મુંબઈની સાથે સાથે ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. હવે આપણે રોજ સવારે સમાચાર માધ્યમોમાં તૂટેલી સડકો, મોટા ખાડાઓ અને પાણીના જીવલેણ ખાબોચિયાંઓના ફોટોઝ જોયા કરવા પડશે. સમસ્યાઓ અને કારણોમાં પડવાને બદલે ઉકેલ વિશે વિચારીએ તો `સોલર રોડ્સ'ની ટેક્નોલોજી વિશે વિચારવું જોઈએ. ઊર્જા ઉત્પાદન અને પરિવહન ક્ષેત્રે આજે નહિ તો આવતી કાલે આ પ્રકારની ટેક્નોલોજી ગેમ ચેન્જર સાબિત થઇ શકે એમ છે.   

સોલર રોડ્સ એટલે એવા જાહેર માર્ગો જેમની સપાટી પર ખાસ પ્રકારના ટકાઉ, પારદર્શક સોલર સેલ્સ લગાવવામાં આવ્યા હોય. આવી સપાટી વાહનોના વજનને તો સહન કરે જ, સાથે સાથે સૂર્યપ્રકાશમાંથી વીજળી પણ પેદા કરે. રસ્તાનો રસ્તો અને ઉપરથી સાવ મફતમાં મળ્યા કરતી વીજળી! આ આકર્ષક વિચાર વર્ષોથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સના મગજમાં રમી રહ્યો છે. જો પ્રેક્ટિકલી આ પ્રકારની ટેક્નોલોજી વિકસાવી શકાય તો વધારાની જમીન વાપર્યા વિના સૌર ઊર્જાનો મહત્તમ ઉપયોગ થઇ શકે, સાથે જ ઊર્જા ઉત્પાદન માટે કોલસા જેવા પરંપરાગત (અને પર્યાવરણને નુકસાન કરનારા) સ્રોત પરની આપણી નિર્ભરતા ઘટે. જોકે, આ બધું લાગે છે એટલું સહેલું નથી. પહેલાં જરા સોલર રોડ કઈ રીતે કામ કરી શકે, એની પ્રોસેસ સમજી લઈએ.   

સોલર રોડ્સમાં ફોટોવોલ્ટેઇક (PV) સેલ્સનો ઉપયોગ થાય છે, જે સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે. રોડ પર ગોઠવાયેલી સોલર પેનલ્સને મજબૂત ગ્લાસ અથવા પોલિમર લેયરથી આવરી લેવામાં આવે છે, જેથી તે વાહનોનો ભાર ઝીલી શકે તેમજ વરસાદ, ધૂળ અને તાપમાનના ફેરફારો સામે ટકી શકે. પેનલ્સની અદ્યતન ડિઝાઇનમાં LED લાઇટ્સ અને વાહનો સાથે વાયરલેસ કમ્યુનિકેશનની સુવિધા પણ હોઈ શકે. એટલું જ નહિ પણ ઠંડા પ્રદેશોમાં જ્યાં બરફવર્ષા થતી હોય, ત્યાં પેનલ્સ સાથે બરફને પિગાળી શકે એવી હીટિંગ સિસ્ટમ પણ ગોઠવી શકાય. આપણને ભારતીયોને આવી હિટિંગ સિસ્ટમનું મહત્ત્વ નહિ સમજાય, પણ કેનેડા જેવા ઠંડા દેશોમાં તો જાહેર માર્ગો પર પડેલો બરફ ખસેડવા માટે દર વર્ષે કરોડો ડૉલર્સનું બજેટ ફાળવવું પડે છે! ટૂંકમાં, સોલર પેનલ્સ આચ્છાદિત જાહેર માર્ગો માત્ર વીજળી જ પેદા નહિ કરે, બલ્કે બીજા પણ કેટલાક ફાયદાઓ સાથેના `સ્માર્ટ રોડ્સ' બની રહે.   

એક વૈજ્ઞાનિક અંદાજ મુજબ જો અમેરિકાનાં રાજ્યોને જોડતા ઇન્ટરસ્ટેટ હાઇવેઝને સોલર રોડમાં બદલી નાખવામાં આવે, તો આખા અમેરિકાના કુલ વપરાશ કરતાં ત્રણ ગણી વધુ વીજળી પેદા થાય. વળી, સામાન્ય આસ્ફાલ્ટ રોડ જ્યાં 7-12 વર્ષ ટકે, ત્યાં સોલર પેનલ્સથી બનેલો રોડ 20 વર્ષ તો આરામથી ખેંચી નાખે. વળી, ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધે તો રસ્તે દોડતાં વાહનો ઇન્ડક્ટિવ ચાર્જિંગ થકી સરળતાથી રિચાર્જ થતા રહે.   

આ બધી વાતો ગરમ શીરાની માફક ગળે ઊતરી જાય એવી છે, પણ શું ખરેખર આવો કોઈ રસ્તો આજ દિન સુધી બન્યો છે ખરો? જો બન્યો હોય તો એમાં ઉપર જણાવ્યા એવા ફાયદા થાય છે ખરા?   

નેધરલેન્ડ્સમાં બનેલો 70 મીટર લાંબો બાઇક પાથ વિશ્વનો સૌપ્રથમ સોલર રોડ ગણી શકાય. સુખદ આશ્ચર્ય એ વાતનું છે કે આ બાઈકપાથે પ્રારંભિક તબક્કામાં અપેક્ષા કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરી હતી. બીજી તરફ ફ્રાન્સે 2016માં બનાવેલા એક કિલોમીટર લાંબા રસ્તા પર ક્રેક પડવા સહિતની તકલીફો આવી અને ધારેલું વીજઉત્પાદન થઇ શક્યું નહિ. દુનિયાના બીજા દેશો કરે તો ચીન શેનું પાછળ રહે? ચીન આમેય સોલર માર્કેટનું વૈશ્વિક હબ તો છે જ.   

ચીને પણ વર્ષ 2017માં જિનાન શહેરમાં સરસ મજાનો સોલર રોડ બનાવી લીધો, જે એક પાઇલટ પ્રોજેક્ટ હતો. તેમાં ત્રણ લેયર હતા - નીચે ઇન્સ્યુલેશન, વચ્ચે સોલર પેનલ્સ અને ઉપર ટ્રાન્સપરન્ટ કોંક્રીટ. આ રોડ દ્વારા વાર્ષિક 1 મિલિયન kWh વીજળી ઉત્પન્ન કરવાનો અંદાજ હતો. શરૂઆતમાં ધારણા મુજબ વીજ ઉત્પાદન થયુંય ખરું, પછી જાતજાતની સમસ્યાઓ નડી. ભારેખમ વાહનોના દબાણ તેમજ હવામાનની અસરોને કારણે પેનલ્સ ઝડપથી ડેમેજ થવા માંડી, એટલું જ નહિ પણ કેટલાક ચોટ્ટાચીનાઓ રોડ પર બિછાવેલી પેનલ્સ ખોદી કાઢીને ઘરભેગી કરવા માંડ્યા. અંતે આખા પ્રોજેક્ટનું અચ્યુતમ થઇ ગયું.   

આ બધી ચર્ચા પરથી એટલું સ્પષ્ટ છે કે સોલર રોડ્સ ઊર્જા અને વાહનવ્યવહાર માટે બહુ આકર્ષક વિકલ્પ બની શકે એમ છે, પરંતુ વ્યવહારુ સમસ્યાઓનું નિવારણ ન થાય ત્યાં સુધી કશું શક્ય નથી. વળી, અત્યંત ઊંચા પ્રારંભિક ખર્ચ(પ્રતિ પેનલ હજારો ડોલર)ને કારણે ગમે એવા હોંશીલા દેશો પણ આ પ્રોજેક્ટમાં ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યા છે.   

જોકે, સોલર રોડ્સનો વિચાર સાવ કાઢી નાખવા જેવો તો નથી જ. આપણે સોલર હાઈવેઝ ભલે ન બનાવીએ, પણ પાર્કિંગ લોટ, સાઈકલ પાથ અને સાઇડવોક જેવા ઓછા ટ્રાફિકવાળા સોલર પ્રોજેક્ટ્સ વિશે તો વિચારવું જ જોઈએ. ભવિષ્યમાં સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રે નવા નવા અપગ્રેડેશન આવશે, એ પછી કદાચ સોલર હાઈવેનું સપનુંય શક્ય બને ખરું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો