ઓ ર્કુટનો સમય કેટલાને યાદ છે? ઓર્કુટની પહેલાં પણ યાહૂ મેસેન્જર હતું. યાહુના ચેટરૂમ્સ હતા. યુવાનો પાસે હાથવગું ઈન્ટરનેટ ન હતું તો સાયબર કેફે જઈને ઈન્ટરનેટ વાપરતા.

દૂર દૂરના અજાણ્યા મુલકની વ્યક્તિઓ સાથે વાત થતી. ઓર્કુટમાં તો કોમ્યુનિટી પણ હતી. જુદા જુદા વિચારો કે એકસરખા એજન્ડાવાળી કોમ્યુનિટી ચાલતી. લોકો એકબીજા સાથે કનેક્શનમાં આવતા ગયા, તો પણ ઈન્ટરનેટના સીમિત ફેલાવાના લીધે બધું મર્યાદામાં રહેતું, જે એક રીતે જોવા જઈએ તો સારું પણ હતું. ઇન્ફર્મેશનની સાથે ટેક્નોલોજી થકી નવાં જોડાણોની દુનિયા શરૂ થઈ રહી હતી. લોકોને આજ સુધી વિદેશમાં રહેતા લોકો વિશે કે દુનિયા વિશે માત્ર જ્ઞાન હતું કે માહિતી મળતી. સોશિયલ મીડિયાને કારણે એ માહિતી મનોરંજન વત્તા અનુભવમાં ફેરવાયા. બિલકુલ અતિશયોક્તિ વિના કહી શકાય કે સોશિયલ મીડિયાએ આ દુનિયાને એક બેહતર જગ્યા બનાવી. લોકોને એક નવો પર્પઝ આપ્યો, પણ અતિને ગતિ મળે તો વિનાશની શક્યતા નકારી શકાય નહીં.

થયું એવું કે ઈન્ટરનેટની સ્પીડ વધી. ફેસબુક પણ ધીમે ધીમે આઉટડેટેડ થવા લાગ્યું. ટિકટોક ભલે બેન થયું, પણ એણે લગાડેલો ચેપ વકરી ગયો હતો. ઇન્સ્ટાગ્રામ નામનું એ ભૂત આવ્યું જે બધાને વળગ્યું. ધીમે ધીમે કોઈને માહિતી કે જાણવામાં રસ ઓછો થતો ગયો. હવે બધાને પોતાની જાત બતાવવામાં રસ વધતો ગયો. મેળવવાને બદલે બતાવવાની વૃત્તિ ઉજાગર થઈ. ઉપયોગ કરતા આવડ્યો નહીં એટલે પોતાનો જ ઉપયોગ થવા માંડ્યો. પરિણામ? આખું ભારત રીલ સ્ક્રોલ કરીને પોતાની જિંદગીનો મહામૂલો સમય બગાડતી થઇ ગઈ. આઈફોન-સેવન્ટીન લોન્ચ થયો એ પહેલાં આઈફોન પોતાના ફોનની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની જાહેરાત કરતો હતો. એની એક જાહેરાતના બોર્ડમાં યુલીસીસ નવલકથાનો ઉલ્લેખ આવ્યો. લેખક જેમ્સ જોયસની આ નવલકથા દુનિયાની સૌથી અઘરી વાર્તા ગણાય છે. એક સમયે ગુજરાતમાં ફેસબુક ઉપર આવા સાહિત્યની વાત થતી અને પછી શું થયું?

પછી અન્ના હઝારેજી આવ્યા. ફેસબુક ડિવાઇડ થયું. હજુ એ સમય હતો કે અહીંના મિત્રો લેખે લેખે કે કવિતાએ કવિતાએ ઝઘડતા. તો એમાં પૉપકોર્ન ખાવાનું મન ન થતું. ખરા ભાવકને બંને પક્ષમાંથી કંઈક ને કંઈક મળી રહેતું. ગરમાગરમ ચર્ચા થતી, પણ એ ચર્ચાઓ જ રહેતી. પછી ચૂંટણીઓ આવી. વિકાસ ગાંડો થયો કે ન થયો, પણ અહીંના લોકો ગાંડા થતા ગયા એવું લાગ્યું. ગાંડપણ ને ટ્રોલિંગ વધતું ગયું. ધીમે ધીમે એ જ રસ્તે વિકૃતિ વધતી ગઈ. દાલગોના કોફી સુધી હજુ બધું સહ્ય હતું, પણ છેલ્લા બેએક વર્ષમાં ફેસબુક ઉકરડા કરતાં પણ જે ગંદું બન્યું છે, આહાહા! ખાસ તો આ મોનેટાઇઝેશન પછી. લોકો નથી ચર્ચા કરતા, નથી ઝઘડતા, નથી કંઈ સારું આપતા. બસ મૂક્યા જ કરે છે, મૂક્યા જ કરે છે.

પોતાની વોલ ઉપર એંગેજમેન્ટ વધે તો પોતાના અમુક ડોલરનો ટાર્ગેટ પૂરો થાય. બસ દે ઠોક જે કચરો ઠલવાય છે. એક સમયે આપણે પાનના ગલ્લાને વખોડતા. હવે ખાતરી સાથે કહી શકાય કે અત્યારે જે ફેસબુક ઉપર ગંદકી દેખાય છે એના કરતાં તો અત્યારના કોઈ પણ પાનના ગલ્લા પર દસ ગણું સારું વાતાવરણ હોય.

લોકો દિવસની કેટલી ઊલટીઓ સોશિયલ મીડિયા ઉપર કરે છે? પોતાની ચાંચ ડૂબે કે ન ડૂબે, દરેકેદરેક વિષય ઉપર, વિષય ન હોય તો પણ હવામાંથી પ્રોબ્લેમ શોધીને કંઈક પોસ્ટ મૂકવાની. રોજનીશી ડાયરીમાં લખવાની હોય એને બદલે હજારો લોકો પોતે આખો દિવસ એના ઘરમાં કેવી રીતે રહે છે એના વીડિયોઝ મૂક્યા રાખે (અને બધા જુએ પણ ખરા!) પોસ્ટ નીચે તમે શું વિચારો છો? તમને શું ગમે? તમારો મત શું છે? તમે પણ આને ટેગ કરો. આવું વીડિયોમાં બોલીને કે પોસ્ટમાં લખીને કૉમેન્ટ્સની સતત ભીખ માંગવાની, જેથી એમની પ્રોફાઈલની રિચ વધ્યા કરે. પોતે ત્રણ ટંક શું જમે છે એ સતત રોજેરોજ બારેમાસ આખા ગામને કહેવાનું. રોજે થાળી મૂકવાવાળા પોતાના રસોડાની એક એક ચમચીના ફોટો હજુ સુધી નથી મૂક્યા એટલો આભાર. ખપાવે શૃંગાર રસમાં પણ એની વલ્ગર સેક્સ્યુઅલ વાતો કે ફોટોમાં કંઈ નવીન ન હોય કે કોઈ કલાફલા ન હોય. છાપામાં આવતી અંગત પ્રશ્નોની એ જ ચવાઈ ગયેલી કોલમ જેવું કન્ટેન્ટ અલગ ક્લેવરમાં પીરસીને, ફોલોઅર્સ વધારીને રોજ અહીં ગમે તે વાત પર ડહાપણ ડહોળ્યા કરવાનું. એમના ડોલરના સેન્ટ વધતા રહે.

ખરેખર મંદ બુદ્ધિ ભગવાને આપી હોય એ માણસ એક જ જગ્યાએ દસ વર્ષથી મજૂરી કરતો હોયને તો એને પણ એ કામમાં હથોટી આવી જાય. એ જ રીતે પંદરેક વર્ષથી અહીં જ પડ્યા પાથર્યા રહેતા ઘણા નામચીન સાઇકોએ પોતાનું એક નાનું વર્તુળ બનાવી લીધું હોય. એટલે દરેક રેઢિયાળ વાતમાં કેવા શબ્દોનો વઘાર કરીને એને મૂકવું એ આવડી ગયું હોય. રોજની આવી પાંચથી આઠ પોસ્ટ કે વીડિયો રેગ્યુલર મૂકશે.

આજથી 20 વર્ષ પહેલાંની ચોરબજાર કે શાકમાર્કેટમાં જે કોલાહલ હોય ને દરેકેદરેક થડાવાળો ચીસો પાડી પાડીને બધા ઘરાકનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતો હોય ને એમ જ મારા પોતાના ફેસબુકના અડધોઅડધ કે વધુ `ફ્રેન્ડ્સ' `મને જુઓ, મને જુઓ', `મને અટેન્શન આપો,

મને ધ્યાન આપો', `મારા ડોલર વધારી દો, મારો ટાર્ગેટ પૂરો કરાવી દો'ની બૂમો પાડી રહ્યા હોય એવું સંભળાઈ રહ્યું છે, કારણ કે મોનેટાઇઝેશનને કારણે સોશિયલ મીડિયા ગુલામ થઈ ગયું છે પૈસાનું. પૈસો નચાવે છે ને લોકો નાચે છે.

કોઈ જ ટોન્ટ વિનાની સલાહ છે. સોશિયલ મીડિયાનો વર્તમાન સિનારિયો એવો છે કે તમારી બુદ્ધિ ને આઇક્યૂની એવરેજ ઓછી થશે. એના કરતાં પાનની દુકાને કે ગામના પાદરે બેઠેલા ભાભાઓ સાથે બેસવામાં તમારું કંઈક ભલું થશે. જ્યાં ભીખ માંગવામાં આવતી ન હોય એ વિસ્તારમાં રહેવું. જિંદગી બેહતર રહેશે. આ કચરપટ્ટીનો અંત ક્યારે આવશે?