દોઢ મિનિટમાં એક સભ્યનો સવાલ આવ્યો, `ટેક્નિશિયન કેટલા વાગ્યે આવશે?'
સેક્રેટરીએ જવાબ આપ્યો, `સવારે દસથી બપોરે એક વાગ્યા વચ્ચે.'
એક મહિલા સભ્યએ પૂછ્યું, `ચોક્કસ સમય કહો. હું આખો દિવસ રસોડામાં બેસી ન રહી શકું!' સેક્રેટરીએ જવાબમાં લખ્યું, `ભાઈ, ટેક્નિશિયન ગેસ તપાસવા આવશે, તમારી રસોઈ બનાવવા નહીં.'
પેલા મહિલા સભ્ય ખિજાયાં અને લખ્યું, `ઓ ભા, હું ભાઈ નથી, બહેન છું.'
સેક્રેટરીએ મેસેજ એડિટ કરી `બહેન' લખી `સોરી' લખ્યું. અન્ય એક સભ્યએ ગંભીર સમસ્યા રજૂ કરી, `અમારા રસોડામાં તો ગેસની ગંધ આવે છે. કમિટી શું કરે છે?'
સેક્રેટરીએ લખ્યું, `ગેસની ગંધ આવે તો તરત મુખ્ય વાલ્વ બંધ કરો, બારીઓ ખોલો અને ઇલેક્ટ્રિક સ્વિચનો ઉપયોગ ન કરો. ગેસ કંપનીને જાણ કરો.' એક મહાશયે પૂછ્યું, `બારીઓ ખોલવા માટે કમિટીમાંથી કોઈ આવશે કે જાતે ખોલવાની?'
સેક્રેટરી લખવા જતો હતો કે, `તમે શ્વાસ પણ કમિટીની પરવાનગી લઈને લો છો?'
પણ પછી બબાલની બીકે એણે લખ્યું, `કમિટીમાંથી કોઈ બારી ખોલવા નહીં આવે. દરેક સભ્યએ પોતાના ઘરની બારી જાતે ખોલવાની રહેશે.'
એટલામાં એક બહેને મેસેજ કર્યો, `મારા પતિ કહે છે કે મારા હાથના બનેલાં થેપલાંમાંથી ગેસની ગંધ આવે છે. શું કરવું?' સેક્રેટરીએ જવાબ આપ્યો, `હાથ ધોઈને થેપલાં બનાવવા વિનંતી.' એટલામાં એક ભાઈએ ફોટો મોકલ્યો. ફોટામાં એમના રસોડાનો ગેસનો ચૂલો હતો. એમણે નીચે લખ્યું, `આમાં કયો વાલ્વ બંધ કરવાનો? લાલ કે કાળો?'
કમિટીના કોઈ મેમ્બરે કહ્યું, `ફોટાથી ચોક્કસ કહી શકાય નહીં. ટેક્નિશિયનને બતાવો. ગેસની ગંધ હોય તો તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ જાઓ અને ઇમરજન્સી સેવાને ફોન કરો.'
પણ ગ્રૂપમાં સવાલ-જવાબનું ઉત્પાદન પૂર જોશમાં ચાલુ હતું.
એક સભ્યે લખ્યું, `અમારા ફ્લેટમાં તો ગેસની ગંધ નથી આવતી. શું અમને તપાસમાંથી બાકાત રાખશો? અમે મેન્ટેનન્સ તો પૂરું ભરીએ છીએ!'
બીજાએ કહ્યું, `મારા ઘરે તપાસ માટે આવે ત્યારે ચંપલ બહાર ઉતારાવજો. ગયા વખતે પ્લમ્બર આવ્યો ત્યારે એના પગલાંનાં નિશાન પાડ્યાં હતાં.'
ત્રીજા ભાઈએ વાંધો ઉઠાવ્યો, `ટેક્નિશિયનને ચા-પાણી કોણ આપશે? કમિટી ખર્ચ કરશે કે દરેક ફ્લેટ પાસેથી એ ખર્ચના રૂપિયા ઉઘરાવશે?'
એક જણાએ પૂછ્યું, `એમને નાસ્તો કરાવવાનો છે?' સેક્રેટરીએ કંટાળીને લખ્યું, `ભાઈ, આ ગેસની તપાસ છે, લગ્નનો જમણવાર નથી!' એટલામાં એક સભ્યે સેક્રેટરીને ટૅગ કરીને પૂછ્યું, `તમે ઘરે ગેસની તપાસ કરાવી છે?'
સેક્રેટરીએ કહ્યું, `હા.'
`તો તમારા ઘરે લીકેજ નીકળ્યું?'
`ના.' `તો પછી તમે સેક્રેટરી થઈને બીજાને સલાહ કેવી રીતે આપી શકો? પહેલાં તમારા ઘરે લીકેજ શોધો!' સેક્રેટરીને માથાકૂટ કરતાં જોઈ બાજુમાં બેઠેલી એની પત્નીએ મોબાઈલ આંચકી લીધો અને કહ્યું, `આટલા બધા લોકોની સેવા કરતાં પહેલાં તમારું બ્લડપ્રેશર ચેક કરાવો.'
બીજા દિવસે ટેક્નિશિયન આવ્યો. તપાસ કરી, બધું બરાબર હોવાનું જણાવ્યું. સેક્રેટરીએ રાહતનો શ્વાસ લીધો અને ગ્રૂપમાં લખ્યું, `ગેસની તપાસ પૂર્ણ. કોઈ લીકેજ મળ્યું નથી.' તરત જ મેસેજ આવ્યો, `તો ગઈ કાલે ગ્રૂપમાં આટલો ગેસ કોણે છોડ્યો હતો?' સેક્રેટરીએ તરત ગ્રૂપ સેટિંગ બદલી નાખ્યું: `ઓન્લી એડમિન્સ કેન સેન્ડ ધ મેસેજ.'
અને સોસાયટીના ઇતિહાસમાં પહેલી વાર ગેસની પાઇપલાઇન કરતાં વૉટ્સઍપની પાઇપલાઇનમાં લીકેજ બંધ થયું.
કારણ કે ગેસ લીક થાય તો ઘર ખાલી કરવું પડે, પણ ગ્રૂપમાં મેસેજનું લીકેજ થાય તો આખી સોસાયટી મેસેજનો મારો કરવા લાગી જાય.
તમારી સોસાયટીમાં વોટ્સએપ ગ્રૂપમાં આવું થાય છે?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો