જૂની હોટલો અને રેસ્ટોરાંની દીવાલ પર મોટા અક્ષરે લખવામાં આવતું હતું, `અહીં રાજકારણની ચર્ચા કરવી નહીં.' ત્યારે હોટલોવાળાઓને ખબર હતી કે ચાર જણા ચા પીવા આવ્યા હોય.
બે આખીમાંથી ચાર કટિંગ કરાવીને ચાની ચૂસ્કી મારતા હોય, ત્યારે જો રાજકારણની ચર્ચા શરૂ થાય તો પાંચ જ મિનિટમાં વાતાવરણ ઉગ્ર થઈ જાય. સામસામી ઉગ્ર દલીલો થવા માંડે અને વર્ષો જૂના મિત્રો `ચંદ લમ્હોં'માં `જાની દુશ્મન' બની જાય. ટૂંકમાં, રાજકારણની ચર્ચા એટલે બબાલનું ઘર. આ જ કારણસર `અહીં રાજકારણની ચર્ચા કરવી નહીં.' એ વાક્ય આજે પણ બ્રહ્મ વાક્ય ગણાય છે.
આજકાલ `વોટ્સએપ', `ટ્વિટર' અને `ફેસબુક'ની દીવાલો પર પણ `અહીં રાજકારણની ચર્ચા કરવી નહીં.' એવું લખવું તાત્કાલિક ધોરણે જરૂરી બન્યું છે. વર્ષો જૂના મિત્રો અથવા તો વર્ષો પછી મળેલા મિત્રો કે પછી નવા નવા બનેલા મિત્રોએ ક્યાંક સરસ મજાનું ફેસબુક ગ્રૂપ કે પછી વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હોય. એમાં અઠવાડિયે એકાદવાર `સ્નેહમિલન' પણ યોજાતું હોય. આવા મિત્રોના ગ્રૂપમાં અચાનક રાજકારણની ચર્ચા શરૂ થાય. સામસામે `મેસેજો' મુકાય, વીડિયો મુકાય, ફોટાઓ મુકાય અને પછી શરૂ થાય દલીલોનો દૌર. કોઈ સત્તા પક્ષને ગાળો આપે, કોઈ વિરોધ પક્ષની `ધજ્જિયાં' ઉડાવે. કોઈ સત્તા પક્ષને સારો ઠેરવવા સબૂત પેશ કરે, કોઈ વિરોધ પક્ષની વાતની વિગતવાર રજૂઆત કરે અને પછી તડાફડી શરૂ થઈ જાય.
પક્ષની વાતો વાયવ્ય દિશામાં ધકેલાઈ જાય અને પછી વન-ટુ-વન બોલાચાલી શરૂ થાય. તમે અને આપ કહેનારા `તું-તારી' પર ઊતરી જાય. `તેરા સાથ ના છોડેંગે' એવું કહેનારાં ગ્રૂપ વેરવિખેર કરી ફ્રેન્ડને અનફ્રેન્ડ કરી `છોડ આયે હમ વો ગલિયાં' એવું ગાઈ એકબીજા સાથેના સંબંધો કાપી નાખે. મોબાઇલ અને કમ્પ્યૂટરમાં બિરાજમાન સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં પોલિટિક્સની વાતો એન્ટિ સોશિયલ એલિમેન્ટનું કામ કરે છે.
રાજકારણની ચર્ચાના કારણે થતી`બબાલ'નો તો હું ઘણીવાર `મોબાઇલદીદ ગવાહ' બન્યો છું. (નજરોનજર ઘટના જોનારને `ચશ્મદીદ ગવાહ' કહેવાય, તો મોબાઇલમાં બનેલી ઘટના જોનારને `મોબાઇલદીદ ગવાહ' કેમ ન કહેવાય?) ફેસબુક 52 શોધી શોધીને રિક્વેસ્ટ કરીને મિત્ર બનાવ્યા હોય, જૂના યાર-દોસ્તો, ઓળખીતાઓના નંબર શોધીને વોટ્સએપ ગ્રૂપ ક્રિએટ કર્યાં હોય, ત્યાં સંબંધનું સ્થાપન, પુનઃસ્થાપન ચાલતું હોય, સંબંધ વધારો ઝુંબેશે વેગ પકડ્યો હોય ત્યાં જ એક અતિ ઉત્સાહી વ્યક્તિ રાજકારણની પોસ્ટ મૂકે, `ફલાણી પાર્ટી જિંદાબાદ, ઢીંકણી પાર્ટી મુર્દાબાદ', `એબીસીડી નેતા હીરો અને અબકડ નેતા જીરો', `ખાલી જગ્યા પાર્ટી કરશે રાજ ખાલી જગ્યા પાર્ટી થશે તારાજ.' બસ, પછી તો પત્યું રે લોલ, બીજા બધા ટીવી સમાચારમાં ચર્ચામાં જેવી રાડારાડી કરે એમ મોબાઇલમાં મેસેજની રાડારાડી શરૂ કરે. કોઈ `ક્ષ' પાર્ટીવાળાની ફેવરમાં બૂમો પાડે, તો કોઈ `જ્ઞ' પાર્ટીવાળાની ફેવ2માં બોલે અને પછી એ બોલવાનું બોલાચાલીમાં પરિવર્તિત થઈ જાય છે. મારી સ્કૂલના મિત્રોનું એક ગ્રૂપ હતું, `ચડ્ડીબડીઝ'. મારા કોલેજના મિત્રોનું ગ્રૂપ હતું, `ધ બેક બેન્ચર્સ'. મારાં સગાંઓનું એક ગ્રૂપ હતું, `અમો કાકા-બાપાના પોઇરા.' મારું એક ચાની કીટલીના મિત્રોનું ગ્રૂપ હતું, `કડક મીઠી.' આ બધાં ગ્રૂપ રાજકારણની ચર્ચાના કારણે `રમણભમણ' થઈ ગયાં. અમારી સોસાયટીના રહીશોનું `પહેલો સગો પાડોશી' નામનું વોટ્સએપ ગ્રૂપ બનાવેલું. એમાં રાજકારણની ચર્ચાના કારણે પહેલાં તો મોબાઇલમાં માથાકૂટ થયેલી. પછી તો વિવાદ ઉગ્ર થયો એટલે પાડોશીઓ મોબાઇલ મૂકી સામસામે આવી ગયેલા અને પછી `દંગલ' તેમજ `સુલતાન' ફિલ્મનાં દૃશ્યો ભજવાયેલાં.
એનાથી પણ એક અજબગજબનો કિસ્સો તો એવો છે કે એક ડૉક્ટર ફેસબુક પર રાજકારણની પોસ્ટ મૂકી વિરુદ્ધ મત ધરાવનારાઓ સાથે ઉગ્ર દલીલો કરતા. આમાં એક વાર એમના પેશન્ટે કોઈ કોમેન્ટ કરી તો ડૉક્ટર એવા ખિજાયા કે ફેસબુક પર એમણે એ દર્દીને `અનફ્રેન્ડ' તો કરી જ નાખ્યો, પણ પછી એ દવા લેવા આવ્યો ત્યારે ક્લિનિકમાં ખૂબ ધમકાવ્યો અને દવા પણ ન આપી.
અલ્યા ભઈ, આપણા કકળાટથી રાજકારણીઓને કશો જ ફરક પડવાનો નથી, તો પછી આવી બધી માથાકૂટો કરી,
રાજકારણની વાતો કરી સંબંધો શું કામ બગાડવા? મિત્રતા શું કામ તોડવી? મારી જાણમાં વોટ્સએપમાં એક `મોજ' નામનું ગ્રૂપ છે. એમાં માત્ર ને માત્ર મોજ પડે એવા મેસેજો જ મૂકવાનો નિયમ છે. ગુડમોર્નિંગ-ગુડનાઇટના મેસેજ, ફિલોસોફી ઝાડતા મેસેજ, વાહિયાત શેર-શાયરીઓ અને રાજકારણના મેસેજ મૂકવા પર ત્યાં પ્રતિબંધ છે અને જો કોઈ આવું મૂકી અને `વાયડાઈ' કરે તો તરત એને રિમૂવ કરવામાં આવે છે અને એ `મોજ' ગ્રૂપ હજી પણ ટકેલું છે. તો મિત્રો, આપણે પણ આ `મોજ' ગ્રૂપની જેમ મજા ન કરી શકીએ? બોલો બોલો.
