમાળ સૂચના આપીને માફ કરે છે. વારંવાર ભૂલોને જતાવતા નથી.
સિક્યોરિટી ફીલ કરનાર પાર્ટનર એ વાત શેર કરે છે જે એ બીજા સાથે નથી કરતા. તેઓ પોતાના જીવનનાં સંવેદનશીલ પાનાંઓને પાર્ટનર સમક્ષ ખોલી શકે છે. બાળપણની કોઇ ઘટના, પેરેન્ટ્સનો કડવો અનુભવ કે ભૂતકાળમાં કરેલી ભૂલોને એ ખુલ્લાં દિલે વ્યક્ત કરી શકે છે. જેમ-જેમ સંબંધો ઊંડા થતા જાય તેમ-તેમ મોસમ, જમવાનું કે શોપિંગ જેવી ઉપરછલ્લી વાતોને બદલે સ્વપ્રગટીકરણ થાય છે યાને એકબીજાની અંગત, સંવેદનશીલ અને મહત્ત્વની વાતો થાય છે. ખુદને હળવી બનાવતી, ભરોસો ઊભી કરતી વાતોનો સંવાદ જેમ-જેમ વધતો જાય છે તેમ-તેમ આત્મીયતા અને સલામતીનો વિસ્તાર વધતો જાય છે અને આ પૂર્ણ વિશ્વાસના વાતાવરણમાં જ શક્ય બને છે.
અન્ય લોકોની જેમ એમની વચ્ચે પણ સંવાદ થાય છે, પરંતુ સુરક્ષિત સંબંધોમાં ઝઘડા બાદ સાઇલન્ટ ટ્રીટમેન્ટ લાંબી નથી ચાલતી, પરંતુ ઝઘડા પછી થોડા જ સમયમાં ઇગો છોડીને તેઓ એકબીજાને મનાવવા આવશે અને કહેશે કે `જે થયું એના માટે મને ખેદ છે, ચાલો, બેસીને વાત કરીએ અને મામલો થાળે પાડીએ.' સુરક્ષિત સંબંધોમાં ઝઘડા પછી સંબંધોને સુધારવાનો વધારે પ્રયાસ થાય છે. ઘણી વખત બે લોકો સાથે બેઠા હોય, પરંતુ એમની વચ્ચે વાતચીતનો વિષય ન હોય તો તેઓ અસહજ મહેસૂસ કરે છે અને બળજબરીથી અહીં તહીંની ફાલતુ વાતો દ્વારા નજદીકી મહેસૂસ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સલામત સંબંધોમાં વાતચીત જેટલું જ મૌન સાહજિક હોય છે અને એકબીજાની હાજરી જ એકબીજાને શાંતિ આપે છે.
અને છેલ્લે આ સંબંધોમાં કોઇ એકબીજાને બદલવાનો પ્રયાસ નથી કરતું. જેવા જે તેવા સ્વીકારે છે. દા.ત., પતિને ક્રિકેટનો શોખ છે અને પત્નીને બેન્ડમિન્ટનનો. તો બંને એકબીજાને પોતાને ગમતી રમત રમવાની સ્પેસ આપશે. હું ક્રિકેટ રમુ છું, તો તારે પણ એ જ રમવી જોઇએ એવો હઠાગ્રહ નહીં કરે.
જોકે, સંબંધોમાં આ સ્તર અંતિમ મંજિલ નથી, પરંતુ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કોઇ એક દિવસના પ્રયાસો નહીં, પરંતુ નાના-નાના પ્રયાસો સંબંધને સલામત મુકામે પહોંચાડે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો