અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં, નિયમોમાં, રેગ્યુલેશનોમાં ઘણા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. એક્ઝિક્યૂટિવ ઓર્ડરો અને નવા નવા ફેડરલ રેગ્યુલેશનો દાખલ કરીને જેઓ અમેરિકાના બીજી વારના પ્રમુખ બન્યા છે એ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં ધાર્યા નહોતા એવા ફેરફારો કર્યા છે. એમનું કહેવું એમ છે કે અમેરિકાની આંતરિક સુરક્ષા માટે એમણે આ બધા નવા કડક કાયદાઓ દાખલ કર્યા છે. પહેલાં જે `એચ-1બી' વિઝાનો પ્રોગ્રામ અમેરિકાના ઈમિગ્રેશનમાં છે, જેની હેઠળ શિક્ષિત, અનુભવી ગ્રેજ્યુએટો અમેરિકાની કંપનીઓમાં કામ કરવા 6 વર્ષ માટે જઈ શકે છે.

જેની વાર્ષિક કોટા લિમિટ 85,000ની છે એની ફી વધારીને 1,00,000 ડોલર કરી નાખવામાં આવી છે અને જે `લોટરી' સિસ્ટમ 85,000 `એચ-1બી' વિઝા માટે 3-4 લાખ અરજીઓ આવતી હતી એટલે કે લોટરી દ્વારા એ અરજીઓમાંની કઈ લેવી એ સ્વીકારવામાં આવતું હતું, એ `લોટરી' સિસ્ટમ બંધ કરી. જે લોકોની લાયકાત વધારે હોય, જે લોકોનો પગાર વધારે હોય એમને `એચ-1બી' વિઝા આપવા એવું નક્કી કરાયું છે.`એચ-1બી'ધારકો અમેરિકામાં 6 વર્ષ કામ કરી શકે છે. એમને પ્રથમ ત્રણ વર્ષની મુદતના વિઝા આપવામાં આવે છે. પછી તેઓ અમેરિકામાં જ રહીને એમનો સમય વધારી શકતા હતા. હવેથી એમણે સમય લંબાવવા એમના દેશમાં જઈને અરજી કરવાની રહેશે અને ઇન્ટરવ્યૂ માટે મહિનાઓની વાટ જોવી પડશે.

`એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડૉક્યુમેન્ટ' એટલે કે વર્ક પરમિટ આપવામાં અપાતી જેનો સમય 5 વર્ષનો હતો, એ ઘટાડીને 18 મહિનાનો કર્યો. જે પરદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવા જતા હતા તેઓનો અભ્યાસક્રમ ગમે તેટલા સમયનો હોય, બે વર્ષનો હોય, ચાર વર્ષનો હોય, પણ તેઓ જ્યારે અમેરિકામાં `એફ-1' સ્ટુડન્ટ વિઝા લઈને દાખલ થાય ત્યારે બોર્ડર પરના ઈમિગ્રેશન ઓફિસરો એમને `ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ' એવું જણાવીને અમેરિકામાં ભણવા જતા હતા. આ `ડ્યુરેશન ઓફ સ્ટેટ્સ' એટલે કે તેઓ જ્યાં સુધી વિદ્યાર્થીઓ હોય, અમેરિકામાં ભણતા હોય ત્યાં સુધી તેઓ અમેરિકામાં રહી શકે. એટલે એક વિદ્યાર્થી જો બેચલર્સનો કોર્સ કરવા અમેરિકામાં જતો હોય અને એ કોર્સ અમુક વર્ષનો હોય તો એ ત્યાં એટલો સમય રહી શકે. ટૂંકમાં, પરદેશી વિદ્યાર્થીઓ જ્યાં સુધી અમેરિકામાં ભણતા હોય ત્યાં સુધી તેઓ અમેરિકામાં રહી શકે. આ જે સવલત હતી એ ઘટાડીને ચાર વર્ષની કરી નાખવામાં આવી છે. એટલે કે હવેથી વિદ્યાર્થીઓનો અમેરિકામાં ભણવા માટેનો સમય ગમે તેટલો હોય, એ ફ્ક્ત ત્યાં પહેલાં 4 વર્ષ જ રહી શકે. એ દરમિયાન એમનો અભ્યાસ પૂરો ન થાય તો એમને ફરી પાછા પોતાના દેશમાં આવીને સ્ટુડન્ટ વિઝા મેળવવાના રહે.

 જે `ઈબી-5' પ્રોગ્રામ ઘડવામાં આવ્યો હતો, જેની હેઠળ 10,50,000 ડોલર અથવા 8,00,000 ડોલર ઈન્વેસ્ટ કરીને આખા કુટુંબને ગ્રીનકાર્ડ આપવામાં આવતું હતું, હવે 30મી સપ્ટેમ્બર, 2027ના આ `ઈબી-5' બંધ થઈ જશે અને 30મી સપ્ટેમ્બર, 2026 સુધી જે લોકોએ `ઈબી-5' હેઠળ રોકાણ કર્યું હશે એમને જ ગ્રીનકાર્ડ મળશે.ત્યારબાદ `ટ્રમ્પ ગોલ્ડકાર્ડ' લેવાનું રહેશે, જેની કિંમત એક મિલિયન ડોલરની છે. `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ તમે જે રોકાણ કરો છો એ ઈન્વેસ્ટમેન્ટ છે, પણ આ ટ્રમ્પ ગોલ્ડકાર્ડ હેઠળ જે એક મિલિયન ડોલર આપવાના રહે છે એ અમેરિકાને ભેટ આપી દેવાના રહેશે. બીજું `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા આખા કુટુંબને ગ્રીનકાર્ડ મળે છે. જ્યારે `ટ્રમ્પ ગોલ્ડકાર્ડ' માટે દરેક વ્યક્તિએ જાતે એક-એક મિલિયન ડોલર આપવાના રહેશે. એટલે ફેમિલીમાંથી હસબન્ડ-વાઈફ અને બે બાળકોને જો ગ્રીનકાર્ડ જોઈતાં હોય તો એમણે ચાર મિલિયન ડોલર આપવાના રહેશે. વધુમાં આ ટ્રમ્પ ગોલ્ડકાર્ડ બીજી કોઈ ખાસ સગવડ નથી આપતું, પણ જ્યારે પિટિશન દાખલ કરવામાં આવે છે ત્યારે પહેલાં 15,000 ડોલર આપવાના રહે છે. આ `ટ્રમ્પ ગોલ્ડકાર્ડ' ખૂબ જ મોંઘું છે અને એની હેઠળ કઈ રીતે વિઝા મળશે? ક્યારે મળશે? એ નક્કી નથી. જોકે, 2025 સુધીમાં તો એટલું જ જાણવામાં આવ્યું છે કે એક મિલિયન ડોલર એક વ્યક્તિએ અમેરિકાની સરકારને ભેટ આપવાની રહેશે.

 આ ઉપરાંત કોન્સ્યુલર ઓફિસરોને વિઝાના અરજદારોની કડક તપાસ કરવાની સૂચના પણ અપાઈ છે. પરદેશીઓ અમેરિકાને માથે બોજારૂપ બની ન જાય એની ઊંડાણપૂર્વક ચકાસણી કરવાનું જણાવવામાં આવ્યું છે. જે પરદેશી ગ્રીનકાર્ડધારકો ખોટું બોલીને, છેતરપિંડી આચરીને, સાચી બાતમી છુપાવીને, બનાવટી દસ્તાવેજો રજૂ કરીને નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકાના નાગરિક બન્યા હોય, એની નાગરિકતા છીનવી લેવાની સત્તા અમેરિકાના કાયદામાં છે. આજ સુધી એનો અમલ ભાગ્યે જ અને જૂજ સંખ્યામાં કરવામાં આવ્યો છે. હવેથી આવા જુઠ્ઠાણાં આચરીને અમેરિકન નાગરિક બનેલાઓને શોધી કાઢવામાં આવશે અને એમની સામે કાયદેસરનાં પગલાં લેવાશે.

 આમ, વર્ષ 2025માં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેના થકી પરદેશીઓ જેઓ અમેરિકન થવાનું સપનું સેવે છે, એ લોકોને વિમાસણ થઈ ગઈ છે, મુશ્કેલીમાં આવી પડ્યા છે કે હવે શું કરશું? આ ઉપરાંત પણ બીજા અનેક એવા નિયમો ઘડવામાં આવ્યા છે, કાયદાઓ સખત બનાવવામાં આવ્યા છે, જેના કારણે પરદેશીઓને અમેરિકામાં પ્રવેશવું હવે ખૂબ કઠણ બની જશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો